Home Crime 19 વર્ષ બાદ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને મળશે વ્યાજ સહીત 45 લાખનું...

19 વર્ષ બાદ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને મળશે વ્યાજ સહીત 45 લાખનું વળતર

1763
SHARE
29/7/1999ના મમુઆરા થી કુકમા જઈ રહેલી મોટરસાયકલ સાથે ટ્રકના એક અકસ્માતના બનાવમાં લાંબા કાનૂની જંગ બાદ એક શ્રમજીવી પરિવારને વળતર પેટે હવે ૨૩ લાખ ૪૬ હજાર રૂપિયા મળશે. જોકે, આ રકમ લાંબા સમયની કાનૂની લડાઈ બાદ મળશે. એ માટે ભુજ કોર્ટ થી કરીને છેક અમદાવાદ હાઇકોર્ટ સુધી ન્યાય મેળવવા માટે ઝઝૂમવું પડ્યું હતું. અંતે ગુજરાત હાઇકોર્ટના આદેશને પગલે કેબલનો, શેરડીનો રસ તેમ જ અન્ય પરચુરણ ધંધો કરનારા અને ૧૯ વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા હરીશ શાંતિલાલ પરમારના પરિવારને આ રકમ મળશે. હાઇકોર્ટના બે જજ અકીલ કુરેશી અને બી.એન. કારીયાની બેન્ચ દ્વારા ટ્રક ચાલક, ટ્રક માલિક અને વીમા કંપનીને ૨૩ લાખ ૪૬ હજાર રૂપિયા મૃતક હરીશ શાંતિલાલ પરમારના પરિવારને ચૂકવવા આદેશ કરાયો છે. આથી અગાઉ મોટર એક્સીડંટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલે 34 વર્ષીય મૃતક હરીશ પરમાર આવકવેરો ભરતા ન હોઈ અને તેમની માસિક ૩ હજાર જ આવક હોઈ તેમને અકસ્માત મૃત્યુનું વળતર ૪ લાખ ૬૫ હજાર ૫૦૦ રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો. જેની સામે મૃતકના પરિવારના જાગૃતિબેન એચ.પરમાર તથા તેમના વારસદારો તરફથી આ કેસ લડતા કચ્છના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે અને હાઇકોર્ટ ના ધારાશાસ્ત્રી હેમલ એન. શાહે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગી હતી. હાઇકોર્ટે આવકવેરો નહીં ભરતા હોવાથી ઓછું વળતર ચૂકવવું જોઈએ તેવી દલીલ ગ્રાહ્ય રાખી નહોતી. સાથે સાથે મૃતકની ઉંમર અને દર વર્ષે આવકમાં થનારા વધારાની દલીલ ગ્રાહ્ય રખાયા બાદ હાઇકોર્ટના આદેશને પગલે હવે ભુજના એ અસરગ્રસ્ત પરિવારને છ ગણી વધુ રકમ,વ્યાજ અને દાવાનો ખર્ચ પણ મળશે. અરજદારોએ હાઇકોર્ટના આદેશને પગલે રૂપિયા ૨૩ લાખ ૪૬ હજાર અને તેના વ્યાજ સહિત કુલ રૂપિયા ૪૫ લાખ ૩૦ હજાર ૯૩૨ મેળવવા માટે ટ્રક ચાલક, ટ્રક માલિક અને વીમા કંપનીને નોટીસ બજાવી હોવાનું વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઇ સચદેએ જણાવ્યું હતું