કોર્ટના આદેશ અને પોલિસને લાંબા સમયથી ચકમો આપી કાયદાથી બચતા રહેતા આરોપીઓ પર હાલ એલ.સી.બીએ ધોંસ બોલાવી છે. થોડા દિવસ પહેલા વર્ષો સુધી કોર્ટમાં હાજર ન રહેતા એક શખ્સની ધરપકડ બાદ આજે પણ એલ.સી.બીએ બે ફરાર શખ્સોની અટકાયત કરી તેને કાયદાનુ ભાન કરાવ્યુ છે. જેમાં સુર્યા ડેવલોપરના પાર્ટનર એવા ફીરોઝ મામદહુસૈન ખત્રી નામના શખ્સને 17 પકડ વોરંટ પછી પણ હાજર ન રહેતા એલ.સી.બીએ ઝડપી ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં રજુ કર્યો હતો. એલ.સી.બીને બાતમી મળી હતી કે ફીરોઝ તેના ઘરે છે. જેથી તેના ઘરેથી તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા તકરાર નિવારણ કોર્ટે તેને જેલહવાલે કર્યો છે. તો બીજી તરફ અગાઉ પણ અનેક નાના મોટા ગુન્હા અને મારામારી સહિતના ગુન્હાઓમાં આવી ગયેલા શખ્સ સામે થોડા સમય પહેલા મારામારી અને ઘરમાં તોડફોડ સહિતની થયેલી ફરીયાદ બાદ લાંબા સમયથી ફરાર એવા દાઉદ કાસમ સનાની પણ એલ.સી.બીએ ધરપકડ કરી છે. વર્ષ 2018મા તેના વિરૂધ્ધ આઇ.પી.સીની વિવિધ કલમો તળે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ હતી. પરંતુ તે લાંબા સમયથી આ ગુન્હામાં પોલિસ પકડથી દુર હતો ત્યારે આજે ભુજ એલ.સી.બીને બાતમી મળતા તેને મીરઝાપર નજીકથી પોલિસે ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ દાઉદ સનાને ભુજ એ ડીવીઝન વધુ તપાસ માટે મોકલી દેવાયો છે. આમ લાંબા સમયથી પોલિસને ચકમો આપી કાયદાથી બચતા શખ્સો પર એલ.સી.બીએ ધોંસ બોલાવતી કાર્યવાહી કરી છે તો સુત્ર તરફથી મળેલી માહિતી મુજબ પશ્ર્ચિમ કચ્છ એસ.પી અને બોર્ડર રેન્જ આઇ.જીની પણ આવા ફરાર શખ્સોને ઝડપવા માટે ખાસ સુચનાના આધારે પોલિસ એકશનમાં આવી છે.