Home Crime કચ્છ બહાર વસતા જમીન માલિકો સાવધાન : કિંમતી જમીન પ્રકરણમાં ભુજના બિલ્ડર...

કચ્છ બહાર વસતા જમીન માલિકો સાવધાન : કિંમતી જમીન પ્રકરણમાં ભુજના બિલ્ડર અગ્રણીઓ સહિત મામલતદાર સામે ફરિયાદ

4126
SHARE

કચ્છ બહાર વસતા જમીન માલિકો સાવધાન ?

કચ્છમાં કેટલાક જમીન ધંધાર્થીઓની કાર્ય પધ્ધતિ શંકાના દાયરામાં : રાજકીય પીઠબળ કે તંત્રની મીલીભગત?

કચ્છના ઔધોગિક વિકાસ બાદ સતત વિકાસના પંથે દોડી રહેલા આ જિલ્લામાં જમીનોના ભાવો પણ તેજ ગતિએ વધ્યા છે અને વધી રહ્યા છે અને એટલેતો જમીનમાં રોકાણનો વ્યવસાય પણ અગ્રેસર રહ્યો છે આ વ્યવસાયમાં પડેલા કેટલાય લોકો ધાર્યા કરતા વધુ કમાયા છે અને કમાઈ રહ્યા છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે જમીનના વ્યવસાયમાં શોર્ટ-કટ અપનાવી શામ, દામ, દંડ જેવા અભિગમ સાથે જાણે કરોડો કમાઈ રહ્યા છે અમારો ઉદ્દેશ્ય માત્ર આવા લોકોના કરતબથી વાકેફ કરવાનો છે. જમીન ગેરરીતિના પૂર્વ કચ્છમાં અનેક બનાવો દફ્તરે ચડી ચુક્યા છે પણ હવે એક નવતર ઢબથી ભુજ જેવા વિસ્તારોમાં પણ જમીન પચાવવી અથવાતો કાયદાકીય ગૂંચમાં નાખી સેટિંગ કરવાની પધ્ધતિ સામે આવી રહી છે અમને મળેલી માહિતી મુજબ ભુજની કરોડોની કિંમતની એક જમીનમાં આવી ગેરરીતિ અપનાવી કાયદેસર બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ખાસ કરીને કચ્છ બહાર વસતા અન્ય જમીન માલિકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન બની રહેશે.

શું વિવાદ છે ભુજની એ કિંમતી જમીનનો ?

મૂળ કચ્છના અને હાલે વિદેશ વસતા ઉદ્યોગપતિએ સ્થાનિકે રહેતા તેના મિત્ર સાથે ભાગીદારીમાં ભુજના પોશ વિસ્તારમાં જમીન ખરીદી હતી ભાવ વધશે એ આશય સાથે કરેલા રોકાણ બાદ બહુજ લાંબા સમય પછી સ્થાનિક ભાગીદારનું અવસાન થયા બાદ મૃતક ભાગીદારના વારસદારે એ જમીન તેની એકલાની હોવાનો દાવો કરીને એમના ભાગીદાર ગણાતા એવા એ ઉદ્યોગપતિ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરતા આ આખાય કિસ્સાની વિગતો બહાર આવી છે જેમના પર ફરિયાદ થઈ હતી એવા વિદેશ વસતા ઉદ્યોપતિએ રાજ્યની વડી અદાલતમાં સ્ટે સાથે સામી કોર્ટ કાર્યવાહી કરી હતી આ સામાન્ય લાગતા કિસ્સામાં નવો મોડ ત્યારે આવ્યો જયારે એક નવી એન્ટ્રી થઈ અને અહીં શરૂ થયો શામ,દામ, દંડ અને રાજકીય કે તંત્ર સાથે મિલી ભગતનો ખેલ જમીન વ્યવસાયમાં ભુજ સહિત કચ્છમાં ટૂંકા ગાળામાં માહિર બનેલા આ ત્રીજા વ્યક્તિએ મૂળ માલિકને દબાવવાથી માંડીને લાગતા વળગતા લોકો મારફતે પ્રેશર બનાવવાનું શરૂ કર્યું અને સ્થાનિકે સંબન્ધિત તંત્રમાં વજન મૂકીને આ વિવાદિત જમીન પોતાની ઈચ્છા મુજબના નામે કરાવી લીધી અને ફરી શરૂ થયો એ કરોડોની જમીનમાં કમાઈ લેવાનો સિલસિલો પરંતુ સ્થાનિક સમજાવટ, સમાધાન જેવી પ્રક્રિયાને અંતે ભુજ એ.ડિવિઝન પોલિસ મથકે ફરિયાદ દાખલ થતા આ કિંમતી જમીનનું પ્રકરણ ખુલીને બહાર આવ્યું છે.

