કચ્છમાં કામ કરવાની તીવ્ર રાજકીય ઈચ્છા શક્તિના અભાવે કચ્છ જિલ્લાના અનેક પ્રશ્ર્નો વરસોથી ટલ્લે ચડ્યા છે અનેક લોકોએ વખતો વખતની રજૂઆતો કરવા છતાં હજૂ સુધી એ પ્રશ્ર્નો ઉકેલાયા નથી નર્મદા મુદ્દે તારાચંદ છેડાએ લખેલા પત્ર પછી હવે કચ્છ એકલધામના મંહત અને યોગી આદિત્ય નાથના ગુરૂભાઇ એવા યોગી દેવનાથ બાપુએ સરકાર સામે મોરચો માંડ્યો છે વિવિધ કામો ન થતા હોવાની ફરીયાદ સાથે 17 જુન સુધી જો આ કામ શરૂ નહી થાય તો સરકાર વિરૂધ્ધ અચોક્કસ મુદ્દત સુધી તેઓ આંદોલન કરશે.
શુ છે દેવનાથ બાપુના પ્રશ્ર્નો અને વેદના?
તંત્ર અને કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓને જાહેર સંદેશમાં દેવનાથ બાપુએ જણાવ્યુ છે કે જાહેર જીવનમાં વ્યસ્ત રહેતા હોઈ અને ભગવા વસ્ત્ર ધારણ કર્યા હોઈ લોકોની અપેક્ષાઓ અને આશાઓ અમારા પ્રત્યે વધારે હોઈ અમારી પાસે અનેક રજૂઆતો આવતી હોઈ ના છુટકે લોકહીતમાં રાજ્ય સરકાર સામે નીચે મુજબ પ્રશ્ર્નોના ઉકેલ માટે તા.17/06/20 ની મુદત આપવામાં આવે છે જો આ તારીખ સુધી આ પ્રશ્રોના સંતોષકારક સમાધાન નહીતો અચોક્કસ મુદતના આમરણાંત ઉપવાસ પર હું બેસીસ જેની જવાબદારી તંત્રની રહેશે.
કચ્છ જિલ્લાના લોકઉપયોગી પ્રશ્ર્નો.
(1) કચ્છ જિલ્લાની નર્મદા કેનાલમાં હાલ પુલીયાના કામ ચાલુ હોઈ પાણીની આવક બંધ છે જેથી કેનાલ આધારીત પીવાના પાણીના વિસ્તારોમાં અત્યંત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઉપરાંત હમણાં વાવણીની સીઝન ચાલુમાં છે નંદાસર પાસે પુલીયાંનું કામ ધીમી ગતિમાં હોઈ ખેડુતોને સિંચાઈના પાણી માટે પણ અત્યંત મુશ્કેલી પડી રહી છે જેથી આ વિસ્તારોમાં પીવાના પાણીની અને ખેડુતો માટે સિંચાઈ પાણીની તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવે.
(2) કચ્છ જિલ્લામાં હાલ કેનાલના કામોની ગતી જોતાં 20 વર્ષ સુધી માંડવી,મુન્દ્રા અને અબડાસા સુધી ખેડુતોને સિંચાઈનું પાણી મળી શકે એમ નથી જેથી જમીન સંપાદન કરવાથી લઈને જે પણ કાંઈ અડચણો હોઈ તે તાત્કાલીક અસરથી દૂર કરી નર્મદા નહેરના કામો જલ્દીથી પૂર્ણ કરવામાં આવે.
(3) એકલ બાંભડકા માર્ગ મંજુર થયે વરસો વીતી ગયાં, કેન્દ્ર સરકારનું ના વાંધા પ્રમાણપત્ર મળી ગયું છે,જાહેર બાંધકામ ડીપાર્ટમેન્ટ દ્વારા ભરવાના થતા ₹.4 કરોડ માંથી ₹.1 કરોડ જંગલખાતાને પણ ભરપાઈ થઈ ગયા હોવા છતાં આ રસ્તાના કામોને અત્યાર સુધી મંજુરી આપવામાં આવી નથી જે કામોનો પ્રારંભ તાત્કાલીક કરવામાં આવે.
(4) કચ્છ જિલ્લાના બે ઓવર બ્રીજના કામો વરસોથી ટલ્લે ચડ્યાં છે જેમાં ભચાઉ પાસે રેલ્વે બ્રીજ અને ભુજોડી પાસે હાઈ વે બ્રીજના કામો ચાલું કરવા માટે અહીંના આગેવાનોએ અસંખ્ય વખત રજૂઆતો કરી હોઈ આ કામો પણ ચાલુ થઈ શક્યાં નથી.
કચ્છના પુર્વ ધારાસભ્યના પત્ર પછી કચ્છના તમામ ધારાસભ્યો સરકારના બચાવમાં મેદાને ઉતરી પડ્યા હતા પરંતુ પત્ર લખ્યા પછી મૌન રહ્યા બાદ પણ હવે કચ્છના પુર્વ ધારાસભ્યના સરકારી ઇચ્છાશક્તિના અભાવે કચ્છમાં કામો ન થતા હોવાની વાતને સમર્થન મળી રહ્યુ છે જેમાં હવે સંતોએ પણ ઝંપલાવ્યુ છે 17 તારીખ સુધી જો વર્ષોથી અટકેલા કામો શરૂ નહી થાય તો મહંત દેવનાથ બાપુ સરકાર સામે ખુલ્લો મોરચો માંડશે.