અબડાસા તાલુકાના નાનકડા એવા વરાડીયા ગામમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાએ કોઠારા પંથક સહિત કચ્છભરમાં ચકચાર સર્જી છે ગઈકાલે મોડી સાંજે વરાડીયાના સીદીક હસણ ની અવાવરું વાડીએ થી ૧૭ વર્ષની રૂકસાના ઇબ્રાહીમ મંધરા અને ૩૫ વર્ષીય પરિણીત યુવાન ઇશાક આમદ મંધરાની લોહી નિંગળતી હાલતમાં લાશ મળી આવી હતી વાડીએ ઢોર બાંધવા ગયેલી રૂકસાનાને શોધવા નીકળેલા તેના ફોઈ સારુબેન વાડીની અવાવરું ઓરડીમાં એક સાથે બબ્બે લાશો જોઈને ડરી ગયા હતા તેમણે આ ઘટના વિશે પોતાના દીકરા સુલેમાન તેમજ ગ્રામજનોને જાણ કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી મૃતક રૂકસાના મૂળ અમરાપર વાંઢની રહેવાસી હતી પણ વર્ષો થી તે પોતાના ફોઈ સારુબેન સાથે વરાડીયા ગામે રહેતી હતી જયારે અન્ય મૃતક ઇશાક પરિણીત હતો અને તે સારુબેનનો પડોશી હતો જોકે, રૂકસાના અને ઇશાક બન્ને એક સાથે વાડીએ કેવી રીતે પહોંચ્યા તે બન્ને ને કોણે છરી વડે જીવલેણ ઘા મારી રહેંસી નાખ્યા એ હકીકતે રહસ્ય સર્જ્યું છે તો, જે નિર્મમપણે હત્યા કરાઈ છે એ જોતાં હત્યા નિપજાવનારે ઝનૂનપૂર્વક ઘટનાને અંજામ આપ્યો હોવાનું અને હત્યારા આરોપી એક છે કે એક થી વધુ છે તે અંગે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે જોકે, આ હત્યા બાબતે કોઈ ઉપર હજી સુધી શંકા વ્યક્ત કરાઈ નથી પણ, પોલીસે ગુનેગારના સગડ મેળવવા ફોરેન્સિક તપાસ ઉપરાંત કોલ ડિટેઇલ્સની તપાસ પણ શરૂ કરી છે મોબાઈલ કોલ ડિટેઇલ્સ દ્વારા આ કેસનો ભેદ ઉકેલવા તરફ પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.