રવિવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે ચાલુ ટ્રેને ગોળીબાર કરીને જેન્તીભાઈની હત્યા કરનારા બે શાર્પ શૂટર ને ઝડપી લીધા છે. રાજ્ય સરકારે સીટની રચના કરીને પોલીસ ટીમો સાથે હત્યારાઓના સઘડ શોધવા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. કચ્છ અમદાવાદ, મુંબઈ સુધી તપાસનો દોર લંબાવીને પોલીસે ૫૦ જેટલા લોકોની પૂછપરછ હાથ ધરી હતી.
કોણ છે હત્યારા?
મળતી માહિતી મુજબ પોલીસે જેન્તી ભાનુશાલીની હત્યા બદલ બે શાર્પ શૂટરો શેખર અને સુરજીત ભાઉની ધરપકડ કરી લીધી છે. જેન્તીભાઈ ની હત્યા કર્યા બાદ બન્ને શાર્પ શૂટરો શેખર અને સુરજીત ઉત્તરપ્રદેશ નાસી છૂટ્યા હતા. પોલીસે છેક ઉત્તરપ્રદેશ થી બન્ને શાર્પ શૂટરોને ઝડપી લીધા હતા. અત્યારે બન્નેની પૂછપરછ કરાઈ રહી છે. દરમ્યાન અત્યાર સુધી મનીષા ગોસ્વામી ભાગેડુ હોવાનું મનાતું હતું. પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનીષા ગોસ્વામી પોલીસના હાથમાં ઝડપાઇ ગઈ છે અને મનીષા એ પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. જેન્તીભાઈની હત્યામાં મનીષા ગોસ્વામીની ભૂમિકા મહત્વની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અત્યારે ઝડપાયેલા બન્ને શાર્પ શૂટરોને સાથે રાખી પોલીસ હત્યાના બનાવનું રિકન્સ્ટ્રક્શન કરશે. હત્યામાં હજી પણ વધુ લોકોની સંડોવણી ખુલી શકે છે. બે પૈકી એક હત્યારો સુરજીત ભાઉ જેન્તી ભાનુશાલીની નજીક હતો. મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ વચ્ચે પણ બે વર્ષથી સંબધો હોવાનું ચર્ચા માં છે. મનીષા ગોસ્વામી સાથે જેન્તી ભાઈના મૈત્રી સંબધો પણ ચર્ચામાં રહ્યા હતા. હત્યામાં સંડોવાયેલા હત્યારાઓ મનીષા ગોસ્વામીની સાથે પ્લેન માં ૩ જી જાન્યુઆરીએ મુંબઈ થી ભુજ આવ્યા હતા? આ સાથે ત્રીજા શખ્સ ની હજી પોલીસ ઓળખ કરી રહી છે. ભુજ આવેલા સુરજીત અને શેખર શાર્પ શૂટર હોવાનું અને તેમણે જેન્તી ભાનુશાલીની ચાલુ ટ્રેનમાં ગોળી ચલાવી હત્યા કરી હતી. આ હત્યા દરમ્યાન ટ્રેનમાં હત્યા ને અંજામ આપવા માં સુરજીત અને શેખર ઉપરાંત એક થી વધુ શખ્સો પણ હોવાનું પોલીસ માની રહી છે.
દરમ્યાન આ હત્યા કેસમાં જેમની સામે ગુનો નોંધાયો છે તે ભુજ ના પત્રકાર ઉમેશ પરમારે પોતાને આ કેસમાં ખોટા ફસાવાયા હોવાનું જણાવીને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવનાર સુનિલ ભાનુશાલી ની વિરુદ્ધ બદનક્ષી અને એસ્ટ્રોસિટીની ફરિયાદ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન માં નોંધાવી હોવાનું જાણવા મળે છે.