કહેવાય છે કે, ગુનેગારો ગુનો છુપાવવાની ગમે તેટલી કોશિષ કરે પણ પોલીસ જો ધારે તો ગુનેગારોને સળીયા પાછળ ધકેલી શકે છે કચ્છના ગાંધીધામ,અંજાર સહિત રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત ૧૧ બેંક ATM તોડનાર મેવાત ગેંગ કચ્છ બોર્ડર રેન્જ આઈજી અને પૂર્વ કચ્છ પોલીસની સતર્કતાને કારણે ઝડપાઇ ગઈ છે છેલ્લા એક થી દોઢ વર્ષમાં અલગ અલગ શહેરોમાં ૧૧ ATM તોડીને લાખો રૂપિયાની ચોરી દ્વારા મેવાત ગેંગે ગુજરાતના બેંકિંગ સર્કલ અને લોકોમાં પણ ચર્ચા સાથે ચકચાર મચાવી દીધી હતી.
જાણો મેવાત ગેંગની દિલધડક મોડ્સ ઓપરેન્ડી અને પોલીસની સતર્કતા
છેલ્લા એક મહિનામાં ગાંધીધામ, અંજાર અને પાલનપુર માં ATM તોડવાના બનેલા બનાવોને પગલે બોર્ડર રેન્જ આઈજી ડી.બી. વાઘેલાએ ગંભીરતા સાથે તપાસ કરવાની પોલીસને તાકીદ કરી હતી દરમ્યાન ગાંધીધામ બી ડિવિઝનના પીઆઇ જે.પી. જાડેજાને તેમના આંતરરાજ્ય સોર્સ મારફત બાતમી મળી હતી કે, ATM ચોરીના બનાવોમાં હરિયાણાની મેવાત ગેંગ સંડોવાયેલી છે જે પૈકીનો એક મુખ્ય માસ્ટર માઇન્ડ રાજસ્થાનમાં રહે છે અને ગુજરાતમાં ATM ચોરીને આખરી અંજામ આપે છે જેને પગલે પૂર્વ કચ્છ ડીએસપી પરીક્ષિતા રાઠોડે અંજારના ડીવાયએસપી ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન નીચે એક ટીમને રાજસ્થાનના જોધપુર મોકલી હતી જોધપુરના ફ્લોદી તાલુકાના મલાર ગામ માંથી પોલીસે ATM ચોરીના માસ્ટર માઇન્ડ એવા હાસમદીન અલ્લાબચાયેખાન પઠાણને ઝડપી પાડ્યો હતો ૪૬ વર્ષીય હાસમદીનની પૂછપરછમાં પૂર્વ કચ્છ પોલીસે ગુજરાતના ૯ શહેરોના ૧૧ ATM ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા છેલ્લા એક દોઢ વર્ષથી હાસમદીનની મેવાત ગેંગે ભરૂચ, સુરત, વડોદરા, અમદાવાદ, ગોધરા, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, અંજાર માં અલગ અલગ બેંકોના ૧૧ ATM તોડ્યા હતા પોલીસ પૂછપરછમાં ATM ચોરીની મૉડસઓપરેન્ડી વિશે રસપ્રદ માહિતી બહાર આવી છે હાસમદીનની મેવાત ગેંગ મોબાઈલમાં ગુગલ મેપમાં GPS સિસ્ટમ દ્વારા હાઇવે રોડ ઉપર આવેલ ATM ને શોધીને તેમને ટારગેટ બનાવતી હતી જોકે, એકવાર GPS દ્વારા ATM ટારગેટ કર્યા પછી ચોરી સમયે ગેંગના બધાજ સભ્યો મોબાઈલ બંધ કરી દેતા હતા વળી, ચોરી કરવા માટે જે વાહન વાપરતા તે મહિન્દ્રા વ્હાઇટ યુટીલિટીને હરિયાણા પાસિંગની ટ્રક દ્વારા બનાવના સ્થળની આગળ સુધી લઈ જતા એટલે ક્યાંયે કોઈ ટોલગેટ કે અન્ય જગ્યાએ વાહનનો સુરાગ મળે નહીં ATM માં હાથમોજા પહેરીને ગેસ કટર દ્વારા કરન્સી ચેસ્ટના ભાગે કટિંગ કરીને ATMમાં રહેલી રકમ કાઢી લેતા ત્યારબાદ તેઓ યુતિલિટીમાં બેસીને ફરી જ્યાં ટ્રક રાખી હોય ત્યાં પહોંચીને ટ્રકમાં યુટીલિટી જીપ ચડાવી નાસી છૂટતા હતા જીપ અને ટ્રક બન્ને હરિયાણા પાસિંગની વાપરતા હતા પોલીસે હવે ગેંગના અન્ય સભ્યો તેમજ અન્ય ગુનાઓ વિશેની વધુ હાસમદીનની વધુ પૂછપરછ કરવા તેના રિમાન્ડ મેળવવા સહિતની કામગીરી હાથ ધરી છે.
મેવાત ગેંગ શા માટે કહેવાય છે? ATM ચોરી પછી બેંકોએ શું કલેકટરની સૂચનાઓ માની છે ખરી?
હરિયાણાના ૨૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો મેવાત છે જ્યાં દેશના વિવિધ રાજ્યોમાં આવેલા ATM તોડીને તેમાંથી ચોરી કરનારી ૫૦ થી ૬૦ જેટલી ગેંગો સક્રિય છે મેવાત ગેંગ તરીકે ઓળખાતા ATM ચોરીના આ બધા ગુનેગારો ખતરનાક છે તેઓ પોલીસ ઉપર પણ હુમલો કરતા અચકાતા નથી દરમ્યાન કચ્છમાં થયેલ ATM ચોરીના બનાવો પછી જિલ્લા કલેકટરે બહાર પાડેલી ગાઈડલાઈનને અનુસરવા આઈજી ડી.બી. વાઘેલાએ અને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે ૭૦ બેંક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને તેમને સુરક્ષા ગાર્ડ સહિતની અન્ય સાવધાની રાખવા સૂચનાઓ આપી હતી જોકે, કલેકટર કે પોલીસની સુચનાઓનું કચ્છની બેંકોએ કેટલું પાલન કર્યું એ તો રામ જાણે, પણ આજેય મોટા ભાગના ATM રામ ભરોસે જ છે.