એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તે વચ્ચે તેનાથી પણ વધુ ઘાતક રીતે હિન્દુ – મુસ્લિમ સમાજના લોકો વિરૂધ્ધ કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ અને ભાષણો કરવાની મહામારી ફેલાઇ રહી છે કચ્છમાં મુસ્લિમ સમાજ વિરૂધ્ધ સોશ્યિલ મિડીયામાં પોસ્ટ મુકવા મામલે ઘણી ફરિયાદો થઇ છે તો બીજી તરફ ભુજમા મુસ્લિમ યુવકે મસ્જિદમા જઇ કરેલા કૃત્યથી કોમી લાગણી દુભાઈ છે ત્યારે વધુ એક આવોજ ભડકાઉ પોસ્ટનો કિસ્સો પોલિસ મથકે નોંધાયો છે જેમા ફેસબુક પર વિપુલસિંહ બારડ રંડાલા નામની આઇ.ડી પરથી કોઇ અજાણ્યા શખ્સે મુસ્લિમ સમાજ વિરૂધ્ધ ઘસાતુ લખવા સાથે કોમી લાગણી ભડકાવવાનો પ્રયાસ કર્યો છે વિપુલસિંહ બારડ નામના શખ્સે મસ્જિદમાં કરાયેલા ભાષણના અખબારી અહેવાલની પોસ્ટ કરી કોમી એકતા ખરડાય એવી કોમેન્ટ કરતા ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફેસબુક આઇ.ડી ધરાવતા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે જો કે હજુ સુધી આ મામલે અજાણ્યા શખ્સની ઓળખ થઇ શકી નથી પરંતુ ભુજ એ ડીવીઝન પોલિસે કાસમ જુમ્મા કેવરે નોંધાવેલી ફરીયાદ લઈને આઇ.પી.સી ની કલમ 135(ક)(ખ) 295(ક) 269,270 સહિતની વિવિધ કલમો સાથે હિન્દુ મુસ્લિમ સમાજમાં કોમી વૈમનસ્ય ઊભું થાય તેવી ટીપ્પણી કરવા સબબ ફરીયાદ નોંધી છે.
પોલિસની અસરકારક કામગીરી : સમાજે પણ આગળ આવવાની જરૂર છે
કચ્છમાં અત્યાર સુધી બનેલા આવા બનાવોમા પોલિસે તુરંત ફરીયાદ નોંધાવા સાથે બન્ને સમાજના આગેવાનોને સાથે રાખી આવા બનાવોના પડઘા ન પડે તેવા પ્રયત્ન કર્યા છે સાથે પચ્છિમ કચ્છ પોલિસે તો કોમી એકતા જાળવનાર તમામ આગેવાન અને સમાજનો જાહેર આભાર માન્યો હતો જો કે માત્ર નિવેદન બાજી નહી પરંતુ સમાજના સાચા આગેવાનોએ પણ સમાજના યુવાનોને સાચી દિશા આપવા સાથે આવા બનાવો બને નહિ અને કોમી એકતા જળવાઇ રહે તેવા પ્રયત્ન કરવા જરૂરી છે.વૈશ્ર્વિક મહામારી વચ્ચે તબલીગી જમાતે કોરોના ફેલાવ્યો તે સહિતની અનેક બાબતોને લઇને સોશ્યિલ મિડીયામા બન્ને સમાજના કેટલાક વ્યક્તિઓ આવી પોસ્ટ કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે જો કે કચ્છમાં પોલિસ અને સામાજીક આગેવાનોની મદદથી તેમાં કોઈ ફાવ્યા નથી ત્યારે લોકોએ સંયમ જાળવી કચ્છની કોમી એકતાને જાળવવા હજુ પણ સતર્ક રહેવું પડશે.