Home Current ઘાસ માટે વલખાં મારતા કચ્છના મુંગા પશુઓની વેદના દાતાઓએ સાંભળી : આ...

ઘાસ માટે વલખાં મારતા કચ્છના મુંગા પશુઓની વેદના દાતાઓએ સાંભળી : આ કર્યું આયોજન

3235
SHARE
અછતગ્રસ્ત કચ્છ માં સરકારી ઘાસ ની અછત, પશુઓના ઘાસ માટેના વલખાં અને તે અંગે ઉઠેલી બૂમરાણ પછી હવે સરકારે પણ ત્રણ ના બદલે છ જિલ્લાઓમાં થી કચ્છમા ઘાસ મોકલવાનું શરૂ કર્યું છે. પણ, અછતગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ દયનીય છે એ હકીકત વસમી છે. આપણા વતનના મુંગા પશુઓના ઘાસ માટેના વલખાં અને પશુપાલકોની લાચારી નો અવાજ દાતાઓ સુધી પહોંચ્યો છે,અને પશુપાલકોને મદદ કરી ને ગૌમાતા ને બચાવવા ના પ્રયત્નો શરૂ કર્યા છે.

મુંગા અબોલ જીવોને બચાવવા છેક મધ્યપ્રદેશ થી આવી રહ્યો છે ચારો…

પર્યુષણપર્વ ના પ્રારંભ પૂર્વે જ દેશની જાણીતી બે જૈન સંસ્થાઓ દ્વારા કચ્છમા જીવદયા ના મહાઅભિયાન નો પ્રારંભ થયો છે. આ પહેલ મા નિમિત્ત બની છે જીવદયા સદકાર્યો થકી કચ્છભર મા જાણીતી બે સંસ્થાઓ ભચાઉ જીવદયા મંડળ અને ભુજ નું સુપાર્શ્વ જૈન સેવા મંડળ!! કેવી રીતે હાથ ધરાયુ છે પશુરક્ષા નું અભિયાન? ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા ભુજના સુપાર્શ્વ જૈન સેવા મંડળ અને કરુણાધામ પશુ હોસ્પિટલ ના કૌશલ મહેતા કહે છે કે, અમે કચ્છના અબોલ પશુઓને પડતી ઘાસચારાની મુશ્કેલી અને પશુપાલકોની લાચારી સંબંધે દેશભર મા જીવદયા માટે જાણીતી સંસ્થાઓ સુરત ના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને મુંબઈ ના વર્ધમાન સંસ્કારધામ ને પત્ર લખ્યો અને કચ્છના પશુઓની વહારે આવવા વિનંતી કરી. અમારી વિનંતી ને પગલે સુરત થી લહેરુભાઈ ચાવાળા અને મુંબઇ થી જે.પી. મહેતા કચ્છ આવ્યા અને અછતગ્રસ્ત અબડાસા, લખપત તેમ જ બન્ની ની રૂબરૂ મુલાકાત લીધી. ક્યાંક મૃત પશુઓ ના હાડપિંજર પણ જોયા અને મોટાભાગના ગામો મા ઘાસ માટે ભાંભરતી ગૌમાતાઓ અને તેમની ભૂખમરા જેવી હાલત જોઈને દાતા સંસ્થાઓના આગેવાનોના હૃદય દ્રવિત થઈ ગયા. તેમણે સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને વર્ધમાન સંસ્કારધામ, મુંબઇ તરફથી કરુણા ની સરવાણી વ્હેવડાવતા લખપત,અબડાસા અને બન્ની એમ ત્રણેય ના અંતરિયાળ ગામોના કુલ મળી ૧૦હજાર મુંગા જીવો નીરણકેન્દ્રો શરૂ કરવા ૩૦ લાખ ₹ ની માતબર રકમની ફાળવણી કરી દીધી. કચ્છના મુંગા પશુઓ ને બચાવવા આ સંસ્થાઓ દ્વારા કચ્છથી ૧૧૦૦ કિલોમીટર દૂર થી છેક મધ્યપ્રદેશ ના સાગર જિલ્લા માં થી ઘાસચારો આવી રહ્યો છે. અત્યાર સુધી દોઢ લાખ કિલો ચારો આવીને તે પશુઓ સુધી પહોંચી ગયો છે.

જાણો કેવી રીતે ચાલી રહ્યું છે,ગૌમાતાઓ ને બચાવવાનું અભિયાન..

સુપાર્શ્વ જૈન મંડળ અને કરુણાધામ ના કૌશલ મહેતા ન્યૂઝ4કચ્છને માહિતી આપતા કહે છે કે અત્યારે અમે નલિયા નજીક તેરા ગામ માં જૈન મહાજન ના સહયોગથી ઘાસ ડેપો બનાવ્યો છે. જેમા અબડાસા લખપતના અંતરિયાળ ગામો નાગીયા, સુજાપર, ખડક, હરિપુરા, વડસર, લૈયારી, તેરા, હીરાપર, છસરા, કાનાવારી માતા, જુલરાઈ, સાભરા, કેરવાંઢ એમ ૧૩ ગામોના ૭ હજાર તેમ જ હોડકો અને ખાવડાના ૩ હજાર એમ કુલ ૧૦ હજાર ગૌમાતાઓ પ્રત્યેક ને રોજ નો ૭ કિલો ચારો મળે એ રીતે વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા મા જ્યાં જ્યાં પાણી ના અવાળા છે ત્યાં ચારાનું નિરણ કરાય અને જ્યા અવાળા નથી ત્યાં નર્મદાની પાઇપ લાઇન ની બાજુમાં અવાળા બનાવી ને ચારનું નિરણ કરાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. બાકી ગામ ના વથાણ મા દરેક પશુઓ ને એકસાથે ચારા નુ નિરણ કરાય છે. આ નિરણ કેન્દ્રો દ્વારા પશુઓ ને રાહત થશે એવી આશા વ્યક્ત કરતા કૌશલ મહેતાએ જણાવ્યું હતું કે અત્યારને તબક્કે વરસાદ ન થાય ત્યાં સુધી આ નિરણ કેન્દ્રો ચલાવાશે. તે માટે બન્ને સંસ્થાઓ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને વર્ધમાન સંસ્કાર ધામે ૧ કરોડ ₹ ફાળવી દીધા છે. સ્થાનિકે કચ્છ મા ધર્મેન્દ્ર વોરા તેમ જ નખત્રાણા ના હરેશ ઠક્કર સહયોગી રહ્યા છે. જોકે, ભચાઉ જીવદયા મંડળ અને શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળે કચ્છમા વધુ ને વધુ દાતાઓ તેમ જ સામાજિક સેવા સંસ્થાઓ ને મુંગા પશુઓ ને બચાવવા આગળ આવવા દર્દભરી અપીલ કરી છે. તો, મેઘરાજા મહેરબાન થાય અને જલ્દી વરસાદ પડે તેવી પ્રાર્થના પણ કરી છે. કચ્છની ગૌમાતાઓ ને મોતના મુખ માં થી બચાવવાની આ ટહેલ દાતાઓ અને સંસ્થાઓ સુધી પહોંચાડવા મા આપણે સૌ પણ યથા યોગ્ય પ્રયાસ કરી જીવદયા ના પુણ્ય નું ભાથું બાંધીએ. (સંપર્ક-સુપાર્શ્વ જૈન સેવા મંડળ,ભુજ, કૌશલ મહેતા મોબાઇલ નંબર 9426215213)