Home Current મુન્દ્રાના કુંદરોડી ગામે કાર્યરત ચાઈનીઝ ક્રોમેની કંપની ભારતના કાયદાનું પાલન કરતી નથી...

મુન્દ્રાના કુંદરોડી ગામે કાર્યરત ચાઈનીઝ ક્રોમેની કંપની ભારતના કાયદાનું પાલન કરતી નથી – મનાઈહુકમ છતાંયે કંપની ચાલુ, ચોંકાવનારા આક્ષેપો

1481
SHARE
કચ્છના મુન્દ્રા તાલુકામાં કાર્યરત ઉદ્યોગો દ્વારા પર્યાવરણના નિયમોના થઈ રહેલા ઉલ્લંઘન મુદ્દે લડત ચલાવી રહેલા પર્યાવરણ એક્ટીવીસ્ટ અને મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ ચાઈનીઝ કંપની ક્રોમેની સામે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. આ અંગે તેમણે ભુજમાં પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે કાર્યરત ક્રોમેની સ્ટીલ કંપનીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) કોર્ટે સ્ટીલના પ્રોડક્શન કરવા સામે અત્યારે મનાઈ હુકમ આપ્યો હોવા છતાં પણ કંપની દ્વારા પ્રોડક્શન ચાલુ રખાયું છે. એનજીટી કોર્ટના આદેશ વિશે માહિતી આપતાં ગજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, તેમણે અને ભરત પટેલે કરેલી રજુઆત અનુસાર ક્રોમેની કંપની દ્વારા ઇઆઈએ નોટિફિકેશન ૨૦૧૧ મુજબ પર્યાવરણ અંગેનું સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. પણ કંપનીએ આ દિશામાં કોઈ પણ કાર્યવાહી કરવાને બદલે ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ કંપની ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ (એમઓએફસીસી) વિભાગના નિયમ અનુસાર રી રોલિંગ અને સેકન્ડરી મેટલર્જીકલ ઇન્ડસ્ટ્રીઝમાં આવે છે. આમા મોટા પાયે ફરનેસ ઓઈલનો ઉપયોગ પણ થાય છે. જે ઇન્સ્ટ્રીઝનું વાર્ષિક સ્ટીલ ઉત્પાદન ૩૦ હજાર ટન કરતા વધુ હોય તેમણે પર્યાવરણ ક્લિયરન્સ સર્ટિફીકેટ લેવું ફરજીયાત છે. ભારત સરકારના સ્ટીલ રી રોલિંગ પ્લાન્ટના બીજા નિયમ અનુસાર ઇઆઈએ ૨૦૦૬ મુજબ પણ પર્યાવરણની મંજૂરી લેવી ફરજીયાત છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને એનજીટી કોર્ટ દ્વારા મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ દ્વારા આગામી તા/૧૪/૧/૨૦ સુધી ક્રોમેની કંપની અંગેનો રિપોર્ટ રજૂ ન કરાય ત્યાં સુધી પ્રોડકશન બંધ રાખવાનો હુકમ કરાયો છે. જોકે, આ પત્રકાર પરિષદમાં અન્ય સ્થાનિક આગેવાનો પૃથ્વીરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, કચ્છ કોંગ્રેસના આગેવાન ડો. રમેશ ગરવા, દિપક ડાંગર, ધીરજ રૂપાણી, અંજલિ ગોરની ઉપસ્થિતમાં ક્રોમેની કંપનીમાં એનજીટી કોર્ટના આદેશનો ભંગ કરીને પ્રોડક્શન ચાલુ હોવાના સોશ્યલ મીડીયા દ્વારા ફોટોગ્રાફ તેમજ વીડીયો કલીપ પત્રકારોને આપવામાં આવ્યા હતા.

કચ્છમાં મકાનની મંજૂરી મેળવામાં નાકે દમ આવે છે, પણ ક્રોમેનીએ વગર મંજૂરીએ એશિયાનો જાયન્ટ સ્ટીલ પ્લાન્ટ ઉભો કરી દીધો…

મીડીયાની સામે ગજેન્દ્રસિંહે ખળભળાટ કરતો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ક્રોમેની કંપની દ્વારા ૨૧૬ હેકટર જમીનમાં એનએ કર્યા વગર, બાંધકામની મંજૂરી લીધા વગર જ જિલ્લાના અને રાજ્યના કાયદાનો ભંગ કરીને જાયન્ટ યુનિટ ઉભું કરી દેવાયું છે. ★સરકારના કાયદાનો ભંગ કરનાર ક્રોમેનીને ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા તા/૨૫/૯/૧૮ ના નોટિસ આપીને એનએ કરાવ્યા બાદ બાંધકામ કરવાનું જણાવાયું હતું, પણ આ કંપનીએ ગુજરાત પ્રદુષણ બોર્ડને દાદ આપી નહીં. ફરી રજુઆત કરાતાં પ્રદુષણ બોર્ડ દ્વારા તા/૩૦/૫/૧૯ નાઆ જ તાકીદ ફરી કરાઈ હતી, પણ કંપનીએ પોતાનું કામ ચાલુ જ રાખ્યું હતું. ★ અત્યારે કંપની દ્વારા રાજ્ય સરકારના પ્રદુષણ બોર્ડ પાસેથી ઉત્પાદનની મંજૂરી મેળવ્યા વિના જ ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. ★ એજ રીતે કેન્દ્ર સરકારમાંથી નિયમભંગ કરીને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) નું સર્ટિફિકેટ મેળવી લેવાયું છે. ખરેખર નિયમ મુજન પ્રદુષણ બોર્ડનું ઉત્પાદન સર્ટીફીકેટ હોય પછી જ બીઆઇએસ સર્ટીફીકેટ મળે. આ અંગે પોતે બીઆઈએસ ઓફિસને તા/૭/૧૦/૧૯ ના ફરિયાદ કરી હોવાનું ગજેન્દ્રસિંહે જણાવ્યું હતું.

સ્થાનિકે બેરોજગારી યથાવત પણ ટુરિસ્ટ વિઝા ઉપર ચાઈનીઝ વર્કરોએ કામ કર્યું, દેશના કાયદાનો ભંગ પણ તંત્રના મૌન સામે આક્ષેપો

આરટીઆઇ એક્ટીવીસ્ટ ગજેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં ખળભળાટ સર્જતો બીજો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ ચાઈનીઝ કંપનીએ આપણા દેશના બીજા કાયદાનો પણ ભંગ કર્યો છે. સ્થાનિકે રોજગારી આપવાને બદલે ક્રોમેની કંપનીમાં ટુરિસ્ટ વિઝા ઉપર આવેલા ચાઈનીઝ વર્કરોએ કામ કર્યું હતું. આ અંગે પોતે કચ્છ જિલ્લા કલેકટર અને પશ્ચિમ કચ્છ ડીએસપીને ફરિયાદ પણ કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, ટુરિસ્ટ વિઝા ઉપર આવનાર ભારતમાં કામ કરી શકતા નથી પણ અહીં તંત્રએ ફરિયાદ પછી પણ કાર્યવાહી કરી ન હોવાનું તેમણે જણાવ્યું હતું. અત્યાર સુધી આ કંપનીને કોઈ અદ્રશ્ય હાથ બચાવી રહ્યા હોવાનો આક્ષેપ પણ પત્રકાર પરિષદમાં થયો હતો.