એક તરફ આંતકી હુમલા પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે તે વચ્ચે કચ્છના અબડાસા તાલુકાના એક ગામમાંથી પોલિસે હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી છે. પિતા-પુત્ર દ્વારા આ હથીયાર બનાવાતા હોવાની બાતમીના આધારે કોઠારા પોલિસે રાત્રે બોહા-રાયધણઝર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો જ્યા પિતા પુત્ર પાસેથી હથિયાર બનાવવાના અનેક સાધનો સહિત બંદુક બનાવવા માટે વપરાતો સામાન મળી આવ્યો હતો સાધનો અને મળી આવેલ મુદ્દામાલ પરથી સ્પષ્ટ અનુમાન છે કે લાંબા સમયથી પિતા-પુત્ર આ કારનામા કરતા હતા જેથી પોલિસે ઉંડી તપાસ આ મામલે શરૂ કરી છે.
આમતો આ અગાઉ પણ કચ્છના લખપતના પુનરાજપર,ભુજ તાલુકાના અન્ય ગામો સહિત રાપર વિસ્તારમાંથી આવા હથિયાર બનાવવાની મીની ફેક્ટરીઓ ઝડપાઇ ચુકી છે જેમા અત્યાર સુધી કોઇ કિસ્સામા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી કોઇ બાબત સામે આવી નથી પરંતુ હાલ જ્યારે રાજ્યની સાથે સમગ્ર દેશમાં એલર્ટની સ્થિતી છે તે વચ્ચે એજન્સીઓ તેને ગંભીરતાથી લઇ પિતા-પુત્રની ઉંડાણ પુર્વકની તપાસ કરી રહી છે કોઠારા પોલિસના ઇન્ચાર્જ પી.એસ.આઇ એમ.એસ ગઢવી સહિતનો પોલિસ સ્ટાફ રાત્રી પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ખાનગી રાહે પોલિસને આ માહિતી મળતા પોલિસે છાપેમારી કરી હતી જેમાં ખીરસરા વીંઝાણ ગામના નુરમામદ ઇસાક હિંગોરા તથા તેનો પુત્ર મનસુર નુરમામદ હિંગોરા હથિયાર બવાવતા હોવાની બાતમીના આધારે ત્યા દરોડો પાડ્યો હતો જેમાં થોકબંધ હથિયાર બનાવવાના સાધનો તથા હથિયાર માટે જરૂરી સામાન મળી આવ્યો હતો. પોલિસે હાલ આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે અન્યની યોગ્ય પુછપરછ બાદ કાર્યવાહી થશે જો કે પોલિસે એક બોલેરો કાર સહિત 3.52 લાખનો મુદ્દામાલ કબ્જે ક્યો છે
ખેતી અથવા અન્ય કારણોસર હથિયાર બનાવવાના અનેક કિસ્સા અગાઉ કચ્છમાં પ્રકાશમાં આવી ચુક્યા છે જો કે કચ્છમા એલર્ટ વચ્ચે ઝડપાયેલ હથિયાર બનાવવાની મીની ફેક્ટરીએ અનેક સવાલો ઉભા કર્યા છે જેના જવાબો શોધવા માટે અને તેના ઉપયોગ સહિતની વિગતો માટે કોઠારા પોલિસ સહિતની એજન્સીએ કવાયત હાથ ધરી છે.