ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ભુજ કચ્છનાં કંડલા પાસે આવેલા એક ટાપુ ઉપરથી સેટેલાઇટ ફોન મળી આવ્યો છે માછલીઓ સૂકવવા ગયેલા માછીમારોને આ ફોન મળ્યો હતો માછીમારો આ ફોન લઈને ગાંધીધામમાં મોબાઇલની દુકાને સિમ નખાવવા ગયા હતા ત્યારે સમગ્ર વાતનો ખુલાસો થયો હતો અને ત્યાર પછી પોલીસની પાસે આ પ્રકરણ પહોંચ્યું હતું.
પોલીસનાં સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ, તારીખ બીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક માછીમારો માછલીને સૂકવવા માટે પપરવા નામનાં ટાપુ ઉપર ગયા હતા કંડલા પોર્ટની જેટી નંબર 10થી આગળ આવેલી નવલખી ચેનલમાં આ ટાપુ આવેલો છે થર્મોકોલનાં રેપરમાં ઇનમાર કંપનીનાં સેટેલાઇટ ફોનને લપેટવામાં આવ્યો હતો માછીમારો જયારે સુકવેલી માછલીઓ લેવા માટે સોમવારે ટાપુ ઉપર ગયા ત્યારે તેઓ ફોન લેતા આવ્યા હતા દેખાવે સામાન્ય મોબાઈલ ફોન જેવો લાગતો આ સેટેલાઇટ ફોન તેઓ ગાંધીધામની બજારમાં સિમ નાખવા માટે લઈ ગયા હતા જયાં દુકાનદારે તે સેટેલાઈટ ફોન હોવાનું જણાવતા માછીમારો તેને પોલીસ પાસે લઈ ગયા હતા હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે કે ફોન ટાપુ ઉપર કેવી રીતે આવ્યો અને તે કોની માલિકીનો છે.
સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસનાં એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, ફોનનાં IMEI થકી પોલીસ તેનો કોલ ડિટેલ રેકોર્ડ(CDR) કઢાવી રહી છે.