Home Current ટ્રાફિકના આકરા દંડ સામે લોકોમાં આક્રોશ – કચ્છમાં અમલ સમયે અનેક જગ્યાએ...

ટ્રાફિકના આકરા દંડ સામે લોકોમાં આક્રોશ – કચ્છમાં અમલ સમયે અનેક જગ્યાએ લોકમાં નારાજગી, ઘર્ષણ

2656
SHARE
કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલા ટ્રાફિકના કડક નવા નિયમોને પગલે ગુજરાત સરકારે રાહત સાથે તે નિયમોનો આજથી અમલ શરૂ કરાવ્યો છે. કચ્છમાં ભુજ, ગાંધીધામ સહિતના મુખ્ય તાલુકા મથકોએ આજે સવારે ૧૦ વાગ્યા પછી આરટીઓ અને ટ્રાફિક પોલીસ મેદાનમાં ઉતર્યા પછી ટુ વ્હીલર ચાલકો માટે ટ્રાફિકના નિયમોનું પાલન સમસ્યારૂપ બન્યું હતું. ખાસ કરીને, યુવતીઓ, વયસ્કો અને મહિલાઓ હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર લઈને નીકળતા ટ્રાફિક નિયમોના ભંગનો ભોગ બની હતી અને દંડ ભરવો પડ્યો હતો. જોકે, ઘણી જગ્યાએ ટ્રાફિક પોલીસ સાથે વાહનચાલકોની ચકમક થઈ હતી. સોશ્યલ મીડીયામાં વહેતા થયેલા ટ્રાફીકના અલગ અલગ નિયમો, ગુજરાતમાં હજી અમલી બનાવવા માટેની ચાલતી અવઢવની ચર્ચા જેવી પોસ્ટના કારણે વાહનચાલકોને એમ હતું કે, હજી થોડા દિવસ વાંધો નથી. પણ, આજથી જ કચ્છમાં ટ્રાફિકના નિયમોના પાલનનો અમલ શરૂ થઈ જતાં લોકોને રોકડ રકમના દંડનો આંચકો લાગ્યો હતો.

લોકોમાં ચર્ચા, હેં,..ઓવરલોડ ટ્રકો, તુફાન, છકડાઓ, ખાનગી લકઝરી બસો નિયમનો અમલ કરશે કે પછી ‘ભાવ’ વધશે? 

ટ્રાફિકના નવા નિયમો વાહનચાલકોના ફાયદા માટે છે, એ કબૂલ, પણ મૂળ વાત એ છે કે, લોકોને નિયમોનું પાલન કરવાનું પણ સરકારી તંત્ર અને અધિકારીઓને જાહેર રસ્તાઓની જાળવણી અને સુવિધા માટેના નિયમો કોઈ લાગુ ન પડે? ખાડા ટેકરા વાળા રસ્તાઓ, વહેતી ગટરો, ઊડતી ધુળો, રખડતાં ઢોરો એ બધાની મુશ્કેલી વેઠતા ટુ વ્હીલર ચાલકો માંડ માંડ બચીને હજી વાહન ચલાવતા હોય ત્યાં જ સિસોટી વાગે એટલે ટ્રાફિકના દંડનો ધ્રાસકો પડે. હવે, લોકોને થતો પ્રશ્ન એ જ છે કે, કરોડો રૂપિયા સરકાર દ્વારા ખર્ચાયા બાદ જાહેર માર્ગોની સુવિધા માટેની જવાબદારીમાં નિષફળ જનારાઓ ભલે ભ્રષ્ટાચારના માર્ગે પૈસા ભેગા કરે પણ, જો સામાન્ય નાગરિક થોડી પણ ભૂલ કરે એટલે આકરો દંડ!! લોકોને સરકારનું આ પગલું રાક્ષસી લાગી રહ્યું છે. કારણકે, ટ્રકોમાં ઓવરલોડ અટકશે?, કોન્ટ્રાકટ પરમીટના નામે દોડતી સરકારી એસટી બસોને આર્થિક નુકસાન પહોંચાડતી ખાનગી લકઝરી બસો એમ જ ચાલ્યા કરશે? પાસિંગ થયેલા પેસેન્જરોથી વધુ પેસેન્જરોને બેસાડતી તુફાન જીપો, છકડાઓ, રસ્તા ઉપર ઉડે એવી રીતે રેતી, કાંકરી, સિમેન્ટનું પરિવહન કરતા ટ્રેક્ટરો, કોલસો ભરેલી ટ્રકો ખુલી રીતે જ દોડશે? સરકારના આદેશનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. પણ, નિયમોનું પાલન બધા જ પ્રકારના વાહનો માટે હોવું જોઈએ. અહીં તો, સૌથી વધુ ટાર્ગેટ ટુ વ્હીલર ચાલકો બને છે. કચ્છના ભુજ, ગાંધીધામ તેમજ અન્ય તાલુકા મથકોના શહેરો પણ નાના છે, સીટી ની અંદર અંતર ટૂંકા છે, ત્યારે હેલ્મેટ વાહનચાલકો માટે એક વધારાનો બોજ બને છે. સીટીની અંદર છૂટછાટ મળે અને સીટી એરિયાની હદની બહાર હેલ્મેટ ફરજીયાત હોય એવો મધ્યમ રસ્તો લોકો ઝંખી રહ્યા છે. બાકી મોટા વાહનોને બધી જ છૂટ મળે, ટ્રાફીકના નવા નિયમોને કારણે ‘ભાવ નું બાંધણું’ વધી જાય અને સામાન્ય નાગરિકો નિયમોનો અમલ કરાવવા માટે દંડનીય કાર્યવાહીનો ભોગ બને તે વાત લોકને અયોગ્ય લાગે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વહીવટ કરતાં શાસકોએ પણ આમ નાગરિકની પીડા, આક્રોશ સમજવો પડશે.