Home Current ભુજ નગરપાલિકાએ દેશલસર તળાવમાં શરૂ કર્યું ગ્રીન ફાર્મિંગ – જાણો ઐતિહાસિક દેશલસર...

ભુજ નગરપાલિકાએ દેશલસર તળાવમાં શરૂ કર્યું ગ્રીન ફાર્મિંગ – જાણો ઐતિહાસિક દેશલસર તળાવમાં કેવી રીતે પથરાઈ ઘાસની લીલી ચાદર

1349
SHARE
ભુજ નગરપાલિકાના ભાજપના વર્તમાન શાસકોનું શાસન અજાયબીરૂપ છે. ખુદ ભાજપના ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય હોય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ હોય કે જે વર્તમાન શાસકોનું શાસન સમજવા માં ગોથું ખાઈ રહ્યા છે. જોકે, લોકસભાના ચૂંટણી પ્રચાર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસની વાતો કરનારા જિલ્લા મહામંત્રી અને ભુજ પાલિકામાં જેનો સિક્કો હોદ્દેદારો કરતાં વધુ ચાલે છે, તેવા ચાવી રૂપ નગરસેવક શૈલેન્દ્રસિંહ જાડેજાને પણ મોદીના રસ્તે ભુજનો વિકાસ કરવાને બદલે અન્ય વિકાસમાં રસ હોય એવું દેખાઈ રહ્યું છે જોકે, મૂળ વાત ટુરિસ્ટ સીટી ભુજમાં શાસકોની ‘બેદરકારીભરી’ ના ગ્રીન પોન્ડમાં ફેરવાયેલા ભુજના દેશલસર તળાવની ખરાબ હાલતની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકોને અપાઈ રહેલા સ્વચ્છતાના સંદેશને ભાજપના ભુજના શાસકોએ કચરાપેટીમાં ફેંકી દીધો છે. ગટર ગંગા બનેલા ભુજનું દેશલસર તળાવ હવે વધુ ઉપેક્ષાના કારણે અંદર ઊગી નીકળેલા આડેધડ ઘાસને કારણે કચરા અને ઘાસના અસ્વચ્છ સરોવરમાં ફેરવાઈ ગયું છે. ભુજના આરટીઆઇ એક્ટીવીસ્ટ હુસેન થેબાએ ભુજના દેશલસર તળાવની આ તસવીરો સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરીને દેશલસર તળાવની સફાઈ માટે રજુઆત કરી છે. એક ભુજ વાસી તરીકે ભીડ નાકે એક આંટો મારજો તો ખ્યાલ આવશે કે, આપણા ભુજના ઐતિહાસિક દેશલસર તળાવની પરિસ્થિતિ કેટલી હદે ખરાબ છે. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા આ વિસ્તારના નગરસેવક ફકીરમામદ કુંભાર અને અન્ય કોંગ્રેસી નગરસેવકોએ પણ દેશલસર તળાવની ખરાબ થતી પરિસ્થિતિને સુધારવા વારંવાર રજૂઆતો કરી ચુક્યા છે. પણ, છેલ્લી ટર્મ થી ભુજના પ્રમુખ રહી ચૂકેલા પૂર્વ પ્રમુખ અશોક હાથી, વર્તમાન પ્રમુખ લતાબેન સોલંકી, પૂર્વ કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, વર્તમાન કારોબારી ચેરમેન ભરત રાણા તેમના બેદરકારીભર્યા વહીવટ અને પેઘી ગયેલા ચોક્કસ કર્મચારીઓની સાંઠગાંઠ તેમજ ચીફ ઓફિસરના ‘વહીવટ’ ને કાબુમાં રાખવાને બદલે તેમની સાથે જોડાઈ જતાં આજે ભુજ શહેરના ઇતિહાસમાં આવી ખરાબ હાલત સર્જાઈ છે લોકોને નગરપાલિકા દ્વારા થતી વોર્ડ મીટીંગોમાં રસ નથી તેનું કારણ ભુજ પાલિકાના શાસકોમાં ભરોસો નથી. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલા ઠપકા પછી પણ ભુજ પાલિકાના શાસકોને પ્રજાલક્ષી વહીવટને બદલે માત્ર કોન્ટ્રાક્ટના ટેન્ડરોમાં અને સ્વલક્ષી  ‘વહીવટ’માં જ રસ છે. આશા રાખીએ કે, દેશલસર તળાવની આવી ખરાબ હાલત જોઈને સાંસદ, રાજયમંત્રી, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખનો આત્મા કકળે અને કંઈક સફાઈની કામગીરી થાય બાકી ભુજ પાલિકામાં સત્તા મેળવ્યા પછી હવે ઊંચી ઉડાન સાથે સીધા જ જિલ્લા કક્ષાના આગેવાન અને ધારાસભ્ય બનવાના સપના જોતા વર્તમાન શાસકો ‘વહીવટ’ ના કારણે એવા તગડાં થઈ ગયા છે કે, તેઓ ભુજના નાગરિક હોવા છતાંયે તેમનો આત્મા જાગવાનું નામ લેતો નથી દર વર્ષે કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ આપ્યા પછી પણ ભુજમાં ઠેર ઠેર ગટરો વહે છે, ચારેકોર ગંદકી છે, રખડતાં ઢોરોએ ભુજના રસ્તાઓને વથાણમાં ફેરવી નાખ્યા છે, રસ્તામાં ખાડાઓ છે કે ખાડાઓમાં રસ્તા છે તે સમજાતું નથી, હમીરસર કાંઠે ટુરિસ્ટોને ભિક્ષુકો ભીખ માંગી પરેશાન કરે છે, બગીચાઓ ઉજ્જડ થઈ ગયા છે આટલું ઓછું હોય તેમ હવે દેશલસર તળાવમાં ઘાસ ઊગી નીકળ્યું છે. અહીં ભુજના લોકોને થતો પ્રશ્ન અને ચર્ચા એ જ છે કે, નરેન્દ્ર મોદીના નામે વિકાસની વાતો કરનારા કચ્છ ભાજપના નેતાઓને ભુજની આવી હાલત નહીં દેખાતી હોય?