તમાકુ, પાન મસાલા ક્ષેત્રે કચ્છ અને ભુજની જાણીતી વ્યાપારી પેઢી કારીયા બ્રધર્સના માલિકો સાથે બનેલી ૮.૫૦ લાખની લૂંટની ઘટનાએ સનસનાટી સર્જી છે. ગત રાત્રે દરરોજના નિત્યક્રમ પ્રમાણે ભુજની વાણિયાવાડ બજારની દુકાનેથી વકરો લઈને ભાનુશાલીનગરમાં આવેલા પોતાને ઘેર જઈ રહેલા કારીયા બ્રધર્સના રેવાશંકરભાઈ કારીયા (ઉ.૭૨), તેમના પુત્ર કમલ કારીયા અને અન્ય પુત્ર બાઇક ઉપર જઇ રહ્યા હતા ત્યારે સામેથી ટ્રિપલ સવારીમાં આવેલા લૂંટારુઓએ આ પિતા પુત્રોની બાઇકને ટક્કર મારી પાડી દીધી હતી અને રેવાશંકરભાઈના હાથમાં રહેલા ૮.૫૦ લાખની રોકડ ભરેલો થેલો આંચકી લીધો હતો. જોકે, તે દરમ્યાન સામાન્ય ઝપાઝપી થઈ તેમાં વૃદ્ધ વ્યાપારી રેવાશંકર કારીયાને થોડી ઘણી ઈજાઓ થઈ હતી. પરંતુ ભાનુશાલીનગર જેવા ભુજના ધમધમતા વિસ્તારમાં લોકો કંઈ સમજે તે પહેલાં એકાએક બે બાઇકોનો ટકરાવ અને ચિલઝડપ સાથે થયેલી લૂંટની આ ઘટના ગણતરીની મિનિટોમાં બની હતી. સનસનાટીભરી લાખોની લૂંટની આ ઘટનાની જાણ થતાં જ ભુજની એ ડીવી, બી ડીવી પોલીસ તેમજ એલસીબી પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો, ડીએસપી અને ડીવાયએસપી પણ ઘટના સ્થળે ધસી ગયા હતા. લૂંટના આ બનાવને પગલે ભુજના વ્યાપારી વર્ગમાં ભય પ્રસરી ગયો છે. લૂંટની સન્સનાટીભરી ઘટનાને પગલે દોડી આવેલા લોહાણા સમાજના આગેવાનોએ ડીએસપી સમક્ષ રજૂઆત કરી હતી જોકે, પોલીસે સતર્કતા સાથે જ ગઈકાલે કોમ્બિગ અને નાકાબંધી કરી આ વિસ્તારના સીસી ટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાઈ છે, પીઆઇ એમ.એન. ચૌહાણે આ લૂંટના બનાવની તપાસ શરૂ કરી દીધી છે. જે રીતે લૂંટની ઘટના બની તે જોતાં લૂંટારુંઓએ વ્યાપારીની અવરજવરની રેકી કરીને વ્યાપારી પાસે રહેતી વકરાની મોટી રકમ વિશે જાણીને આ બનાવને અંજામ આપ્યો હશે, એવું પોલીસ માની રહી છે.
ભુજમાં બાઈકસવાર ટોળકી દ્વારા અગાઉ ચેન સ્નેચિંગ અને લૂંટના બનાવો
ભુજમાં છેલ્લા એકથી દોઢ વર્ષ દરમ્યાન બાઈકસવાર ટોળકી દ્વારા ચેન સ્નેચિંગના અનેક બનાવો બની ચુક્યા છે. ઘણીવાર તો આરોપીઓ પકડાયા બાદ ગુનો કબૂલ કર્યો હોય ત્યારે પણ પોલીસે ફરિયાદ નોંધી છે. તે સિવાય આ જ ઢબે વ્યાપારી પાસેથી રોકડ ભરેલ પાકીટ આંચકી લેવાના પણ બનાવો છેલ્લા એક દોઢ વર્ષમાં બની ચુક્યા છે. નાની મોટી રકમ હોઈ વ્યાપારીઓ ફરિયાદ લખવાનું પણ ટાળે છે. આ જ કારીયા બ્રધર્સના માલિકને અગાઉ લૂંટી લેવાનો તેમજ તેમની દુકાનના તાળા તોડી ચોરી કરવાના બનાવ પણ બની ચુક્યો છે. પણ, તેમણે’ય ફરિયાદ કરવાનું ટાળ્યું છે. ભુજમાં છેલ્લા થોડા સમયથી અસ્તિત્વમાં આવેલી ટપોરી ગેંગ ઉપર હવે પોલીસ કાયદાનો પંજો ઉગામે તે જરૂરી છે. ચોરી અને લૂંટના મોટાભાગના બનાવો અનડીટેકટ રહી જતા હોઈ અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી જતું હોય છે. અગાઉ ભચાઉમાં પણ આ જ ઢબે તમાકુ પાન મસાલાના વ્યાપારીને લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. તો, આદિપુર ગાંધીધામમાં પણ મોબાઈલ અને ચેન સ્નેચિંગના બનાવો છેલ્લા થોડા સમયથી વધી ગયા છે.