સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ કુલ ૧૯ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક સહિત
વિવિધ વિદ્યાશાખાના કુલ ૫૪૧૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ
રાજયના મહામહિમ રાજયપાલ તથા કચ્છ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આયાર્ય દેવવ્રતજી તથા રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતમાં શ્રી મુકતજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ બી.સી.એ. કોલેજ ભૂજ ખાતે કચ્છ યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ સંપન્ન કરાયો. જેમાં વિવિધ વિદ્યાશાખાના સર્વોચ્ચ ક્રમાંક મેળવનાર સ્નાતક અને અનુસ્નાતક કુલ ૧૯ વિદ્યાર્થીઓને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સુવર્ણચંદ્રક એનાયત કરી બહુમાન કરાયું હતું.
ચારિત્ર્યવાન સમાજના નિમાર્ણ માટે આધુનિક શિક્ષણ સાથે પ્રાચિન સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને સંવર્ધન પણ જરૂરી છે તેમ ભારપૂર્વક જણાવતાં રાજયપાલશ્રી દેવવ્રતજીએ પદવી પ્રાપ્ત કરનાર યુવાનોને માત્ર રોજગાર માટે ડ્રિગ્રીને ન મુલવતાં દેશ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજોને ધ્યાને લઇ જ્ઞાનનો સદઉપયોગ સમાજ અને રાષ્ટ્રના આધુનિક નિર્માણમાં કરવા અનુરોધ કર્યો હતો. પ્રાચિન ભારતીય સંસ્કૃતિના સત્ય, શિસ્ત, યુવાઓની સમાજ માટેની ફરજો તથા શિક્ષિત અને દિક્ષીત બનાવનાર ગુરૂ, માતા-પિતા પ્રત્યેના આદરભાવ અને જવાબદારીઓ નિભાવવા જેવા મૂલ્યોને જીવનમાં ઉતારવા જણાવ્યું હતું. તેઓએ કાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મતિથીને કાર્યક્રમ માટે પસંદ કરવા બદલ યુનિવર્સીટીના અધિકારીઓ પ્રત્યે આભાર પ્રગટ કરતા શ્યામજીકૃષ્ણ વર્માની વિદેશમાં રહીને પણ આઝાદીની લડતમાં સક્રીય સહાયોગને બિદાવ્યો હતો. તેઓએ આ તકે ઉમેર્યુ હતું કે ગુજરાતની પુણ્યભૂમીએ સમયાંતરે ગાંધીજી, દયાનંદ સરસ્વતી, સરદાર પટેલ સહિત હાલના વડાપ્રધાન જેવા સબળ નેતૃત્વવાળા નેતાઓ આપ્યા છે.
કુલ ૧૯ સુવર્ણપદકો પૈકી ૧૭ સુવર્ણપદકો વિદ્યાર્થીનીઓએ મેળવવાની બાબતે રાજયપાલશ્રી દેવવ્રતજીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કન્યાકેળવણી પ્રત્યેની પ્રોત્સાહક નિતિને દિર્ધદ્રષ્ટ્રીયુકત ગણાવી બીરદાવી હતી. તેઓએ ભારત જયારે વિશ્વગુરૂ બનવા જઇ રહયું છે ત્યારે યુવા વર્ગને શિક્ષણ પ્રત્યે આધુનિક વૈશ્વીક હરીફાઇમાં તકો જાળવવા સખત પરિશ્રમ કરવા અને ગંભીર બનવા પ્રેરણા આપી હતી. આ તકે તેઓએ સૌ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવીની શુભકામના પાઠવી હતી.
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે રાજય અને કેન્દ્ર સરકારની વૈશ્વીક હરીફાઇ યુકત સમયને ધ્યાને લઇને તૈયાર કરાયેલ આધુનિક શિક્ષણ નિતીને વર્ણવતા જણાવ્યું હતું કે રાજયમાં આગાઉ માત્ર ૧૧ યુનિર્વસિટી હતી તેની સાપેક્ષમાં હાલ ૭૨ યુનિવર્સિટીઓ આધુનિક ટેકનોલોજીથી સજ્જ શિક્ષણ પ્રણાલી અને અનેક વિદ્યાશાખાઓથી સમૃધ્ધ છે. આજનો શિક્ષિત યુવાનની સંશોધન અને કંઇક નવું કરવાની ભાવનાને પ્રેરકબળ આપવા રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટ અપ, સ્ટેન્ડઅપ, મેઇકઇન ઇન્ડીયા, ડીઝીટલ ઇન્ડીયા જેવી યોજનાઓ અમલી બનાવી છે. મંત્રીશ્રી ચુડાસમાએ સરકાર દ્વારા પ્રાપ્ત ઉચ્ચ શિક્ષણની તકોનો લાભ મેળવી સુશિક્ષિત યુવા પેઢી આધુનિક નવા ભારતના નિર્માણમાં સહભાગી બનવા અને આવનારી પેઢીને સ્વચ્છ ભારતની ભેંટ આપવા અનુરોધ કર્યો હતો.
નવમા પદવીદાન સમારંભમાં આર્ટસ, કોમર્સ, મેનેજમેન્ટ, તબીબી, ફાર્મસી, કાયદા સહિતની વિવિધ વિદ્યાશાખાના સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ અને પી.એચ.ડી. મળી કુલ ૫૪૧૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી.
કાર્યક્રમ પુર્વે મહામહિમશ્રી દેવવ્રતજીને કચ્છ યુર્નિવસિટી ખાતે એન.સી.સીના કેડેટો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
કાર્યક્રમના પ્રારંભે મહામહિમશ્રી દેવવ્રતજી, શિક્ષણમંત્રીશ્રી ચુડાસમા સહિત ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ, ઉષ્માવસ્ત્ર અને સ્મૃતિચિન્હ અર્પણ કરી યુનિર્વસીટીના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. કચ્છ યુનિર્વસિટીના કાર્યકારી કુલપતિ ડો. દર્શનાબેન ધોળકીયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કરતા વર્ષ ૨૦૦૩થી કચ્છ યુનિવર્સીટીની કાર્યસિધ્ધી અને ભાવી સંકલ્પોથી ઉપસ્થિત સૌને અવગત કર્યા હતા. જયારે આભારવિધિ કુલસચિવશ્રી એમ.જી. ઠક્કર દ્વારા કરાઇ હતી.
આ કાર્યક્રમમાં સમાજીક અને શૈક્ષણિક પછાતવર્ગ કલ્યાણ વિભાગના રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિર, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ભુજના મેયર શ્રી લતાબેન સોલંકી, કલેકટરશ્રી એમ.નાગરાજન, એસ.પી.શ્રી સૌરભ તોલંગીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા સહિત વિવિધ વિદ્યાશાખાના ડિનશ્રીઓ, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતા.