Home Current અછતના મુદ્દે કોંગ્રેસ આક્રમક- કચ્છ ભાજપના સાંસદ,ધારાસભ્યો અને સરકારને જગાડવા કર્યો હવન

અછતના મુદ્દે કોંગ્રેસ આક્રમક- કચ્છ ભાજપના સાંસદ,ધારાસભ્યો અને સરકારને જગાડવા કર્યો હવન

497
SHARE
કચ્છમા અછતના મુદ્દે પશુઓની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. તે સિવાય પાણી અને રોજગારીની પણ બુમરાણ વધી ગઈ છે. જોકે, ગત ૧ લી ઓક્ટોબર થી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુજ મધ્યે બેઠક બોલાવીને સમગ્ર કચ્છ જિલ્લામાં અછત ની જાહેરાત કરી હતી. પણ, ૧૫ દિવસ થયા હજી સુધી કચ્છમા અછતની અમલવારી શરૂ થઈ શકી નથી. સરકારની સાથે કચ્છ ભાજપના સાંસદ અને ધારાસભ્યોને જગાડવા અને અછતનો અમલ કરાવવા માટે કચ્છ કોંગ્રેસે હવન નું આયોજન કર્યું હતું. જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માં કોંગ્રેસે આકમક વિરોધ સાથે કચ્છની વર્તમાન પરિસ્થિતિ ઉકેલવામાં ભાજપની નિષફળતા દર્શાવી હતી. રાજયમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ભાજપના ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી ના પોસ્ટર ઉપર તેમના મોઢા આડે કાળી પટી લગાડીને કોંગ્રેસે કચ્છી પ્રજાની અછત અને દુષ્કાળની સમસ્યાને વાચા આપવામાં , સરકારને સાચી પરિસ્થિતિ કહેવામાં તેઓની નિષફળતા દર્શાવી હતી. બપોરે બે કલાક હવન બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને અછતની તાત્કાલિક અમલવારી કરાવવા માંગ કરી હતી. રાજ્યની ભાજપ સરકાર મૂંગી અને બહેરી હોવાનું જણાવીને સરકારને જગાડવા માટે કોંગ્રેસે આ વખતે આક્રમક રૂખ અપનાવ્યું હતું. પ્રદેશ આગેવાન આદમ ચાકીએ અત્યારે દરરોજની ૪૦૦ ટ્રક ઘાસની જગ્યાએ માંડ ૮૦ ટ્રક ઘાસ આવતું હોવાનું જણાવીને ઘાસકાર્ડ ઉપર નભતા ૪ લાખ પશુઓ ભૂખમરાની પરિસ્થિતિ વેઠી રહ્યાં હોવાનો આક્ષેપ કરીને કચ્છના મુંગા પશુઓના મોત માટે સરકારને જવાબદાર ગણાવી તાત્કાલિક રેલવે રેક દ્વારા અને વધુ ટ્રકો દ્વારા કચ્છમા ઘાસ મોકલવાની માંગણી કરી હતી. વિપક્ષી નેતા વી. કે. હુંબલે પાંજરાપોળ સિવાય કચ્છમાં ૧૫ લાખ જેટલા પશુઓ માટે અછત મેન્યુઅલ પ્રમાણે ઢોરવાડા શરૂ કરવા, રોજગારી માટે રાહતકામ શરૂ કરવા અને પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી હતી. અછત જાહેર કરીને સરકારે જવાબદારી ઉપર થી હાથ ઊંચા કરી દીધા હોય એવી પરિસ્થિતિ કચ્છની છે એવું જણાવીને કોંગ્રેસે અછત નું મહેકમ ભરવાની અને અછત ની અમલવારી કરવાની માંગ કરી હતી. કચ્છ કોંગ્રેસના આકમક વિરોધ કાર્યક્રમ માં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય સંતોકબેન વતી તેમના પતિ ભચુભાઈ આરેઠીયા, પ્રદેશ આગેવાન આદમ ચાકી, વિપક્ષીનેતા વી. કે. હુંબલ, રવિન્દ્ર ત્રવાડી, દેવેન્દ્રસિંહ જેઠવા, ચેતન જોશી, રફીક મારા, ગની કુંભાર, દિપક ડાંગર સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.