કોરોનાને લઈને સમગ્ર દેશમાં અફરતાફરીનો માહોલ છે. લોકો તેમનાથી થાય એ રીતે સહાય કરી રહ્યા છે. ત્યારે કચ્છમાં જનપ્રતિનિધિઓને લઇને બે અલગ અલગ ચિત્રો જોવા મળી રહયા છે. એક તરફ જયાં નગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સહિત કચ્છનાં સાંસદ સુધ્ધા લોકોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે તેવામાં કચ્છનાં ભાજપનાં પાંચેય MLA માત્ર જાહેરાતો કરીને લોકસેવાનો ધર્મ બજાવતા હોય તેવો ડોળ કરી રહ્યા છે. તેમાં પણ વ્યવસાયે તબીબ એવા ભુજનાં ધારાસભ્ય નીમાબેન તો જાણે અદ્રશ્ય જ થઇ ગયા છે. જેને લીધે ખુદ તેમના ગ્રુપના કાર્યકરો પણ હવે તેમને શોધી રહ્યા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ તો તેમનાં ક્ષેત્ર માંડવી-મુન્દ્રમાં કામ કરવાને બદલે ભચાઉમાં વધુ જોવા મળતા આ વખતે સ્થાનિક વ્યક્તિને જ ટીકીટ અપાય તેવી પણ ગોસિપ વધી ગઈ છે.
અદાણીનું કરોડોનું દાન પણ મેડિકલ સ્ટાફ નથી
દેશભરમાં દાન આપીને પબ્લિસિટી કરવાનો ફંડા જોવા મળી રહ્યો છે તેવામાં કચ્છમાં અદાણી હોસ્પિટલની એક વાસ્તવિકતા પણ હવે લોકોને જોવા મળી રહી છે. સો કરોડના ખર્ચે ભૂકંપ દરમિયાન તૈયાર કરવામાં આવેલી ભુજની જી કે જનરલ હોસ્પિટલનો હવાલો અદાણી ગ્રુપ દ્વારા લઈ તો લેવામાં આવ્યો છે .પરંતુ તેમાં સ્ટાફનાં ઠેકાણા નથી. જેને કારણે અદાણીની હોસ્પિટલમાં સરકારના પેરા મેડિકલ સ્ટાફને મુકવામાં આવ્યો છે. ગઝબ કહેવાય ને, કરોડો રૂપિયાનું દાન કરી શકાય છે પણ મેડીકલનો સ્ટાફ નથી મળતો..!
રાધે રાધે..વાસણભાઈ આહીર ફરી ચમક્યા
કોરોનાને કારણે કચ્છનાં લોકો દેશમાં અલગ અલગ જગ્યાએ ફસાઈ ગયા હોવાની માહિતી વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં કચ્છનાં એક ગામના લોકો કચ્છનાં અંજાર વિધાનસભા ક્ષેત્રનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાનાં મંત્રી વાસણ આહીર પાસે મદદ માંગી રહ્યા છે. લોકોને ધરપત આપવાને બદલે મંત્રી આહીર હાથ અઘ્ધર કરતા સંભળાય છે. આજ લોકો જયારે સાંસદ વિનોદ ચાવડાને રજુઆત કરે છે ત્યારે ચાવડા તેને કચ્છમાં લઈ આવવાની તૈયારી બતાવી તેમને માદરે વતન પાછા પણ લઇ આવે છે. સાલું દર વખતે વાસણભાઇ જ ઓડિયો ક્લિપને કારણે કેમ ફસાઈ જતા હોય એમ લાગે છે, રાધે રાધે…
તમારે ત્યાં સર્વેવાળા આવ્યા હતા..?