ભુજના કિંમતી જમીન પ્રકરણમાં અંતે ભુજના બિલ્ડર અગ્રણીઓ સહિત મામલતદાર સામે નોંધાઈ ફરિયાદ

મૂળ માનકુવાના અને હાલે મસ્ક્ત વસતા ધનસુખભાઇ લીંબાણીના પાવરદાર એવા માનકૂવામાં રહેતા અને ટીમ્બરના ધંધાર્થી અંબાલાલ દેવજી પદમાણીએ ભુજના વાસુદેવ રામદાસ ઠક્કર, નિશાંત વાસુદેવ ઠક્કર, વિનય વિનોદ રેલોન, દિનેશ જોબનપુત્રા, હર્ષદ સોનાઘેલા,કૃણાલ વિનયકુમાર રેલોન, દિપક પ્રવિણભાઈ ઠક્કર અને તત્કાલીન ભુજ મામલતદાર બી.એ.રોહિત, કુલ 8 વ્યક્તિઓ સામે આઈપીસી 465, 467, 468, 469, 471, 406, 420, 114 હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી અંબાલાલના પુત્ર મનીષ અને ધનસુખભાઈ લીંબાણી મિરજાપર ગામની સીમના સર્વે નંબર 30ના સંયુક્ત માલિક છે ધનસુખભાઈ મસ્કત રહે છે તેઓ વિદેશ વસતા હોવા છતાં વાસુદેવ ઠક્કરે 17-05-2003નાં રોજ તેમના નામે બોગસ પાવર ઑફ એટર્ની બનાવી હતી. આ પાવર ઑફ એટર્નીમાં ખોટી સહી કરી ભુજના હર્ષદ સોનાઘેલાને મામલતદાર કચેરીમાં ઓળખ આપનાર સાક્ષી તરીકે બોલાવ્યો હતો. અને દિનેશ જોબનપુત્રાએ ઓળખ આપનાર તરીકે સહી કરી હતી. બોગસ પાવરનામાના આધારે વાસુદેવના પુત્ર નિશાંત વાસુદેવ ઠક્કરે પોતાના નામે અધિકૃત જનરલ પાવર ઑફ એટર્ની મેળવી ભુજના વિનય વિનોદ રેલોનને જમીનનો પાવરદાર બનાવ્યો હતો ત્યારબાદ વિનય રેલોને નાયબ કલેક્ટરમાં વાંધા અરજી કરતાં નાયબ કલેક્ટરે દિવાની દાવા અને ફોજદારી કેસમાં જે નિર્ણય આવે તે પક્ષકારોને બંધનકર્તા હોવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં ભુજના તત્કાલિન મામલતદાર બી.એ.રોહિતે આ તકરારી કેસની અરજી સ્વિકારી વિનય રેલોન સાથે મળી ફરિયાદીની વાંધા અરજી નામંજૂર કરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર મામલતદારે વિનય રેલોનને લાભ અપાવવા 2009માં જમીનના કરાયેલા ખોટા દસ્તાવેજના આધારે સાત-બાર , 8-અ અને હક્કપત્રકમાં નોંધો પાડી આપી હતી. જેના આધારે વિનય રેલોને નિશાંત ઠક્કરના પાવરદાર તરીકે તેના પુત્ર કુણાલ વિનય રેલોન અને ગાંધીધામના દિપક પ્રવિણભાઈ ઠક્કરના નામના દસ્તાવેજ કરી આપ્યા હતા.આવી રીતે આ 8 વ્યક્તિઓએ ફરિયાદીના કબ્જા ભોગવટા-માલિકીની જમીનના ખોટા આધાર પુરાવા ઉભા કરી તેને સાચા દર્શાવી કચેરીઓમાં રજૂ કરી ગુનાહિત કૃત્ય કરી એકબીજાની મદદગારી કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે જોકે 2014થી ચાલી રહેલા આ વિવાદમાં ગુજરાત હાઈકૉર્ટે ફોજદારી ફરિયાદ નોંધવા હુકમ કર્યા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરતા આ પ્રકરણ ખુલીને બહાર આવ્યું છે અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ અને માલિકોમાં ચર્ચાસ્પદ પણ બન્યું છે.