કેન્દ્ર સરકાર દ્વારા લોક કલ્યાણ માટેની આરોગ્ય તેમજ શિક્ષણની અનેક યોજનાઓનો લાભ ભ્રષ્ટ કર્મચારીઓને લીધે લોકો સુધી પહોંચતો નથી આવો જ એક કિસ્સો પોલીસ દફતરે ચડ્યો છે, તેમાં બાળકોના શિક્ષણ માટેની અડધો કરોડ રૂપિયાથી પણ વધુ રકમની યોજનાઓનો લાભ શૈક્ષણિક કે સ્વૈચ્છિક સંસ્થાઓને આપવાને બદલે બે કર્મચારીઓ જ હજમ કરી ગયા આ અંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવનારા હિસાબી અધિકારી કલ્પેશ પરસોત્તમદાસ પટેલ અને જેન્ડર કોર્ડીંનેટર લીલાબેન અરવિંદ ભોઈએ તેમની ફરજ દરમ્યાન ૩/૪/૧૭ થી ૨૧/૨/૧૯ સુધીમાં ૫૪ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સંસ્થાને બદલે ચેક નાખ્યા પોતાના ખાતામાં
અત્યારે જામનગર મધ્યે સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવનારા કલ્પેશ પરસોત્તમદાસ પટેલે ભુજ મધ્યે પોતાની ફરજ દરમ્યાન ૫૧ લાખ ૩૨ હજાર ૪૫૦ રૂપિયા સંસ્થાઓના ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના પર્સનલ બેંક ખાતામાં જમા કરાવી દીધા હતા જોકે, આ તમામ વ્યવહાર બેંકના ચેક દ્વારા જ કરાયો હતો આ ઉપરાંત કલ્પેશે અન્ય મહિલા કર્મચારી લીલાબેન અરવિંદ ભોઈના બેંક ખાતામાં ૩ લાખ ૨૫ હજાર રૂપિયા જમા કરાવી દીધા હતા કેન્દ્ર સરકાર દ્વારા શૈક્ષણિક જાગૃતિ માટે આવેલ કુલ ફંડની રકમ ૯૬ લાખ ૩૨ હજાર ૬૬૮ રૂપિયા પૈકી માત્ર ૪૧ લાખ ૭૫ હજાર ૨૧૮ રૂપિયા વપરાયા હતા જ્યારે અડધાથી એ વધુ રકમ ૫૪ લાખ ૩૨ હજાર ૪૫૦ રૂપિયા ભ્રષ્ટાચાર દ્વારા સેરવી લેવાયા હતા હિસાબી કર્મચારી કલ્પેશ પરસોત્તમદાસ પટેલ દ્વારા પોતાના નામે ચેક લખીને તેમજ અન્ય કર્મચારીના નામે ચેક લખીને ઉચાપત કરાઈ હતી આરોપીએ અન્ય ત્રણ કર્મચારીઓના બેંક ખાતામાં પણ થોડી રકમ નાખી હતી તેમની સામે પણ તપાસ કરાશે મુખ્ય આરોપી કે જેણે એકલાએ ૫૧ લાખ રૂપિયાની ઉચાપત કરી છે, તે કલ્પેશ પરસોત્તમદાસ પટેલ મહેસાણાના કડી તાલુકાના કુંડાળ ગામનો છે જ્યારે અન્ય આરોપી લીલાબેન અરવિંદ ભોઈ મૂળ આણંદના અને હાલે વર્મા નગર પાનધ્રો માં રહે છે પોલીસે મુખ્ય આરોપી કલ્પેશ ઉપરાંત અન્ય ૪ સહિત કુલ ૫ કર્મચારીઓની સામે તપાસ શરૂ કરી છે.