ભુજની બજાર ચાવડી પોલિસ ચોકી નજીક આવેલી એક ચાયની કીટલી પર આજે ચાયની હોટલ પર ન આવવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ છરી ઉલળી હતી. અને મુળ દિનારા ગામના ઇબ્રાહીમ અલી નામના શખ્સે બે શખ્સો પર છરી વડે હુમલો કરતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા. જો કે ભરચક બજારમાં બનેલા બનાવથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલિસ સુત્રો પાસેથી મળેલી પ્રાથમીક માહિતી મુજબ બજાર ચાવડી પોલિસ ચોકી નજીક આવેલી જેઠી ટી સ્ટોલ પર આજે ઇબ્રાહીમ અલી તેના નિત્યક્રમ મુજબ આવ્યો હતો. જો કે અવારનવાર કલાકો સુધી બેસી રહેતા ઇબ્રાહીમ અલી અને હોટલ સંચાલક સુરેશ જેઠી વચ્ચે આ બાબતને લઇને બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાઇ જઇ ઇબ્રાહીમે તેને છરી વડે ઇજા પહોંચાડી હતી તો ત્યા કામ કરતા શૈલેસ ચાવડાને પણ હાથમા છરી વડે ઇજા કરી હતી. જો કે બનાવ બાદ ઇબ્રાહીમ સાથે ત્યા ઉપસ્થિત અન્ય લોકોએ વચ્ચે પડી મારામારી કરી હતી. જેમાં ઇબ્રાહીમને પણ ઇજા પહોંચી હતી. જેથી ત્રણે વ્યક્તિઓને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ સંદર્ભે એ ડીવીઝન પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે પ્રાથમીક તપાસમા સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ યુવતીની છેડતી આ હુમલા પાછળ કારણભુત છે. જો કે પોલિસ આ મામલે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરશે.