જે રીતે બિમાર અને અકસ્માતગ્રસ્ત લોકો માટે રાજ્યસરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. એ જ રીતે હવે બિમાર અને અકસ્માતનો ભોગ બનતા પશુ પક્ષીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઇ છે. આજ થી ભુજ શહેર માટે પશુ પક્ષીઓ માટેની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા દ્વારા કાર્યરત કરાઈ છે. આ પ્રસંગે ડીડીઓ પ્રભવ જોશી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિબેન પોકાર, કારોબારી ચેરમેન હરિભાઈ જાટીયા ઉપસ્થિત રહ્યા હતા. નાયબ જિલ્લા પશુપાલન અધિકારી ડો. કે. જી. બ્રહ્મક્ષત્રિય ના જણાવ્યા પ્રમાણે બિમાર કે અકસ્માતગ્રસ્ત પશુ પક્ષીઓ માટે ઇમરજન્સી મોબાઈલ નંબર 1962 પર ફોન કરવાથી એમ્બ્યુલન્સ મદદે પહોંચી આવશે. જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ ન્યૂઝ4કચ્છ સાથે કરેલી વાતચીત મુજબ ભુજ શહેર અને આજુબાજુના ૨૫ કિલોમીટર ના વિસ્તાર માં કરુણા એમ્બ્યુલન્સ ની સેવા કાર્યરત રહેશે. આ સેવા સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી જ ચાલુ રહેશે. આ 1962 મોબાઈલ નંબર ટોલ ફ્રી છે.