Home Crime ખાવડા નજીક પિતા-પુત્ર ઉપર હુમલો કરી પિતાની હત્યા કરનારા ૪ આરોપીઓને જનમટીપની...

ખાવડા નજીક પિતા-પુત્ર ઉપર હુમલો કરી પિતાની હત્યા કરનારા ૪ આરોપીઓને જનમટીપની સજા, ૧ ને ત્રણ વર્ષની સખત કેદ

1175
SHARE
વર્ષ ૨૦૧૫ માં ખાવડાના દીનારા ગામ પાસે બનેલા હત્યાના બનાવમાં ૪ આરોપીઓને જનમટીપ અને ૧ આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ મૃતકના પરિવારજનોને ૧.૨૫ લાખનું વળતર, હુમલામાં ઇજા પામેલા ૩ શખ્સોને ૧૫ હજાર એમ કુલ મળીને ૧.૪૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપી ભુજ કોર્ટના ત્રીજા અધિક સેશન્સ જજ મમતાબેન પટેલે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ સમગ્ર બનાવ ગત તા/૭/૫/૨૦૧૫ ના બન્યો હતો. ભીલાલ શકુર સમા અને તેના પિતા શકુર અલીમામદ સમા બન્ને દીનારા ગામથી ખાવડા મોટરસાઇકલ ઉપર આવી રહ્યા હતા ત્યારે ૧૨ શખ્સોએ તેમના ઉપર તલવાર, ધારીયા, છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા સમયે તેમને બચાવવા અન્ય પરિચિતો વચ્ચે પડતાં હુમલા દરમ્યાન એક સદામ ઉર્ફે હુસેન અલાના સમાએ શકુર અને ભીલાલ બન્ને પિતા પુત્ર ઉપર બોલેરો જીપ ચડાવી દેતાં પિતા શકુરનું મોત નીપજ્યું હતું, જયારે તેમને બચાવવા આવેલાઓ પૈકી એક ઇજા પામ્યો હતો. હુમલાના આ બનાવમાં શકુર અલીમામદ સમાનુ મોત નિપજયું હતું જ્યારે તેમનો પુત્ર ભીલાલ ઉપરાંત તેમને બચાવવા આવેલાઓ પૈકી અન્ય પરિચિતો ઘવાયા હતા. આરોપીઓ વિરુદ્ધ ખાવડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા હેઠળ હત્યાનો ગુનો દાખલ થયો હતો. આરોપીઓ વિરુદ્ધ કલમો ૩૦૨, ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને ૧૨૦/બી, ૧૩૫ હેઠળ પોલીસ ફરીયાદ દાખલ થઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં ત્રીજા અધિક સેશન્સ જજ મમતાબેન પટેલે ૨૦ સાક્ષીઓ, ૪૭ જેટલા આધાર પુરાવાઓ ચકાસીને ૧૬૩ પાનાનો ચુકાદો આપીને ૪આરોપીઓ (૧) અઝીઝ ઇસ્માઇલ સમા, (૨) સદામ ઉર્ફે હુસેન અલાના સમા, (૩) વાહેદના ઇબ્રાહિમ સમા અને (૪) ઇબ્રાહિમ અલીમામદ સમાને જનમટીપની (આજીવન કેદ) ની સજા, જ્યારે એક આરોપી હારૂન મામદ સમાને ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ મૃતકના વારસદારો અને ૩  ઇજાગ્રસ્તોને કુલ મળીને ૧.૪૦ લાખનું વળતર ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો હતો. લોહિયાળ બનેલા આ ઝઘડાના મૂળમાં આરોપીઓ પૈકી અઝીઝ ઇસ્માઇલ સમા વિરુદ્ધ છેડતીની ફરિયાદ થઈ તેની પાછળ ક્યાંક શકુર અને તેના પુત્ર ભીલાલ શકુરનો હાથ હોવાની શંકા હતી, જેના ખાર રાખીને આ જીવલેણ હુમલો કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ધારદાર દલીલો કરી હતી. જ્યારે ફરિયાદી તરફે અન્ય વકીલો હેમસિંઘ ચૌધરી તેમજ કુલદીપ ચૌહાણ, કુલદીપ મહેતાએ દલીલો કરી હતી.