ગઈકાલે ગાંધીધામની ધમધમતી બજારમાં દિન દહાડે થયેલી ૧૧ લાખની આંગડિયા લૂંટનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. આ કેસમાં ગાંધીધામનું લોકલ કનેક્શન પણ નીકળ્યું છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે કુનેહ પૂર્વક સઘન તપાસ કરીને આ આંગડિયા લૂંટનો ભેદ ઉકેલ્યો છે, અને ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, આ લૂંટનો પ્લાન કેવી રીતે ઘડાયો અને લૂંટ કર્યા પછી આરોપીઓ કેવી રીતે ભાગી ગયા તે આખીયે ઘટના ટીવીની ક્રાઇમ સીરીયલ જેવી છે. જોકે, લૂંટના આ બનાવે સર્જેલી ચકચાર અને ભય વચ્ચે પોલીસે કરેલી કામગીરીએ ફરી એક વાર બતાવી આપ્યું છે કે, ગુનેગાર કરતાં કાયદાના હાથ લાંબા છે તેમજ જો પોલીસ ધારે તો ગુનેગારો તરત જ ઝડપાઇ શકે છે. આઈજી સુભાષ ત્રિવેદીના આવ્યા પછી કચ્છ પોલીસ આવી જ સક્રિય બને તો આ સરહદી જિલ્લામાં અસામાજિક તત્વોની તાકાત નથી કે, ગુનાઓ કરી શકે.
જાણો કેવી રીતે ઘડાયો લૂંટનો માસ્ટર પ્લાન
પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે હાથ ધરેલી તપાસ અને પોતાના પોલીસ નેટવર્કનો કરેલો ઉપયોગ આ લૂંટ કરનાર ગેંગને પકડવામાં ઉપયોગી થયો હતો. બાબુલાલ આંગડીયામાં હુમલો કરીને રૂપિયા લૂંટનાર પાતળા બાંધાના દાઢી વાળા શખ્સ તેમજ ભચાઉ રાપર વચ્ચે મળી આવેલા ખાલી થેલાના આધારે પોલીસે રાધનપુર પોલીસનો સંપર્ક સાધી સીસી ટીવી ફૂટેજ મોકલ્યા હતા. જેમાં એ ખ્યાલ આવ્યો હતો કે લૂંટ ચલાવનાર પંકજ ડોંગરે (ભીલ) છે, અને તે કુખ્યાત ગુનેગાર છે. રાધનપુર પોલીસે તેનો ફોટો ગાંધીધામ પોલીસને મોકલ્યો જે બાબુલાલ આંગડીયાને બતાવતા તેણે આ જ શખ્સે લૂંટ ચલાવી હોવાની ઓળખ કરી હતી. બસ, પછી.પોલીસ તપાસમાં એક પછી એક ભેદ ઉકલતા ગયા. પંકજ ભીલ સાથેનો અન્ય લૂંટારું કૌશિક પટેલ (ચૌધરી) હતો. જ્યારે આ ગેંગના અન્ય સાગરીતોમાં મહેશ રબારી અને અન્ય ૪ શખ્સો ઉપરાંત ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતા મુકેશ સવાભાઈ દેસાઈ (રબારી) નું કનેક્શન બહાર આવ્યું હતું. ગાંધીધામ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો મુકેશ સવાભાઈ દેસાઈ બાબુલાલ આંગડિયા દ્વારા રૂપિયા હવાલા દ્વારા બહારગામ મોકલતો હતો, તેણે મહેશ રબારીને ટીપ આપીને બાબુલાલ આંગડીયામાં રૂપિયાની હેરાફેરી થતી હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ રેકી કરીને ફુલપૃફ પ્લાન બનાવ્યો, આગલે દિવસે ગાંધીધામ આવી ગયા, લૂંટ ચલાવીને આસાનીથી ભાગી શકાય એટલે ગાંધીધામના મુકેશ સવાભાઈ દેસાઈએ મોટરસાઈકલ આપી હતી. બે આરોપીઓએ પંકજ અને કૌશિકે લૂંટ ચલાવ્યા બાદ અન્ય બે આરોપીઓ મુકેશ અને મહેશે ચૂંગી નાકા પાસે વ્હાઇટ આર્ટિકા કાર રાખી હતી. લૂંટ ચલાવ્યા બાદ ચૂંગી નાકે પહોંચીને રાધનપુરના ત્રણ આરોપીઓ પંકજ, કૌશિક અને મહેશ આર્ટિકા કાર દ્વારા રાધનપુર નાસી ગયા હતા જયારે ગાંધીધામનો આરોપી મહેશ નોકરી પર ચાલ્યો ગયો હતો પણ, પૂર્વ કચ્છ પોલીસ અને બનાસકાંઠાની રાધનપુર પોલીસે પોતાના પોલીસ સ્ટાફની સૂઝબૂઝનો સાથ લઈને આ ગુનેગારોનું પગેરું દબાવીને ચારેય આરોપીઓ (૧) પંકજ ડોંગરે (ભીલ) (૨) કૌશિક પટેલ (ચૌધરી), (૩) મહેશ રબારી ત્રણેય રાધનપુર તેમજ (૪) મુકેશ સવાભાઈ દેસાઈ, ગાંધીધામને ઝડપી પાડ્યા છે આ ચારેયની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સોની તપાસ હાથ ધરી છે.