ભુજમાં બે દિવસ થયા શરૂ થયેલી દબાણ ઝુંબેશ સામે કોંગ્રેસના પ્રદેશમંત્રી રવિન્દ્ર ત્રવાડીએ કલેકટર અને મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમ્યાન દબાણના નામે નાના ધંધાર્થી વેપારીઓ પરેશાન થયા છે. એક બાજુ આમેય વ્યાપારીઓ મંદીનો માર વેઠી રહ્યાં છે, બીજી બાજુ રસ્તાઓ ઉપર ગટરના વહેતા પાણી અને રખડતાં ઢોરોના ત્રાસથી વેપારીઓ પરેશાન છે. આ બધા વચ્ચે દબાણના નામે વેપારીઓ ઉપર વિંઝાયેલો તંત્રનો હથોડો પડ્યા ઉપર પાટુ સમાન છે. એટલે તંત્ર તાત્કાલિક આ ઝુંબેશને અટકાવી દે, અને નાના વેપારીઓને રાહત આપે.
ભુજમાં દબાણ કરનારા ‘મોટા માથા’ઓ સામે તંત્ર કરે કામગીરી…
કોંગ્રેસના પ્રદેશમંત્રી રવિન્દ્ર ત્રવાડીએ ભાજપની સરકારમાં નાના વેપારીઓના અવાજને દબાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે તંત્રએ જો કાર્યવાહી કરવી હોય તો, ભૂકંપ પછી ભુજમાં વાહનપાર્કિંગ માટે અને સલામતી માટે રખાયેલા ઓપન ખુલ્લા પાર્કિંગ પ્લોટના દબાણ દૂર કરવા જોઈએ. આ ઉપરાંત પાણીના વહેણ ઉપર અને નાળા ઉપર કરેલા બાંધકામ, બિલ્ડીંગો દૂર કરવી જોઈએ. ભુજમાં ભૂકંપ પછી પહોળા રસ્તાઓ અને ખુલ્લા રખાયેલા સાર્વજનિક પ્લોટ લોકોની સલામતીને ધ્યાને લઈને કરાયા હતા. પણ, રાજકીય આગેવાનોએ ખુલ્લેઆમ દબાણો કરી લીધા છે. મુખ્યમંત્રી તેમજ કલેકટરે પ્રજાના હિતને ભયમાં મૂકીને મોટા માથાઓ દ્વારા કરાયેલા દબાણોને પ્રજાના હિતમાં દૂર કરવા જોઈએ.