સરકાર અને જિલ્લાનું વહીવટી તંત્ર ગાઈ વગાડીને જાહેરાત કરી રહ્યું છે કે લાખો લોકોનો ડોર ટૂ ડોર સર્વે કરવામાં આવ્યો છે. પણ મજાની વાત એ છે કે, જેને પુછીયે કે તમારા ત્યાં સર્વેવાળા આવ્યા હતા. ત્યારે એક જ જવાબ મળે છે કે, અઠવાડિયાથી અમે અમારા ઘરના લોકો સિવાય અન્ય લોકોને જોયા પણ નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે, તો સર્વે કરવાવાળા લોકો આખરે જાય છે કયાં..?
સાહેબની કડકાઈ મંત્રી સામે ઢીલી પડી જાય છે..?
કચ્છમાં એક પોલીસ અધિકારીની પ્રામાણિકતા અને કડકાઈના સૌ કોઈ ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે એક વાત એવી પણ જાણવા મળી છે કે, આ સાહેબની કડકાઈ એક મંત્રીનાં ભલામણવાળા પોલીસ ઇન્સ્પેક્ટર સામે ઢીલી પડી જાય છે. કારણ ગમે તે હોય પરંતુ પોતે પ્રામાણિક છે તેવો સ્વયં પ્રચાર કરતા અધિકારી સમક્ષ જયારે મંત્રીની ભલામણથી પોસ્ટિંગ મેળવેલા પીઆઇની વાત કે ફરિયાદ આવે ત્યારે તેઓ અજાણ હોવાનો ડોળ કરે છે.
સૂચનો તો કર્યા હતા પણ સાહેબ કયાં સાંભળે છે
21 દિવસનાં લોકડાઉનને હજુ માત્ર છ દિવસ થયા છે. ત્યારે લોકડાઉન પહેલા સરકાર દ્વારા આ અંગેનું કોઈ પૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે લોકો તથા ખુદ સરકારમાં અધિકારીઓ ખાનગીમાં પ્રશ્ન કરી રહ્યા છે. ત્યારે કેટલાક ઓફિસર્સ દ્વારા દબાયેલા સુરમાં એવી વાત કરવાનું શરૂ કરી દીધું છે કે, લોકડાઉન પહેલા સૂચન માંગવામાં આવ્યા હતા પણ તેનો પૂર્ણ તો ઠીક આંશિક અમલ પણ કરવામાં આવ્યો નથી. જેને કારણે મજૂરોના પલાયનમાં કયાંક કાચુ કપાઈ ગયું હોવાનું દેખાઈ રહ્યું છે. શેલ્ટર હોમથી માંડીને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ ક્યાંક ને કયાંક ખામી હોય તેવું ઉડીને આંખે વળગી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે આ સરકારી બાબુઓ એકબીજાને ફોન કરીને મસ્તી કરે છે કે, સાહેબ ગુજરાતમાં હતા ત્યારે પણ માનતા ન હતા ત્યારે હવે દિલ્હીમાં આપણું સાંભળે ખરા..!
વહીવટ પણ ક્વોરેન્ટાઇન થઈ ગયો છે
કોરોનાનથી બચવા માટે સરકાર લોકોને બચવા માટે ક્વોરેન્ટાઇન રહેવાની સલાહ આપી રહી છે. તેવામાં ગાંધીનગરથી માંડીને જિલ્લા કક્ષાએ વહીવટ પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે તેમ બાબુઓ મજાક કરી રહ્યા છે. ગાંધીનગર સચિવાલયમાં તો કોરોનાનાં બહાના હેઠળ IAS અધિકારીઓ અન્ય લોકોને તો ઠીક ખુદ તેમના તાબા હેઠળના અધિકારીઓ કે સ્ટાફને પણ મળતા નથી. કોઈ મળવા કે મિટિંગ માટે આવવાનું કહે તો પણ ફોનથી જ કામ પતાવી લેવાની સલાહ આપે છે. ખાસ કરીને અધિક મુખ્ય સચિવ કક્ષાનાં મહિલા અધિકારી આવું વધુ કરે છે.
પ્રભારી સચિવનું કામ શુ? જુના હિસાબ સેટલ કરવાનું…?
