કચ્છમા વર્તમાન દુષ્કાળ અને અછતની પરિસ્થિતિના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં દિનપ્રતિદિન કપરી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે ભુજ, રાપર, અંજાર, નખત્રાણા અને લખપત તાલુકાના સરપંચ સંગઠનના પ્રતિનિધિમંડળ દ્વારા કલેકટરશ્રીને દુષ્કાળની સ્થિતિ આવેદનપત્ર આપી વિવિધ મુશ્કેલીઓ સંદર્ભે રજૂઆતો કરાઈ હતી. જેમાં ઘાસચારાની વિતરણ વ્યવસ્થા, ઘાસચારાના સ્ટોક અંગે, પીવાના પાણી અને રોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરી પશુપાલકો અને ગ્રામીણ લોકોની મુશ્કેલીઓ અંગે જિલ્લા કલેકટરને વાકેફ કરાય હતા,સાથે સાથે આ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી તંત્ર સાથે સરપંચ સંગઠન પણ સહયોગ આપવા તત્પર રહેશે એવી ખાત્રી પણ આપવામાં આવી હતી. આ સાથે આગામી સમયમાં પાણી વપરાશ બાબતે જનજાગૃતિના કાર્યક્રમો કરવા સહિયારા પ્રયાસો બાબતે ચર્ચા કરવામાં આવી કલેકટર શ્રી દ્વારા આ રજૂઆતો બાબતે હકારાત્મક પ્રતિભાવો આપી અને વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલા પ્રયત્નોની વિગતે જાણકારી આપી હતી. સરપંચ સંગઠન સાથે વહીવટીતંત્ર સમક્ષ રજુઆત નું સંકલન ભુજ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશભાઈ છાંગાએ કર્યું હતું.
અછત જાહેર થયા પછીની પીડા વધી રહી છે…
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદના દર્શાવીને કચ્છ જિલ્લાને ૧ લી ઓક્ટોબરથી અછતગ્રસ્ત તો જાહેર કરી દીધો, પણ ૧૫ દિવસ થયા અછતની અમલવારી માટે રાજ્ય સરકારના સચિવો ની ચર્ચામાં અને તેમની સરકારી ફાઈલોમાં અછતની અમલવારી અટવાઈ ગઈ છે. જિલ્લા કલેકટર વારંવાર ઘાસ, પાણી અને અછતના મહેકમ માટે દરખાસ્તો કરે છે, પણ ગાંધીનગર થી અમલવારી માં ઢીલાશ વર્તાય છે. રાજ્યમંત્રી હોય કે કચ્છ ભાજપના અન્ય ધારાસભ્યો કે પછી જિલ્લા સંગઠન હોય બધા જ આશ્વાસનો આપે છે, પણ અમલ થતો નથી. આશ્વાસનો થી મુંગા પશુઓના પેટ કે પછી તરસ્યાના ગળા સુકાતા નથી, કે પછી નથી ઘરનો ચૂલો સળગતો એ કડવી સચ્ચાઈ છે. પણ, ગૌપ્રેમી સરકાર ના કાને મુંગા પશુઓના ભાંભરડા પણ નથી સંભળાતા એ કરુણતા છે. વિપક્ષ કોંગ્રેસ ઘાસ અને અછત ના મુદ્દે જિલ્લા કક્ષાએ સરકાર સામે દેખાવો તો કરે છે, પણ કચ્છની પરિસ્થિતિ જોઈ ગયેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હોય કે વિપક્ષી નેતા કોઈને પણ ગાંધીનગર માં સરકાર સમક્ષ કચ્છની અછતનો મુદ્દો ઉપાડવામાં જાજો રસ નથી. મુન્દ્રા માં રાજીવ સાતવ સહિતના નેતાઓએ પ્રજા વચ્ચે જવાના, પ્રજાના પ્રશ્નો ઉપાડવાના ‘પાઠ’ ભણાવ્યા પણ કચ્છની અછત વિશે રાજીવ સાતવે કંઈ ન કહ્યું. તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પછી પણ સરકાર સમક્ષ કોઈ ઠોસ રજુઆત થઈ નથી. પાંજરાપોળ સિવાય ના ૧૬ લાખ પશુઓ માટે ઢોરવાડા શરૂ કરવા, રેલવે રેક દ્વારા ઘાસ મંગાવવા ની વ્યવસ્થા, ટ્રકો વધારવાની વ્યવસ્થા હજીયે અટવાયેલી છે. સ્થાનિક વહીવટીતંત્ર નો ગાંધીનગર ના નિર્ણય ઉપર મદાર છે.