દામ્પત્યજીવનમાં સામાન્ય બાબતોમાં ગૃહકલેશ અને બોલાચાલી થતી રહેતી હોય છે. પણ, વર્તમાન યુવા પેઢીમાં આજે સહનશીલતાનો દેખાતો અભાવ ખટરાગ સાથે મોતનું કારણ બની રહે એ હકીકત આઘાતજનક છે. મુન્દ્રામાં બનેલી ગૃહકલેશની સામાન્ય ઘટનામાં ૩૫ વર્ષીય યુવા પરિણીતાએ મોતની વાટ પકડી લીધી હતી. મુન્દ્રા બારોઇ રોડ ઉપર આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતી ૩૫ વર્ષીય યુવાન પરિણીતા સ્વાતિસિંઘ શિવબાલકસિંઘ બહાદુરસિંઘે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પતિ શિવબાલકસિંઘે જમવાનું બનાવવા અને દીકરાના અભ્યાસ માટે ધ્યાન રાખવા માટે પત્ની સ્વાતિસિંઘને ઠપકો આપ્યો હતો. આ બાબતે બંને પતિ પત્ની ની વચ્ચે સર્જાયેલા ખટરાગમાં પત્ની સ્વાતિસિંઘે ગળે ફાંસો ખાઈને મોતની સોડ તાણી લીધી હતી. આ અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પીએસઆઇ પી. કે. લીંબાચીયાએ વધુ તપાસ હાથ ધરી છે.