રાજ્યમાં કોરોના વાયરસને પગલે જિલ્લા કક્ષાએ કલેક્ટર તથા અન્ય અધિકારીઓને માર્ગદર્શન-મદદ મળી રહે તે આશયથી તાજેતરમાં સરકારે પ્રભારી સચિવોની નિમણુંક કરી હતી. મોટેભાગે સરકારે જે IAS ભૂતકાળમાં જે જિલ્લામાં ફરજ બજાવી હોય તેમને જ જે તે જિલ્લાનાં પ્રભારી સચિવ તરીકે મુક્યા છે. પરંતુ હવે તાલ એવો સર્જાયો છે કે જિલ્લાનાં વહીવટમાં માર્ગદર્શન-મદદને બદલે આ પ્રભારી જિલ્લાનાં પોતાના જુના હિસાબ સેટ કરવામાં વધુ ધ્યાન આપી રહ્યા હોય એવી ચર્ચા પણ થઈ રહી છે
પીઆઇ કક્ષાનાં કર્મચારીઓને પણ ‘KIA’નો ક્રેઝ
કોરોનાનાં કપરા સમયમાં પોતાના પરિવારથી અળગા રહીને ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા તેમના કર્મચારીઓને સો સલામ. પરંતુ બધા એવા નથી હોતા. કેટલાક ને તો હજુ પણ કેવી રીતે વધુ આગળ આવી શકાય તેની જ ચિંતા હોય તેવું દેખાય રહ્યું છે. કચ્છની જ વાત કરીએ તો, કલાસ 3માં આવતા એવા કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટર છે જેમને મોંઘી કારનો મોહ છૂટતો નથી. ખાસ કરીને 20 લાખથી પણ વધુ કિંમતવાળી KIA કારનું એવું તો ઘેલું છે કે બંદોબસ્તમાં યુનિફોર્મ સાથે આવી ખાનગી કારમાં લટાર મારવા નીકળી પડે છે. આને કહેવાય KIAનો ક્રેઝ।….
મુકિમ હૈ તો મુમકીન હૈ
ગુજરાતમાં કોરોના સામે આમ તો તમામ લોકો લડી રહ્યા છે. પરંતુ એવા કેટલાક અધિકારીઓ છે જેઓ સતત સમગ્ર પરિસ્થિતિ ઉપર રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહ્યા છે એટલું જ નહીં દિવસમાં બે થી ત્રણ વખત વિડિઓ કોન્ફ્રરન્સ થકી તમામ જિલ્લાનાં કલેક્ટર, ડીડીઓ તથા એસપી સાથે ચર્ચા કરીને અહેવાલ મેળવીને સૂચના આપી રહ્યા છે. જેમાં ડીજીપી શિવાનંદ ઝા થી માંડીને મહિલા આઈએએસ જયંતિ રવિ પ્રમુખ છે. આ લોકો ટીવીમાં લોકો સમક્ષ આવે છે. પરંતુ એક નામ-ચહેરો એવો છે જે ભાગ્યેજ લોકો સમક્ષ આવે છે. અને તે છે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ. કચ્છ ઉપરાંત અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશનર રહી ચૂકેલા મુકિમ વિશે એવું કહેવાય છે કે એ કોઈને મુકતા નથી. રીવ્યુ કરવાની બાબતમાં મુકિમ કયાંય બાંધછોડ કરતા નથી. એટલે સચિવાલયમાં બાબુઓ એવી પણ ગોસિપ કરતા નજરે પડે છે કે, ‘મુકિમ હૈ તો મુમકીન હૈ’.સોરી, સાહેબ તમને ખોટું લાગ્યું હોય તો, સમજી ગયા ને…
ઓફ ધ રેકોર્ડ- કેવું લાગ્યું? આપના સુઝાવ કે માહિતી માટે આપ ઇ-મેઇલ [email protected] પર અથવા 99099 44076 પર સંપર્ક કરી શકો છો.