ન્યૂઝ4કચ્છ નેટવર્ક.કચ્છ શુક્રવારે જયાં એક તરફ સરહદી જિલ્લા કચ્છનાં પાટનગર ભુજમાં ફૂડ પોઇઝનિંગને કારણે બે બાળકોનાં મોતનાં સમાચાર લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા ત્યાં માંડવી પોલીસ દ્વારા એક તલાટીને માથામાં લોખંડનો પાઇપ મારીને લોહી લુહાણ કર્યાની ખબરે પોલીસને દોડતી કરી મૂકી હતી જોકે ગણતરીના કલાકોમાં જ સમગ્ર વાતનો પર્દાફાશ થઈ ગયો હતો કે, હકીકતમાં પોલીસે તલાટીને માર્યો ન હતો પરંતુ ખુદ તલાટીએ પોલીસ સ્ટેશનમાં આવીને લોકઅપનાં લોખંડી પાઇપો સાથે પોતાનું માથું ભટકાવીને માથુ રંગી નાખ્યું હતુ આ વાતનો ખુલાસો પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી થયો હતો જેને લીધે પોલીસનાં યુનિફોર્મ ઉપર ડાઘ લાગતા બચી ગયો હતો.
પહેલાથી જ ઉગ્ર સ્વભાવનાં એવા કચ્છનાં માંડવી તાલુકાનાં ફરાદી ગામના એક્સ સર્વિસમેન એવા પુનશી આલા ગઢવી નામનાં તલાટીએ માંડવીનાં સરકારી દવાખાનામાં આવીને તેમને પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વાત કરી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ પણ ચોંકી ગયો હતો કારણ કે જે દશામાં તલાટી ગઢવી લોહી નિંગળતી હાલતમાં આવ્યા હતા તેને જોતા પ્રથમ દ્રષ્ટિએ જ કંઈક ગરબડ હોવાનું લાગતું હતું કારણકે સામાન્ય રીતે કાયદાની જાણકાર પોલીસ કોઈ દિવસ આ પ્રકારે કોઈને મારે નહીં પરંતુ જયારે ભોગ બનનાર જ એવું કહેતો હોય કે પોલીસ દ્વારા તેને મારવામાં આવ્યો છે તેવા કિસ્સામાં હોસ્પિટલવાળા પણ ફરિયાદી કહે તે મુજબની નોંધ કરી દેતા હોય છે પરંતુ મામલો સરકારી કર્મચારી ઉપર પોલીસ દ્વારા આ પ્રકારે મારવાનો આક્ષેપનો હતો એટલે સ્વાભાવિક છે કે સમગ્ર ઘટના સરકારી કર્મચારીઓથી માંડીને પોલીસ બેડા ઉપરાંત સામાન્ય લોકોમાં પણ ટોકિંગ પોઇન્ટ બને મામલાની ગંભીરતાને જોતા ખુદ પશ્ચિમ કચ્છ પોલીસનાં એસપી સૌરભ તોલંબિયા દ્વારા મામલાની તપાસ કરવામાં આવી હતી જેને કારણે ગણતરીના કલાકોમાં જ દૂધનું દૂધ અને પાણી થઈ ગયું હતું અને તલાટીએ કેવી રીતે જાતે લોકઅપનાં લોખંડી દરવાજા સાથે માથું ભટકાવીને સમગ્ર આળ પોલીસ ઉપર નાખી દેવાની કરતુત બહાર આવી હતી.
પોલીસ સ્ટેશનમાં જ પોલીસને ઘેર્યા
માંડવી પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તામસી મગજના તલાટીએ કેવી રીતે ત્રણથી ચાર પોલીસ કર્મચારીને ઘેરીને હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી તે ઘટના આબાદ કેદ થઈ ગઈ હતી ફુટેજમાં તલાટી સાથે વાત કરીને પોલીસ કર્મચારી જવાનો પ્રયાસ કરે છે ત્યારે જ તલાટી તેને પકડવાનો પ્રયાસ કરતો નજરે પડે છે ત્યારબાદ અન્ય પોલીસ કર્મચારીઓ પણ જયારે તેને રોકવાનો પ્રયાસ કરે છે ત્યારે પણ એકલો તલાટી ચાર ચાર પોલીસવાળાને બાથ ભરતો રહ્યો હતો એક તબક્કે જયારે ઉશ્કેરાયેલા તલાટીને પકડી લોકઅપમાં પુરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તે જાતે તેનું માથું લોકઅપ સાથે અથડાવે છે જેને કારણે તેના માથામાંથી લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે અને છેવટે જયારે મામલો સરકારી હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે વાત પોલીસનાં દમનની આવે છે જોકે લોકો માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલીસ માટે ફાયદાકારક સાબિત થયા હતા.