ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી ખૂન કેસની ‘મર્ડર મિસ્ટ્રી’ માં તપાસ આગળ વધતી જાય છે, તેમ તેમ સસ્પેન્સ ફિલ્મની જેમ એક પછી એક નવા નવા રહસ્યો ખુલતા જાય છે. સીટની ટીમે જેન્તી ભાનુશાલીની હત્યાના ૧૦ મહિના પછી મનીષા ગોસ્વામી અને તેના પુરુષમિત્ર સુરજીત ભાઉને ઝડપી લીધા બાદ આ કેસમાં ફરી નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. અત્યારે રેલવે પોલીસ દ્વારા મનીષાની સઘન પૂછપરછ કરાઈ રહી છે. પણ, સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનીષા ગોસ્વામી પોલીસને સહકાર આપતી નથી. જેન્તી ભાનુશાલીની હત્યા કરવાના કારણમાં પૈસાની લેતી દેતી હોવાનું મનીષાએ કબુલ્યું છે, પણ બ્લેક મેઇલિંગ અને ચર્ચાસ્પદ સેક્સ સીડી પ્રકરણમાં મનીષા ગોસ્વામી પોલીસને કંઈ કહેતી નથી. જોકે, પોલીસ તપાસ અંગે સૂત્રો પાસેથી જે વિગતો મળી રહી છે, તે અનુસાર મનીષાએ જે યુવતીઓનો ઉપયોગ ઓડિયો કલીપીંગ્સ અને સેક્સ સીડી બનાવવામાં કર્યો છે, તે હકીકત તે યુવતીઓએ કબૂલી છે, પણ મનીષા કંઈ બોલતી ન હોઈ હવે સેક્સ સીડીમાં સામેલ યુવતીઓની હાજરીમાં પોલીસ સામસામે ક્રોસ ઈન્ટ્રોગેશન કરશે. જોકે, જેન્તી ભાનુશાલીની હત્યા પાછળ અત્યાર સુધી જે મહત્વની વાતો ચર્ચાઈ રહી છે, તેમાં અધિકારીઓ અને નેતાઓની સેક્સ કલીપીંગ્સ તેમજ બ્લેકમેઇલિંગ હોવાનું મુખ્ય છે. જેન્તી ભાનુશાલીએ પોતાનો (મનીષા અને તેની સ્ત્રી મિત્રોનો) ઉપયોગ કરીને પૈસા અને સત્તા મેળવી હોવાનું માનતી મનીષાને જેન્તી ભાનુશાલી સાથે તબેલો શરૂ કરવા અને ખેતી કરવાના મુદ્દે પૈસાનો વાંધો પડ્યો, બસ ત્યારથી જ મનીષા ગોસ્વામી અને જેન્તી ભાનુશાલી વચ્ચેના સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ. બસ, પછી શરૂ થયો એકબીજાની સામે પોલીસ કેસ, સેક્સ સીડી સાથે કાવાદાવાનો જંગ!! જેલમાં પુરાયેલી મનીષાએ પોતા થકી લાભ મેળવનાર જેન્તી ભાનુશાલી સામે વેરની ગાંઠ વાળી અને પછી મનીષાએ જેન્તીના રાજકીય દુશ્મનોનો સધિયારો મેળવીને ગુનેગારો સાથે ઘરોબો કેળવ્યો જેમાં તેની મૈત્રી સુરજીત ભાઉ સાથે થઈ. પુના (મહારાષ્ટ્ર)ના સુરજિતને પણ માત્ર ધાકધમકીથી રૂપિયા મેળવવાનું અને મનીષા સાથે રહીને મોજ માણવાનુ માફક આવી ગયું. મનીષા પણ પતિ ગજુગીરીને બદલે સુરજીત સાથે વધુ રહેવા લાગી. જેલમાંથી મનીષાને બહાર કઢાવવામાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, જેન્તી ડુમરા મદદરૂપ બન્યા. બસ, પછી તો આ કેસમાં જેન્તી ભાનુશાલીની કઈ રીતે હત્યા થઈ તે વિશે દસ મહિનામાં અનેક વિગતો બહાર આવી ચૂકી છે. પણ, અત્યારે પોલીસે મનીષાના રાજકોટ કનેક્શન ઉપર ફોક્સ કર્યું છે. આ કેસમાં અત્યાર સુધી ભુજ, સુરત, નડિયાદ, મુંબઈ, પુના, રાંચી ના નામ ખુલી ચૂકયા છે, પણ હવે પહેલી જ વખત રાજકોટનું નામ સામે આવ્યું છે. જો, ચર્ચાતી હકીકતો માનીએ તો, જેન્તી ભાનુશાલીની હત્યા પછી ગુમ થયેલા તેના મોબાઈલમાં રહેલી સેક્સ કલીપો તેમજ બ્લેકમેઇલિંગ પ્રકરણમાં રાજકોટ કનેક્શન મહત્વનું હોવાનું બહાર આવ્યું છે. જોકે, તપાસના હિતમાં પોલીસ અત્યારે વધુ કંઈ કહેવા તૈયાર નથી. પણ, રિમાન્ડ બાદ રાજકોટ કનેક્શનનો મોટો ધડાકો થશે.