Home Current ભુજમાં કોમર્શિયલ નવરાત્રિમાં આલ્કોહોલ ટેસ્ટ કરવા માંગ – જોવા અને રમવાના તગડા...

ભુજમાં કોમર્શિયલ નવરાત્રિમાં આલ્કોહોલ ટેસ્ટ કરવા માંગ – જોવા અને રમવાના તગડા રૂપિયા ખંખેરતા આયોજકો પાસેથી મનોરંજન કર વસુલો

3595
SHARE
ભુજમાં નવરાત્રિ સમયે ફરી એકવાર કોમર્શિયલ ગરબી ચર્ચામાં છે. સરકાર અને લોકોની આંખોમાં ધૂળ નાખનારાઓ સામે લડત ચલાવનાર આરટીઆઇ એક્ટીવીસ્ટ એચ.એસ. આહિરે ભુજમાં કોમર્શિયલ નવરાત્રિના આયોજકો સામે સવાલો ઉઠવ્યા છે. તેમણે ભુજમાં કોમર્શિયલ નવરાત્રિ દરમ્યાન આલ્કોહોલ પીને આવનારાઓને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ તંત્રને પત્ર લખ્યો છે. નવરાત્રિ દરમ્યાન એન્ટ્રી ગેટ પાસે બ્રેથ એનેલાઈઝર દ્વારા આલ્કોહોલ ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા ગોઠવવી જરૂરી હોવાનું કહેતા એચ.એસ આહિરે જણાવ્યું હતું કે, આલ્કોહોલનુ સેવન કરનારાઓના કારણે ગરબીઓમાં મહિલાઓની સલામતી જોખમાય છે અને મારામારીના બનાવો વધે છે. આરટીઆઈ એક્ટીવીસ્ટ એચ.એસ. આહિરે બીજો મુદ્દો મનોરંજન કરનો ઉઠાવ્યો છે. કોમર્શિયલ ગરબીઓમાં જોવા આવનારાઓ પાસે એન્ટ્રી પાસના રૂપિયા લેવાય છે, તો રમનારાઓ પાસે પણ રમવા માટે મોટી રકમ પડાવી લેવાય છે. આ બન્નેની પહોંચ અપાતી નથી પણ કોમર્શિયલ ટિકિટ જ અપાય છે. આમ, આવી ટિકિટ ઉપર રાજ્ય સરકાર દ્વારા મનોરંજન કર લેવામાં આવે છે. પણ, ભુજમાં નવરાત્રિના કોમર્શિયલ આયોજકોએ અત્યાર સુધી કેટલો મનોરંજન કર ભર્યો એની વિગતો મેળવ્યા બાદ જ આવી ગરબીને મંજૂરી આપવી જોઈએ. જોકે, હવે જ્યારે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે લોકોમાં પણ આવી ગરબીઓ વિશે સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા છે. ભૂતકાળમાં તો આયોજકો પણ આલ્કોહોલ પીને રમતાં હોવાનું ચર્ચાઈ ચૂક્યું છે. તંત્ર સામે સૌથી મોટો પડકાર જાહેરનામાના અમલનો છે, રાત્રે ૧૨ વાગ્યે ગરબીના સાઉન્ડ બંધ કરી દેવાની સૂચના માત્ર કાગળ ઉપર જ ન રહી જાય.