જિંદગી આપનાર ઉપરવાળો પણ કયારેક કયારેક આકરી કસોટીઓ કરતો હોય છે. પણ, જિંદગી આપે અને તેની સાથે જ મોત સાથે નો જંગ પણ આપે એ કસોટી તો ખૂબ જ કપરી ગણાય, અને તેમાં પણ જયારે નવજાત બાળક હોય, તેને જીવલેણ રોગ હોય અને ખર્ચાળ સારવાર હોય ત્યારે મોત સામેનો જંગ ભારે આકરો અને પડકારભર્યો બની જાય છે. પણ, ન્યૂઝ4કચ્છ દ્વારા પ્રકાશિત થતા આ સમાચાર એ પ્રતીતિ કરાવે છે કે, હૈયા મા માનવીય સંવેદના ની હામ સાથે મોત સામેનો પડકાર ઝીલી જિંદગી બચાવવા માટે મદદરૂપ બનનાર આજે પણ જોવા મળે છે. જોકે, આ કામ કોઈ સરકારી તંત્ર કે માણસો કરે તે વાત અશક્ય લાગે અને તેમાંયે માત્ર એક દિવસના નવજાત શિશુની જિંદગી બચાવવા સરકારી તંત્ર દોડે તે વાત તો અશક્ય નહીં પણ અસંભવ લાગે. પણ, માનવતાના આજેય જીવંત છે એવો અહેસાસ કચ્છના આરોગ્યતંત્ર એ કરાવ્યો છે. મોત સામે એક માસુમ ના જંગ ની આ વાત આપણા રૂદીયાને રડાવી મૂકે તેવી છે, તો સરકારી તંત્ર ની માનવતાનો મલમપટો આપણા હૃદયને ટાઢક આપે તેવો છે.
અમે સ્પે. ICU એમ્બ્યુલન્સ સાથે એ નવજાતશિશુ ને સારવાર માટે અમદાવાદ મુક્યું તો છે, પણ…?
શું છે મોત સાથેના જંગની આ આખી ઘટના? કચ્છ જિલ્લા ના સ્કૂલ હેલ્થ પ્રોજેક્ટ ના નોડલ ઓફિસર ડો. ભાવિન ઠક્કર ન્યૂઝ4કચ્છને વાત કરતા કહે છે કે, સ્કૂલ હેલ્થ પોગ્રામ અંતર્ગત ૦ થી કરીને ૧૭ વર્ષ સુધીના બાળકો અને સગીરો ની તપાસણી કરવાની હોય છે. દરમ્યાન ભચાઉ મા માત્ર એક જ દિવસના નવજાત શિશુને ગંભીર બીમારી હોવાનું અમને ધ્યાને આવ્યું. થોડી સઘન તપાસ કરતાં આ નવજાત શિશુ ને ડાયાફ્રેગમેટિક હર્નિયા ની ગંભીર અને જીવલેણ બીમારી છે એવું નિદાન થયું. જો તાત્કાલિક ઉચ્ચ કક્ષાની સારવાર ન મળે તો આ નવજાત શિશુ ની જિંદગી બચાવવી મુશ્કેલ બને એવું લાગતા અમે તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર મોકલવાનું નક્કી કર્યુ. ડીડીઓ પ્રભવ જોશી અને ઇન્ચાર્જ ડીએચઓ ડો. ભાર્ગવ ના સહયોગ થી ભુજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી. કે. ગાલા અને આર.બી.એસ.કે. ડો. રણજીત દ્વારા તાત્કાલિક સ્પેશીયલ ICU એમ્બ્યુલન્સ દ્વારા એ નવજાત શિશુને અમે વધુ સારવાર માટે અમદાવાદ મોકલાવ્યું છે. જોકે, ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતી વખતે ડો. ભાવિન ઠક્કરે ચિંતા ભર્યા સુરે કહ્યું હતું કે અમારા સૌના શ્વાસ અદ્ધર છે, અમે પ્રાર્થના કરીએ છીએ કે આ નવજાત બાળક સલામત અમદાવાદ પહોંચી જાય અને સારવાર લઈ સ્વસ્થ થઈ હસતું રમતું પાછું પોતાને ઘેર ભચાઉ આવે. અહીંથી અમદાવાદ સુધીની એમ્બ્યુલન્સ નો ખર્ચ હોય કે પછી સારવાર નો ખર્ચ ડો. ભાવિન ઠક્કર ન્યૂ4કચ્છને કહે છે કે તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. અને, હ કચ્છ દૂર નો જિલ્લો હોઈ નવજાત શિશુ ને બચાવવા રાજય સરકારે ખાસ ICU એમ્બ્યુલન્સ પણ આપણ ને ફાળવી છે. રવિવારે રજાના દિવસે માત્ર એક દિવસના નવજાત શિશુને બચાવવા આરોગ્ય તંત્ર દોડ્યું તે સરાહનીય છે, ન્યૂઝ4કચ્છ સૌની માનવીય સંવેદનાને સલામ કરે છે.