ભુજ પાલિકાના પૂર્વ નગરસેવક કીર્તિ ગોરનું આજે સોમવાર (૧૬/૯) ના ૬૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. સદ્દગત કીર્તિ કરસનજી જોશી ભાજપ સહિતના કચ્છના રાજકીય વર્તુળમાં કીર્તિ ગોર તરીકે જાણીતા હતા. નાની ઉંમરે રાજકારણમાં સક્રિય બનીને તેમણે ભાજપના ભુજ શહેર સંગઠન ઉપરાંત ભુજ નગરપાલિકામાં ઘણા વર્ષો સુધી નગરસેવક તરીકે, ભુજ એપીએમસીમાં ડાયરેકટર તરીકે પણ રહી ચૂક્યા હતા. તેઓ ભુજ પાલિકામાં વોટર સપ્લાય સમિતિના ચેરમેન ઉપરાંત અન્ય કમિટીઓમાં પણ રહી ચૂક્યા હતા. મોઢા ઉપર તડ અને ફડ કહી દેવામાં માનતા કીર્તિ ગોર ભુજ શહેરમાં ખૂબ જ સારી લોકચાહના ધરાવતા હતા. ભુજ રાજગોર સમાજના તેઓ કારોબારી સદસ્ય અને કચ્છ રાજગોર સમાજના તેઓ આગેવાન હતા. તેમના દુઃખદ નિધનથી તેમના રાજકીય અને સામાજિક મિત્ર વર્તુળમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ છે.