કચ્છની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ અદાણી જીકે જનરલનો મુદ્દો આજે વિધાનસભામાં ગાજયો હતો. કચ્છના રાપરના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાએ વિધાનસભા ગૃહમાં છેલ્લા પાંચ વર્ષમાં કચ્છની જીકે અદાણી હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં સારવાર દરમ્યાન થયેલા બાળકોના મોતનો લેખિત પ્રશ્ન પૂછ્યો હતો. જેનો પ્રત્યુતર આપતા રાજ્યના આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી માં ૧૦૧૮ બાળકોના મોત નિપજ્યા છે. વર્ષ વાર અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા ૨૦૧૪-૧૫ મા ૧૮૮, ૨૦૧૫-૧૬ મા ૧૮૭, ૨૦૧૬-૧૭ મા ૨૦૮, ૨૦૧૭-૧૮ મા ૨૭૬ અને ચાલુ વર્ષે ૨૦૧૮-૧૯ મા અત્યાર સુધીમાં ૧૫૯ બાળ દર્દીઓના અલગ અલગ રોગોની સારવાર દરમ્યાન જુદા જુદા કારણોસર મોત નિપજ્યા હતા.
અદાણી મેડિકલ કોલેજમાં ૧૦ ટકા અનામતનો મુદે પ્રજાકીય પ્રતિનિધિઓ મૌન?
અદાણી ગ્રુપ દ્વારા હાઇકોર્ટમાં અપાયેલી ખાત્રી અનુસાર અદાણી મેડિકલ કોલેજમાં કચ્છના વિદ્યાર્થીઓ માટે ૧૦ ટકા બેઠકો અનામત રાખવાના નિર્ણયનો અમલ કરાવવાની માંગ સાથે આદમ ચાકીએ કચ્છના પ્રજાકીય પ્રતિનિધિઓને લડત ચલાવવા આહવાન કર્યું હતું. પણ, હજી સુધી આ મુદ્દે કચ્છના કોઈ પ્રજાકીય પ્રતિનિધિઓએ ગૃહમાં આ મુદ્દો ઉપાડ્યો નથી. કચ્છના એક નાગરિક તરીકે આદમ ચાકીએ કચ્છના ભાજપ ના ચાર ધારાસભ્યો અને કોંગ્રેસના બે ધારાસભ્યો, બન્ને રાજકીય પક્ષના પ્રમુખ અને સાંસદ ને પત્ર લખ્યો હતો.