કંડલા પોર્ટમાં સીબીઆઈના વડા રામનીશ ગીર આવ્યા હતા ત્યારની તસ્વીર
રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓના ડેડલી ક્નેક્શનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એવાં 12 કરોડના બીટકોઈન કેસમાં જ્યારથી સીબીઆઈના એક ઇન્સ્પેક્ટરની ભૂમિકા બહાર આવી છે ત્યારથી કંડલા પોર્ટના વપરાશકારો પણ ટેન્શનમાં આવી ગયા છે. કારણ કે જ્યારે કંડલા પોર્ટના (જેનું નામ બદલીને દીનદયાળ પોર્ટ કરી દેવાયું છે) ચેરમેનનો ચાર્જ મુંબઇ પોર્ટના ચેરમેન સંજય ભાટિયાને આપવામાં આવ્યો હતો ત્યારે પોર્ટ યુઝર્સ સાથેની પ્રથમ મુલાકાતમાં ભાટિયા સાહેબ તેમની સાથે સીબીઆઈના વડા એવા ડીઆઈજીને પણ લેતા આવ્યા હતા.
ગાંધીનગરની સીબીઆઈની કચેરીના વડા એવા ડીઆઈજી રામનીશ ગિરે તો પોર્ટ યુઝર્સની મિટિંગમાં ઉપસ્થિત રહીને કરપ્શન અંગે ભાષણ પણ આપ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ કોઈને રૂપિયા આપવા કે લેવા નહીં તેવી સલાહ સાથે આડકતરી રીતે કડક કાર્યવાહીનો સંકેત પણ આપ્યો હતો. તેમની વાત બહુ સારી હતી. પરંતુ જ્યારથી તેમની ગાંધીનગરની સીબીઆઈ કચેરીના ઇન્સ્પેકટર સુનિલ નાયરનું નામ બીટકોઈનના કેસમાં ઉછળ્યું છે ત્યારથી ગાંધીધામ, કંડલા અને મુન્દ્રામાં પોર્ટની સાથે વેપાર કરતા ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ થઇ ગઈ છે. કારણ કે જો સીબીઆઈનો એક ઇન્સ્પેકટર જ વેપારીઓને ઇડી અને આવકવેરાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 5 કરોડ રૂપિયા રોકડા લઇ લેતો હોય અને તેમ છતાં સીબીઆઈ દ્વારા એની કોઈ કાર્યવાહી ના કરે તો શું સમજવું ? કારણ કે એક તરફ સીબીઆઈના ડીઆઈજી ભષ્ટાચાર રોકવાની વાત કરતું ભાષણ આપે છે અને બીજી બાજુ તેમનો જ ઇન્સ્પેકટર 5 કરોડ રોકડા લીધા પછી પણ તેનો વાળ પણ વાંકો થતો નથી. આવી સ્થિતિમાં પોર્ટ યુઝર્સ માટે આગળ ખાઈ અને પાછળ કુવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ વાત થઇ સીબીઆઈની. હવે વાત કરીએ સીઆઇડી ક્રાઇમની. 12 કરોડના બીટકોઈન કેસની તપાસ હાલ ગુજરાતની સીઆઇડી ક્રાઇમ કરી રહી છે. તમને કદાચ એમ થશે કે કંડલા પોર્ટ અને સીઆઇડી ક્રાઇમને વળી શુ લેવા દેવા ? જી હા, પણ સંબંધ જરૂર છે. કદાચ બહુ ઓછાને એ વાતની ખબર હશે કે કંડલા પોર્ટના હાલના ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટિયા અને ગુજરાતના સીઆઇડી ક્રાઇમના વડા એવા આશિષ ભાટિયા સગા ભાઈ છે. ગુજરાત કેડરના સિનિયર આઇપીએસ અધિકારી એવા આશિષ ભાટિયા હાલ ડીજીપી તરીકે સીઆઇડી ક્રાઇમના ચીફ છે. જ્યારે કંડલા પોર્ટના ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટિયા મહારાષ્ટ્ર કેડરના સિનિયર આઈએએસ ઓફિસર છે. તેઓ આશિષ ભાટિયાના સગા મોટા ભાઈ છે. આ વાતનો ઉલ્લેખ ખુદ સંજય ભાટિયાએ પોર્ટ યુઝર્સની બેઠકમાં પણ કર્યો હતો.
શુ છે 12 કરોડના બીટકોઈનનો કેસ ?
સુરતના એક બિલ્ડરને સીબીઆઈના ઇન્સ્પેકટર સુનિલ નાયરે બીટકોઈનના કેસમાં ફસાવી દેવાની વાત કરીને 5 કરોડ રૂપિયાનો તોડ કર્યો હોવાનો આક્ષેપ હતો. જેમાં પછીથી અમરેલી પોલીસના એસપી જગદીશ પટેલથી માંડીને ત્યાંની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેકટર અનંત પટેલ ઉપરાંત પોલીસ કર્મચારીઓ તથા રાજકારણીઓના નામ પણ બહાર આવ્યા હતા. જેમાં સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી દીધી છે અને એલસીબીનાં ઇન્સ્પેકટર અનંત પટેલને પકડી લીધા છે. જોકે હજુ સુધી સીબીઆઈના ઇન્સ્પેકટર સુનિલ નાયરને ખરોચ પણ આવી નથી જેને સૌથી પહેલા સુરતના બિલ્ડર પાસેથી 5 કરોડ રોકડા લઈ લીધા હોવાનો આક્ષેપ છે અને તેમાં કોઈ ડીઆઈજીનો હિસ્સો હોવાની વાત બહાર આવતા પોર્ટ યુઝર્સ ટેન્શનમાં આવી ગયા છે.