ગઈકાલે રાપરના ગાગોદર ગામે દેશી વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેંચાણ કરતા બુટલેગર પરિવારની ૩ મહિલાઓ સહિત ૧૧ જણાએ પોલીસ ઉપર કરેલા સશસ્ત્ર હુમલાએ કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર સર્જી છે આ હુમલાના બનાવ દરમ્યાન પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા બુટલેગરો નાસી છૂટ્યા હતા પણ બુટેલેગરોના હુમલામાં એક પીએસઆઇ, બે કોન્સ્ટેબલોને ઈજાઓ થઈ હતી, તો પોલીસ જીપ ઉપર પણ ધારીયાનો ઘા કરાયો હતો પોલીસ પરના હુમલાની ગંભીરતા પારખીને પૂર્વ કચ્છના ડીએસપી પરીક્ષિતા રાઠોડ, ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલા, પૂર્વ કચ્છની એસઓજી, એલસીબી સહિતની પોલીસ ટીમેં ગાગોદર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
૩ મહિલા અને ૮ પુરુષો સહિત ૧૧ જણાનો બુટલેગર પરિવાર પોલીસ ઉપર લાકડી, ધારીયા સાથે તૂટી પડ્યો
કંડલાથી રાજસ્થાન અને દિલ્હીને જોડતા નેશનલ હાઇવે ઉપર આવતા રાપરના આડેસર પાસેના ગામો નજીક હાઇવે ઉપર જ ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂના વેંચાણની બદી ફૂલીફાલી છે આડેસર પોલીસે તેમને મળેલી માહિતીને પગલે ગાગોદર ગામ પાસે નવરંગ હોટેલ નજીક પરબત કોલી દ્વારા કરાતા દેશી વિદેશી દારૂના વેચાણ ઉપર દરોડો પાડ્યો હતો બે પંચો સાથે પોલીસે દેશી દારૂ ભરેલા ૨૦ જેટલા ડ્રમ ઉથલાવવાની કામગીરી હાથ ધરી વધુ તપાસ માટે પોલીસ બાજુમાં જ આવેલા તેના રહેણાંકના ડેલામાં તપાસ માટે પહોંચી એ સમયે જ પરબત મોતી કોળી સહિત તેના સાત ભાઈઓ, મા બાપ અને અન્ય બે મહિલાઓ સહિત કુલ ૧૧ જણાનો પરિવાર પોલીસ ઉપર તૂટી પડ્યો હતો આ અંગે આડેસર પીએસઆઇ વી. જી. લાંબારીયાએ લખાવેલી પોલીસ ફરિયાદ અનુસાર પોલીસ કોન્ટેબલ ભાણજીભાઈને દિનેશ મોતીએ પગે ધારીયાનો ઘા મારીને લાકડી વડે હુમલો કર્યો હતો, તેની સાથે પોલીસ કોન્ટેબલ મગનભાઈ ઉપર રાણીબેને લાકડી વડે હુમલો કર્યો હતો, રાણી બેન સાથે આશાબેને પણ બે કોન્સ્ટેબલો ભાણજીભાઈ અને મગનભાઈ ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો તે દરમ્યાન રમેશ મોતીએ પીએસઆઇ લાંબરીયાને માથા ઉપર મારવા લાકડી ઉગામતા તેમણે હાથ આડો દેતા પીએસઆઇ લાંબરીયાને હાથ ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી,વતે દરમ્યાન પરબત મોતીએ પીએસઆઇ લાંબરિયા ઉપર ધારીયાનો ઘા કરતા તેમણે ઘા ચૂકવતા પોલીસ જીપના બોનેટ ઉપર ધારીયાના ઘાથી બોનેટના પતરાંને નુકસાન થયું હતું આમ સમગ્ર પરિવારે એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પોલીસ ટીમ ઉપર હુમલો કરવાનું ષડ્યંત્ર કરીને ફરજમાં રુકાવટ કરી હતી આડેસર પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કુલ ૧૧ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેમાં (૧) પરબત મોતી કોલી (૨) દિનેશ મોતી (૩) કારા મોતી (૪) રમેશ મોતી (૫) પ્રભુ મોતી (૬) કમા મોતી (૭) શૈલેષ મોતી (૮) રાણીબેન પરબત કોલી (૯) આશાબેન (૧૦) મોતી દલા કોલી (૧૧) જેઠીબેન મોતી કોલીએ તમામ સામે ફરિયાદ દાખલ કરાઈ છે જે પૈકી બે આરોપીઓ મોતી દલા કોલી અને જેઠીબેન મોતીની ધરપકડ પોલીસે કરી છે જ્યારે ૨ મહિલાઓ,૭ પુરુષો સહિત ૯ આરોપીઓ ફરાર હોઈ પોલીસે તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે પૂર્વ કચ્છમાં ખનીજ માફિયાઓ,કોલ માફિયાઓ ઓવરલોડ વાહન ચાલકો અને બુટલેગરો દ્વારા અવારનવાર અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર હુમલાઓ થઈ ચૂક્યા છે.