કચ્છ સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા નાપાક શખ્સની થઈ રહેલી તપાસ
ન્યૂઝ4 કચ્છ.ગાંધીધામ: ભારત અને પાકિસ્તાન વચ્ચે પુલવામા હુમલા અને ત્યાર પછીના તંગ વાતાવરણ તથા ભારે એલર્ટ વચ્ચે કચ્છની બોર્ડરથી મંગળવારે મધરાતે એક પાકિસ્તાની ઝડપાયો છે ફેન્સિન્ગ વિનાની કચ્છની ઇન્ડો પાક બોર્ડરનાં પીલર નંબર 1050ને ક્રોસ કરીને આ નાપાક ઘુસણખૉર ભારતીય વિસ્તારમાં ઘૂસી આવતાં બીએસએફનાં જવાનોએ તેને પકડી પાડ્યો હતો.
કચ્છનાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના સેક્ટર હેડ ક્વાર્ટરનાં સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા મુજબ, રાતે બારેક વાગ્યાનાં અરસામાં બોર્ડર પીલર નંબર 1050નાં વિસ્તારમાં મુવમેન્ટ જોવા મળતા પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફનાં જવાનો હરકતમાં આવી ગયા હતાં અને તે દિશામાં વોચ દીધી હતી એક માણસ જેવો બોર્ડર ક્રોસ કરીને કચ્છના રણમાં ભારતીય સીમામાં પ્રવેશ કર્યો ને તરત જ તેને ચારેય બાજુથી ઘેરી લઇને ઝડપી લેવામાં આવ્યો હતો.
મધરાતે પાકિસ્તાની ઘુસણખોરને પકડીને બીએસએફની ચોકીમાં લાવવામાં આવ્યો હતો જ્યા હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ડ્રોન દ્વારા કચ્છ તેમજ રાજસ્થાનમાં જાસૂસીની નાપાક નિષ્ફળ કોશિશ કરવામાં આવી ચૂકી છે તેવામાં કચ્છની રણ સીમાએથી ઝડપાયેલા આ નાપાક શખ્સ કયા ઇરાદે ભારતમાં અડધી રાતે ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેની કચ્છ સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સીઓ તપાસ કરી રહી છે ઘુસણખૉરની પૂછપરછ ચાલી રહી હોવાને કારણે તેની વધુ વિગતો બહાર આવી નથી.