ગુનેગાર કરતા કાયદાના હાથ લાંબા છે, એ ઉક્તિ ફરી એકવાર સાચી પડી છે. ૭ જાન્યુઆરી ૨૦૧૯ના જેન્તી ભાનુશાલીની હત્યાએ ગુજરાત સહિત દેશના રાજકારણ માં સર્જેલ રાજકીય ખળભળાટ પછી પોલીસ ફરિયાદને પગલે મીડીયા તેમજ ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં છબીલ પટેલ શંકાના દાયરામાં આવી ગયા હતા સીટની પોલીસ ટીમ વતી હાથ ધરાયેલી તપાસમાં સીઆઇડી ક્રાઇમ વતી ડીજી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદમાં મુખ્ય સૂત્રધાર તરીકે છબીલ પટેલ તેમજ મનીષા ગોસ્વામી સહિતના આરોપીઓના નામો જાહેર કર્યા બાદ આ કેસની એક પછી એક કડીઓ ખુલતી ગઈ અને છબીલ પટેલ વોન્ટેડ જાહેર થયા બાદ વિદેશમાંથી તેની ધરપકડ થશે ? કે હાજર થશે ? એ ચર્ચા ચાલુ થઈ.
ભાજપના સર્વોચ્ચ નેતાઓની લાલ આંખ પછી પોલીસ તપાસની ભીંસ વધી અને છબીલ માટે સરન્ડર થવું મજબૂરી બની
આજે ૧૪મી માર્ચે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી સીઆઇડી ક્રાઇમે છબીલ પટેલની ધરપકડ કરી છે અમેરિકાથી આરબ અમીરાતની ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ ઉપર પરોઢિયે ૪/૩૦ વાગ્યે ઉતરેલા છબીલ પટેલની સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી રાઓલ અને પીઆઇ દવેએ અટકાયત કરી સીધા જ તેને સીટની ઓફિસે લઈ ગયા હતા દરમ્યાન રેલવે પોલીસના ડીઆઈજી ગૌતમ પરમાર પણ સવારે ૪/૩૦ વાગ્યે છબીલની પૂછપરછ માટે સીટની ઓફિસે પહોંચી ગયા હતા સીટની ટીમ દ્વારા છબીલની પૂછપરછ હાથ ધરાઈ છે હવે સૌની નજર છેલ્લા એક વર્ષથી સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી સેક્સ કલીપીંગ્સ તેમજ ઓડીયો કલીપીંગ્સના કડાકા ભડાકા ઉપર છે જોવું રહ્યું કે સત્ય શું બહાર આવે છે? છબીલ પટેલ ઉપર જેન્તી ભાનુશાલીના પરિવાર દ્વારા જે બ્લેકમેઇલના આક્ષેપો કરાયા છે? સેક્સ કલીપીંગ્સની સત્યતા સામે સવાલો ઉઠવાયા છે? તો ઓડિયો કલીપીંગ્સ દ્વારા જેન્તી ભાનુશાલીને ફસાવવા જાળ બિછાવાઈ છે? આવા અનેક સવાલોના રહસ્યો તેમજ એની સાથે સંકળાયેલા અન્ય ચહેરાઓના નકાબ ખુલી શકે તેમ છે જોકે, જેન્તી ભાનુશાલી વર્ષો થી ભાજપના વફાદાર કાર્યકર રહ્યા છે અને ભાજપના વરિષ્ઠ નેતાઓના સુખ દુઃખના સમયના પણ એક નિષ્ઠાવાન સાથી રહ્યા છે જેન્તી ભાનુશાલીની હત્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર માં તેમજ સંગઠનમા રહેલા ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ પોતાના એક સાથીદારને ગુમાવ્યાનો રંજ અનુભવ્યો હતો વાયબ્રન્ટ ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓની ઉપસ્થિતિ પછી જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં પોલીસની તપાસ તેજ બની હતી છબીલ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરી ને આવ્યા હતા અને તેઓ અબડાસા માં થી જેન્તી ભાનુશાલીની જગ્યાએ ચૂંટણી લડ્યા અને શક્તિસિંહ ગોહિલ સામે ચૂંટણી હાર્યા હતા. ત્યારબાદ તેમની અને જેન્તી ભાનુશાલી વચ્ચેનું રાજકીય યુદ્ધ શરૂ થયું જે ગત વિધાનસભાની ચૂંટણીમાં છબીલ પટેલની ફરીવાર થયેલી હાર બાદ આ રાજકીય યુદ્ધ વધુ જલદ બન્યું અને સોશ્યલ મીડિયાના વોરમાં પલટાયું આ લડાઈમાં સમાધાનને બદલે વધેલા સંઘર્ષમાં અંતે કચ્છના એક ઝુઝારુ, લડાયક નેતા જેન્તી ભાઈએ જીવ ગુમાવ્યો તેમજ ભાજપે પોતાનો પાયાનો કાર્યકર ગુમાવ્યો જે તે સમયે જો જિલ્લા ભાજપ સંગઠને સમજાવટ સાથે કામ લીધું હોત તો કચ્છના રાજકારણમાં બનેલી હત્યાની કલંકિત ઘટના ટાળી શકાઈ હોત છબીલ પટેલ સામાન્ય રીતે કચ્છમાં રાજકારણ કરતાંયે વધુ વ્યવસાયમાં વ્યસ્ત રહ્યા છે અને ફાર્મિંગ, માઇનિંગ, હોટેલ સહિત જમીનના વ્યવસાયમાં કરોડોનો કારોબાર ધરાવે છે જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં તેમની સંડોવણીના સમાચારે હાલ તુરત તો તેમની રાજકીય કારકિર્દી સામે પણ બ્રેક લગાવી દીધો છે કોંગ્રેસમાં કે ભાજપ માં પાવરફુલ નેતાઓ સાથે તેમની ઘનિષ્ટતા તેમજ સત્તામાં રહીને સતત આગળ વધવાની તેમની અતિ મહત્વકાંક્ષા ઉપર તેમનું રાજકીય વેર ભારે પડ્યું છે જોકે, મનીષા ગોસ્વામી ની ધરપકડ પણ હજી બાકી છે ત્યારે આગળ પોલીસ તપાસમાં પણ શું બહાર આવે છે તે જોવું રહ્યું. છબીલ પટેલ વિદેશમાં હતા ત્યારે તેમણે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી જોકે, તેની તારીખ કે સુનાવણી વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નથી.