પતિ અને સાસરિયાઓથી પરેશાન પત્નીઓને મારકૂટ, મહેણાં ટોણા અને આપઘાત કરવાના બનાવો વિશે આપણે સતત સમાચારોમાં વાંચતા રહીએ છીએ પણ, દામ્પત્યજીવનમાં આપસી સમજણના અભાવે બનતા આવા કિસ્સાઓ વચ્ચે ઘણીવાર પત્ની પીડિત પતિઓની વ્યથા મોટાભાગે બહાર આવતી નથી ભુજમાં ગત ૨૩/૯/૨૦૧૩ ના મુન્દ્રા રિલોકેશન સાઈટ પાસે આવેલા ઓધવ એવન્યુમાં રહેતા ૨૪ વર્ષીય યુવાન પતિએ પોતાની પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કરેલા આપઘાતના કેસમાં ભુજ કોર્ટે પત્ની તેમજ પત્નીના માતા પિતા એમ ત્રણ જણાને કસુરવાર માનીને ત્રણ વર્ષની કેદ સાથે ૭૫ હજાર રૂપિયા દંડ કરી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.
પત્ની પીડિત પતિઓ માટે સીમાચિહ્ન રૂપ કિસ્સો
ભુજના મુન્દ્રા રિલોકેશન સાઈટ ઉપર આવેલ ઓધવ એવન્યુ-૨ મા રહેતા ૨૪ વર્ષીય યુવાન પાર્થ રાજેન્દ્ર હાડવૈદે ગત તારીખ/૨૩/૯/૨૦૧૩ના રોજ પોતાના ઘેર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી ૨૪ વર્ષીય યુવાન પાર્થને ધકબુસટનો માર મારીને તેની પત્ની હીના તેમજ મૃતક પાર્થના સાસુ સસરા મહેશ કિશનરાય સાંભરે, કમળા ઉર્ફે ચંદા મહેશરાય સાંભરેએ મરવા માટે મજબૂર કરતા પાર્થે ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું આ અંગે મૃતક યુવાનના પરિવારજનોએ કરેલી ફરિયાદને પગલે ભુજ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી ચોથા અધિક સેશન્સ જજ એમ. એમ. પટેલે ૧૨ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૧૨ સાક્ષીઓને તપાસીને પાર્થના મોત બદલ તેની પત્ની હિના તેમજ પત્નીના અમદાવાદમાં રહેતા મા બાપ મહેશ સાંભરે તેમજ કમળાબેન ઉર્ફે ચંદાબેન સાંભરેને કસૂરવાર ગણીને ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની જેલની સજા અને ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જો ૫ હજાર રૂપિયા રોકડા ન ભરે તો વધુ ૨ મહિનાની સજા કરતો હુકમ કર્યો હતો જોકે, આ કેસમાં ત્રણેય આરોપીઓ હિના, તેમજ તેના માબાપ એ તમામને ૨૫/૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકારી દંડની રકમ ૭૫ હજાર રૂપિયા મૃતક પાર્થના માતાને ચૂકવવાનો આદેશ કર્યો હતો આ કેસ પત્ની પીડિત પતિઓ માટે સીમાચિહ્ન રૂપ છે કોર્ટમાં સરકાર પક્ષે આ કેસમાં અધિક જિલ્લા સરકારી વકીલ પી.વી. વાણિયાએ ધારદાર દલીલો કરી હતી.