એક બાજુ પોલીસ દ્વારા છબીલ પટેલને પકડવા માટે ભીંસ વધારાઈ રહી છે બીજી બાજુ એક શાતીર ગુનેગારની જેમ છબીલ પટેલ દ્વારા જેન્તી ભાનુશાલી હત્યા કેસના સાક્ષીઓને ફોડવાના કરાઈ રહેલા પ્રયત્નોએ ચકચાર સર્જી છે સાક્ષીને દુષપ્રેરિત કરવાનો આ આરોપ છબીલ પટેલ અને તેમના સગાઓ ઉપર ખુદ પોલીસે મુક્યો છે, એટલું જ નહીં પણ આ અંગે ગુનો નોંધીને એક ભુજના અને બે માંડવીના એમ ત્રણ સગાઓની અટકાયત પણ કરી છે, અને ભાગેડુ એવા છબીલ પટેલ જે અત્યારે વિદેશમાં છે, તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેન્તી ભાનુશાલી હત્યા કેસના આરોપમાંથી બચવા માટે છબીલ પટેલ દ્વારા થઈ રહેલા પ્રયાસોને પોલીસ ગંભીરતાપૂર્વક લઈ રહી છે.
મીડીયા કર્મીની પૂછપરછ બાદ ભુજ માંડવીના ૩ શખ્સોની અટકાયત
જેન્તી ભાનુશાલી હત્યા કેસની તપાસ કરી રહેલ સીટની ટીમે બે દિવસ પહેલા ગાંધીધામના એક મીડીયા કર્મીની છબીલ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક અંતર્ગત પૂછપરછ કરી હતી એ મીડીયા કર્મીની પૂછપરછ માં સીટની ટીમને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે, વિદેશમાં હોવા છતાંયે છબીલ પટેલ જેન્તી ભાનુશાલીની હત્યા કેસના સાક્ષીઓને ફોડવાના પ્રયત્નો કરી રહ્યા છે જેન્તી ભાનુશાલી હત્યા કેસના નજરે જોનાર સાક્ષી ગાંધીધામના પવન મોરેની સુરક્ષા માટે નજર રાખી રહેલ પોલીસને જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સો પવન મોરેના બંગલાની રેકી કરી રહ્યા છે એ હકીકતની જાણ થયા બાદ પૂર્વ કચ્છ એસઓજી પીઆઇ જે. પી. જાડેજા, ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એમ. એસ. રાણા એ વધુ તપાસ હાથ ધરીને રેકી કરી રહેલા શકમંદો ને ઝડપ્યા હતા.
પૂર્વ કચ્છ પોલીસનો ધડાકો, ખુદ એસઓજી પીઆઇ બન્યા ફરિયાદી
કચ્છ પોલીસે આ આખા બનાવને ગંભીરતા થી લીધો છે બોર્ડર રેન્જ આઈજી ડી. બી. વાઘેલા, પૂર્વ કચ્છ એસ. પી. પરીક્ષિતા રાઠોડ પણ આ સમગ્ર બનાવ ઉપર નજર રાખી રહ્યા હતા પૂર્વ કચ્છ પોલીસ વતી એસઓજી પી.આઈ. જે. પી. જાડેજાએ જાતે ફરિયાદી બની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૧૧૫/ ૧૨૦ બી હેઠળ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. આ ચાર આરોપીઓના નામ (૧) પિયુષ દેવજી વસાણી, ગામ: મોટી મઉ (માંડવી), (૨) રસિકભાઈ સવગણ પટેલ, હરિપર રોડ, ભુજ, (૩) કૉમેશ મગનલાલ પોકાર, ગામ- દેવપર (માંડવી) આ ત્રણ ની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે જયારે આરોપી (૪) માં ભાગેડુ છબીલ નારાણ પટેલ છે આથી અગાઉ છબીલના પુત્ર સિદ્ધાર્થ પટેલ (માકાણી) વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકી છે આમ, જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ભાગેડુ છબીલ પટેલ સામે ભીંસ વધારવા સરકાર તેમ જ પોલીસ મક્કમ રીતે કામ કરી રહી હોવાનું દેખાઈ રહ્યું છે જેન્તી ભાનુશાલી અને છબીલ પટેલની વચ્ચે લોહિયાળ બનેલી રાજકીય દુશ્મનાવટ બાદ બનેલી દરેક ઘટનાઓની પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે ગાંધીધામનો મીડીયાકર્મી અને છબીલ પટેલ વચ્ચેના સંપર્કસૂત્ર સહિત છબીલ પટેલ સાથે ફોન ઉપર કે સોશ્યલ મીડીયામાં કોન્ટેક્ટમાં રહેનાર દરેક ઉપર પોલીસની નજર છે હજીયે વધુ કડાકા ભડાકા થશે એવું સુત્રોનું કહેવું છે જોકે, આ સમગ્ર બાબતે પોલીસે જાહેર કરેલ સતાવાર પ્રેસનોટમાં ક્યાંયે ગાંધીધામના એ મીડીયા કર્મીનો ઉલ્લેખ નથી પણ, પોલીસ છબીલ સાથે સંપર્કો ધરાવનાર દરેક શકમંદ ઉપર નજર રાખી રહી છે.