Home Current CMએ કચ્છના કોંગ્રેસી MLAએ કરેલા સરકારના વખાણ અને ટકોર વિશે શું કહ્યું?...

CMએ કચ્છના કોંગ્રેસી MLAએ કરેલા સરકારના વખાણ અને ટકોર વિશે શું કહ્યું? – ખાતર કૌભાંડ, કડીના દલિત સમાજ સાથે બનેલા બનાવ વિશે કરી સ્પષ્ટતા

1206
SHARE
વર્તમાન અછત અને દુષ્કાળની પરિસ્થિતિ દરમ્યાન કચ્છમાં પીવાના પાણી તેમજ ઘાસચારાની બુમરાણ અંગે મીડિયામાં આવેલા અહેવાલોએ સરકારને દોડતી કરી દીધી છે પરિસ્થિતિની ગંભીરતા પારખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોનો એક દિવસનો પ્રવાસ કરીને પાણી તેમજ ઘાસચારાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી કોટેશ્વર મહાદેવના મંદિરે જળાભિષેક કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પવિત્ર નારાયણસરોવરની મુલાકાત લીધી હતી હિન્દુ સમાજના ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન નારાયણસરોવરને તેમણે નર્મદાના નીર વડે ભરવાની જાહેરાત કરી હતી લખપત અને અબડાસાના રાજકીય, સામાજિક આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક યોજીને તેમણે પીવાના પાણી તેમજ ઘાસચારાની પરિસ્થિતિ જાણી હતી કચ્છના દુષ્કાળ ગ્રસ્ત એવા ખાવડા બન્ની પંથકનો પ્રવાસ ખેડીને મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજકીય આગેવાનો સાથે પરામર્શ કરી વર્તમાન દુષ્કાળની પરિસ્થિતિને પાર પાડવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

કચ્છના કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા કરાયેલ વખાણ અને ટકોર સબંધે CM એ શું કહ્યું?

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કચ્છ પ્રવાસ સંદર્ભે મીડીયા સાથે કરેલી વાતચીતમાં સરકાર દ્વારા કરાયેલ અછત રાહતની કામગીરીની અત્યાર સુધીની આંકડાકીય માહિતી આપી હજી પણ કામગીરીમાં ક્યાંય અધૂરાશ જણાય તો સરકાર તમામ જરૂરી કામગીરી કરવા તત્પર હોવાની ખાત્રી આપી હતી આ વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા કરાયેલી રજુઆત સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિખાલસતા પૂર્વક જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરાતી કામગીરીનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે તેવી ટકોર કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહે કરી છે. જોકે, સાથે સાથે મુખ્યમંત્રી વિજયભાઈએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ દ્વારા સરકારની અછત કામગીરીના વખાણ કરાયા હોવાનું જણાવીને પોતાની સરકારની પીઠ થાબડી લીધી હતી

લિગ્નાઇટ ખાણ માટેની રજૂઆતનું શું થયું?, જાણો..

માતાના મઢની લિગ્નાઇટ ખાણ બંધ કરવાના સરકારના નિર્ણય સામે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વતી મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરવા સમય માંગ્યો હતો આજે મુખ્યમંત્રીની મુલાકાત સમયે શું થયું? ન્યૂઝ4કચ્છ સાથે આ બાબતે વાત કરતા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહે જણાવ્યું હતું કે, અમે આ મુદ્દે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ અને લેખિત રજુઆત કરી દીધી છે અને મુખ્યમંત્રીએ લિગ્નાઇટ ખાણ શરૂ કરવા હકારાત્મક અભિગમ દર્શાવવાની ખાત્રી આપી છે.

ખાતર કૌભાંડ અને કડીમાં દલિત વરરાજાના વરઘોડાના મુદ્દે બનેલા બનાવ સંદર્ભે સરકારે કરી સ્પષ્ટતા..

દુષ્કાળ અને અછતની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોના એક દિવસના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ખાતર કૌભાંડ અને કડીમાં દલિત વરરાજાના વરઘોડાના મુદ્દે થયેલા વિવાદ સંદર્ભે મીડીયા સાથે વાત કરી હતી. રાજ્યમાં ખેડૂત વર્ગ દ્વારા ખાતરની થેલીઓમાં ઓછા વજનની ફરિયાદ અને આ સંબધિત થયેલા કથિત ખાતર કૌભાંડ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું કે, સરકારે ઓછું વજન ધરાવતી ખાતરની તમામ થેલીઓ સિઝ કરવાનો હુકમ આપ્યો છે તે ઉપરાંત જીએનએફસી અને જીએફએફસી એ બન્ને કંપનીઓને ખાતરના તમામ જથ્થાનું પૂરતું વજન ચેક કર્યા બાદ જ બહાર વેચાણ માટે મુકવાની તાકીદ કરી છે કડીમાં દલિત સમાજના વરરાજા દ્વારા કાઢવામાં આવેલ વરઘોડા બાબતે ગામના સરપંચ અને અન્ય લોકો દ્વારા કરાયેલ વિરોધ અને વિવાદ સંદર્ભે સરકારે કસુરવારો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું.