ભુજમાં ચારે તરફ વધતાં જતાં દબાણોએ લોકોને, વાહનચાલકો અને રહેવાસીઓને પણ હેરાનપરેશાન કરી મુક્યા છે. તે વચ્ચે ત્રણ દિવસ પહેલા ભુજ નગરપાલિકાએ ભુજના છઠ્ઠીબારીથી વાણિયાવાડ સુધીના વિસ્તારમાં દબાણો હટાવવા માટે નોટિસ આપી દીધી હતી. તે ઉપરાંત આ વિસ્તારમાં સતત રીક્ષા દ્વારા પણ દબાણ હટાવવા માટે સૂચનાઓ અપાઈ હતી. જેને પગલે આજે સવારે ૧૧ વાગ્યાથી દબાણ હટાવવા માટેનું મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. ભુજમાં દબાણ હટાવવા માટે નવા કલેકટર નાગરાજને જાતે જ રસ લઈને અધિકારીઓની સયુંકત બેઠક બોલાવી સૂચનાઓ આપી હતી. જેને પગલે ભુજમાં આજે દબાણ હટાવવા સમયે ડેપ્યુટી કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસતંત્ર એમ દરેકે સાથે રહીને સંકલન સાધી કામગીરી આરંભી હતી. તંત્રના કડક વલણના પગલે રેંકડી અને કેબીનો રાખીને દબાણ કરનારાઓ ફટાફટ સાથે દોડતા થયા હતા.
છોકરીઓ માટે રાહતનો શ્વાસ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલ, સહયોગ હોલ આડે પ્રથમવાર કેબીનો હટતાં ત્યાં અડ્ડો જમાવનારા તત્વો ગુમ થયા..
સરકાર અને વહીવટીતંત્રની સારી કામગીરીની લોકો પ્રશંસા પણ કરે છે. દબાણ હટાવ કામગીરી દરમ્યાન ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની આજુબાજુ દબાણ કરનાર કેબીનો દૂર થઈ હતી. વર્ષોથી આ કન્યાશાળાને દબાણે ઘેરો ઘાલ્યો હતો, જેને પગલે અહીં આવારા તત્વોનો જમાવડો રહેતો હતો. ૧૦૦૦ થી વધુ દીકરીઓ માટે આ કેબીનોનું દબાણ અને અડ્ડો જમાવનારા તત્વો માથાનો દુઃખાવો બન્યા હતા. અહીં આવારા તત્વો સામે અવારનવાર ફરિયાદો પણ થતી રહેતી હતી. આજે વહીવટીતંત્ર દ્વારા દબાણો હટાવાતાં આ દીકરીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તો, લોકોએ પણ કલેકટરના પગલાંને સમર્થન આપીને હવે સ્કૂલની આજુબાજુ દબાણ ન થાય તે જોવા સૂચન કર્યું છે.
દુકાનદારોનું દબાણ હટયું… ‘મહારાજા’ ઉપર હથોડો..
દબાણ હટાવ કામગીરી દરમ્યાન ભુજ નગરપાલિકાના શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા પણ બહાર રસ્તા ઉપર છજા કાઢવામાં આવ્યા હોઈ આ દબાણો પણ ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે, આજે દુકાનદારોએ સામેથી પોતાના દબાણો દૂર કર્યા હતા. તો, તંત્રએ પણ જેસીબી દ્વારા પતરાંના છજાઓ દૂર કર્યા હતા. જોકે, ચર્ચા રાજકીય દબાણોની પણ હતી. કોંગ્રેસના મહિલા આગેવાન માનસી શાહે તંત્ર દ્વારા અપાયેલી નોટિસ સમયે પણ ભુજ પાલિકાના ભાજપના શાસકો દ્વારા કરાયેલા દબાણો હટાવવા તંત્રને ટકોર કરી હતી. એટલે આજે રાજકીય દબાણો પણ ચર્ચાનો વિષય બન્યા હતા. ભાજપના નગરસેવક અને યુવા ભાજપના પ્રમુખ રાહુલ ગોર દ્વારા અહીં બાંધકામ કરાયેલ મહારાજા ડાઈનિંગ હોલ આ વિસ્તારમાં મંજૂરી ના મુદ્દે લાંબા સમયથી વિવાદમાં રહ્યો છે. તંત્ર મહારાજા સામે ઘૂંટણિયે પડી ગયું એવી પણ ચર્ચા અવારનવાર થતી જોવા મળી હતી. જોકે, આજે મહારાજા ડાઈનિંગ હોલનું છાપરાનું દબાણ દૂર થયું હતું. આમ, ભાજપના મહારાજા આજે તંત્રની ઝપટે ચડ્યા હતા.
ભુજના રેલવે સ્ટેશન રોડ અને ભુજીયાના બાયપાસ રોડની આજુબાજુ ફૂટપાથ ઉપર દબાણ…, મામલતદાર ઓફિસ પણ દબાણના ‘ઘેરા’મા
ભુજમાં નવા રસ્તાઓ બન્યા પછી રાહદારીઓ માટે ફૂટપાથ બનાવાઈ. પણ, મોટાભાગની ફૂટપાથ હવે ગાયબ થઈ ગઈ છે. ભીડ નાકાથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તે ફૂટપાથ ઉપર દબાણો થઈ ગયા છે. તો, એવીજ હાલત આરટીઓ રિલોકેશનની આજુબાજુ તેમ જ જથ્થાબંધ બજાર તરફ જતાં બાયપાસ રોડ ઉપર છે. અહીં પણ ફૂટપાથ દબાણો થઈ ગયા છે. આ ઉપરાંત જૂની મામલતદાર ઓફિસ અને અત્યારે સીટી મામલતદાર ઓફિસ પણ દબાણના ઘેરામાં છે. ભુજના જિલ્લા ઉદ્યોગથી મુન્દ્રા રોડને જોડતાં બાયપાસ રોડ ઉપર પણ લોટસ કોલોની અને જિલ્લા પંચાયતના ક્વાર્ટર સુધી ફૂટપાથ ઉપર દબાણ થઈ રહ્યા છે. ફૂટપાથ જાણે ઘરનું આગણું કે ઓસરી બની ગઈ હોય તેવો તાલ છે. જોકે, ભુજ નગરપાલિકા, ભાડા કે મામલતદાર ઓફિસ જે કોઇ કચેરી હોય તે કચેરીઓએ દબાણ થાય તે સમયે જ એલર્ટ થઈને દબાણકારને નોટિસ આપવી જોઈએ. પણ, દબાણ કાયદેસર જેવું લાગે એટલું જૂનું થાય ત્યાં સુધી તંત્ર ન જાગે એ સરકારની અને આપણી લોકશાહીની કમનસીબી છે. જૂનું દબાણ દૂર કરવું ઘણીવાર તંત્રને પણ ભારે પડે છે, આવા સંજોગોમાં ભુજમાં જૂની વોર્ડ ઓફિસ પ્રથા શરૂ કરવી જોઈએ અને ક્યાંય દબાણ થતું હોય તો ઝડપભેર કાર્યવાહી કરવી જોઈએ.