પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાની ઇમેજ ભલે નોન કરપ્ટેડ અધિકારી તરીકે ની હોય પરંતુ શુ તેના નિચેના અધિકારીઓ કર્મચારી તેને અનુસરે છે ખરા ?પચ્છિમ કચ્છ પોલિસવડાની જ્યા કચેરી આવેલી છે તેવા ભુજ વિસ્તારમાંજ આવેલા બી-ડીવીઝન પોલીસ મથકમાં એ.સી.બીની કાર્યવાહી ઘણુ સુચવી જાય છે કેમકે ઉચ્ચ અધિકારીઓને ભલે ન ગમતુ હોય પરંતુ છાને-માને પણ અધિકારીઓ કે કર્મચારીઓ મલાઇ ખાવાનુ ચુકતા નથી.
ભુજ બી-ડીવીઝનના પી.એસ.આઇ તેના રાઇટર અને અન્ય એક ગૃહ રક્ષક દળના સેવા કર્મચારીને લાંચ માંગવી ભારે પડી છે. ભુજ બી-ડીવીઝન પોલિસની હદ્દમાં બનેલા એક રાયોટીંગના કિસ્સામાં પોલિસે કાર્યવાહી કરી હતી જેમાં અગાઉ બધુ બરોબર ગોઠવાઇ ગયા બાદ 151 ના કામે એક વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની હતી પરંતુ જામીન સહિત લોકઅપમાં ન રાખવુ અને સરભરા ન કરવા માટે પી.એસ.આઇ એ લાંચની માંગણી કરી હોવાનુ પોલિસ સુત્રોમાં ચર્ચાઇ રહ્યુ છે. જો કે આ સદંર્ભની ફરીયાદ ACB સુધી પહોચતા આજે પાટણ રેન્જની ટીમે કાર્યવાહી કરી હતી. અને 15,000 ની લાંચ લેતા PSI નરેન્દ્રસિંહ સુરૂભા ગોહિલ ,રાઇટર સાગર મગનભાઈ દેસાઇ તથા હોમગાર્ડ અનિલ શાંતિલાલ ગાયકવાડને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. અગાઉ પણ આજ કિસ્સામાં પૈસાની માંગણી અથવા વહીવટ થયો હોવાની ચર્ચા છે. જેથી ACB એ આખા મામલાની ઉંડાણ પુર્વક તપાસ શરૂ કરી છે. તો અગાઉ પણ બી-ડીવીઝન પોલિસે કરેલી કાર્યવાહીના કિસ્સામાં પી.એસ.આઇ ગોહીલ ચર્ચામાં રહ્યા હતા જે બાબતની પણ તપાસ શરૂ કરાઇ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.