‘મેળાવો’ 4 મળીએ શિક્ષણનો અલખ ધુણો ધખાવી બેઠેલા રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર મોટાબેન પૂજ્ય મુ.નલિનીબેન શાહને

    1010
    SHARE
    ધૈર્ય છાયા દ્વારા : ફેસુબક અને www.news4kutch.in વેબસાઈટના માધ્યમથી દર રવિવારે પ્રકાશિત થતી ઈ કૉલમ ‘મેળાવો’ માં સ્વાગત.,तस्मै श्री गुरवे नमः ।।
    મળીએ શિક્ષણનો અલખ ધુણો ધખાવી બેઠેલા રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર મોટાબેન પૂજ્ય મુ.નલિનીબેન શાહને. આમતો વિધવિધ માધ્યમોથી પૂજ્ય નલિનીબેનની મુલાકાત લેવાની તક મળી છે.. પણ ‘મેળાવો’ એટલે પોતીકું માધ્યમ. બસ અગાઉથી એપોઈન્ટમેન્ટ લીધા વિનાજ પહોંચ્યો શિક્ષણના તીર્થધામ સમા શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં. પુજ્ય મોટાંબેનને મળવા વિનંતી મોકલી.. તરતજ મોટાંબેને એમની ચેમ્બરમાં આવકાર્યો.. શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયના ૪૦માં વર્ષની એટલેકે ચતુર્થ દશાબ્દી મહોત્સવ એટલે કે ‘માણેક જયંતિ’ના મહોત્સવના કાર્યક્રમનું આયોજન ઘડવામાં મોટાંબેન વ્યસ્ત જણાયા.. હા .. ૪૦માં વર્ષની ઉજવણીને ‘માણેક જયંતિ’ કહેવાય. ‘મેળાવો’ લેવા માટે તો આ અવસર વધુ અનુકૂળ જણાયો.. પ્રાસંગિક મુલાકાત બને તેમ હતું. મોટાબેનને વિનંતી કરી અને અમૂલ્ય સમય આપ્યો. . મોટાંબેન જ્યાં શોભાવ્યા હતા એની બિલકુલ પાછળ મીરાંબાઈની ધ્યાનાકર્ષક મૂર્તિ જોઈ. તો પાસે જ સ્વામી વિવેકાનન્દ અને રામકૃષ્ણપરમ હંસની મૂર્તિ. એમની ચેમ્બરમાં પૂર્વ ટ્રસ્ટીઓથી વિશેષ શાળાના વડીલો સ્વ. માણેક્લાલભાઈ શાહ અને સ્વ. યોગેશભાઈ શાહના ફોટોસ પણ આશીર્વાદ આપતા જણાયા. મહોત્સવની તૈયારીનું જીણવટભર્યું માર્ગદશન અપાતું હતું. વચ્ચેથી ‘મેળાવો’ લેવાની તક ઝડપી.
    મોટાંબેને માતૃછાયાની સફળતા માટે સહિયારા પ્રયાસને બિરદાવ્યો હતો.. માતૃછાયા એક પરિવાર જ છે. પરિવારની ભાવના શ્રેષ્ઠતાને પહોંચે છે. ઢીંગલી ઘરથી, પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ સુધીના વાલીઓના ઉત્સાહ થકી માતૃછાયા શૈક્ષણિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે અવ્વલ રહી છે. એવું મોટાંબેનનું કહેવું છે.
    મળીએ પૂજ્ય મુ. નલિનીબેનને. એમનો જન્મ આઝાદી પહેલાં ૧૯૪૦માં કરાચીમાં. એ વખતના દિવસો કોઈ યાદ નથી પણ સ્થળાંતર સમયે ભુજ આવીને વસ્યા. ત્યારે પ્રેમજી માસ્તરની સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. સદ્દનસીબે મનુબેન મકવાણા જેવા એક્ટિવ શિક્ષિકા મળ્યાં. એમની શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિશાળ હતી. નલિનીબેનને એમની પાસેથી ઘણું શીખવાનું મળ્યું. એ અરસામાં દીકરીઓ ભણે નહિ એવું સામાજિક વાતાવરણ હતું ત્યારે નલિનીબેને શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરી કાંઠુ કાઢ્યું. તે વખતે મનુબેન – ભાનુબેનની જોડી કહેવાતી,. સાંસદ સ્વ. ગુલાબશંકરભાઈ ધોળકિયા પાસેથી પ્રોત્સાહન મળતું. સૌરાષ્ટ્રના દક્ષિણામૂર્તિના ગિજુભાઈ બધેકા પાસે માર્ગદર્શન મેળવેલા મનુબેને શિક્ષણ આપ્યું. તે વખતે સ્વ. કાંતિપ્રસાદભાઈ અંતાણીના હસ્તે મનુબેનને એવોર્ડ એનાયત પણ કરાયો .. અને એ એવોર્ડ સમારોહમાં વિધાર્થીની રૂપે નલિનીબેનને મનુબેન વિષે બોલવા માટે પસંદ કરવામાં આવ્યા. એક કાબેલ વિદ્યાર્થીની તરીકે.
    તેઓ બાળપણથી જ કુદરતી સૌંદર્ય વિકસાવવાના હિમાયતી રહ્યા છે. સાદગી. શિસ્ત અને મૂલ્ય કેળવણીનો પાયો પ્રાથમિક શિક્ષણથી જ નખાઈ ગયો,. સંગીતકાર કલ્યાણેશ્વર મેઘનાની સંગીત શીખવતા., એમણે પણ વિદ્યાર્થીની નલિનીબેન સારું ગાય છે એવું કહી પ્રશંસા કરી.
    એ સમયે વિદ્વાન અને સર્વ કળાએ અગ્ર એવા નલિનીબેન આકાશવાણીમાં પસંદગી પામ્યા. એમને ૧૦૦થી વધુ રેડિયો ટોક મળ્યા. જેમાં શૈક્ષણિક, સામાજિક, આધ્યાત્મિક, ચિંતનાત્મક વિષયોનો સમાવેશ થાય છે. એ વખતે આકાશવાણી, ભુજ દ્વિધામેંશ્વેર કોલોનીની પાછળ હતું. કળા અને સાહિત્ય ક્ષેત્રે પ્રગતિ જોતાં ‘કચ્છમિત્ર’ દૈનિકના માનનીય તંત્રી શ્રી સ્વ. નવીનભાઈ અંજારિયાએ કૉલમ શરુ કરવા આમંત્રણ આપ્યું. ‘મહિલા જગત’ કૉલમ ખુબ વખણાઈ. શિક્ષિકા તરીકેની યાત્રા શરુ થઇ આલ્ફ્રેડ હાઇસ્કૂલથી. આચાર્ય તરીકેનું પદ મળ્યું. એ સમય દરમ્યાન તો જાણે વિદ્યાર્થીઓએ બેનની કસોટી કરી. અને કેટલું આવડે છે.? એ માટે હમીરસરની પાળીએ બેઠેલા વિધાર્થીઓ પ્રશ્નો પૂછતા. બે વર્ષ ઓલ્ફ્રેડમાં હતા એ દરમ્યાન કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ પણ સાંભર્યા. અનિલભાઇ ધોળકિયા, અનિલભાઈ વોરા, રાજેશભાઈ અંતાણી, દીપકભાઈ ધોળકિયા, રમણીકલાલ ઝોટા વી. આચાર્ય પદ દરમ્યાન જવાબદારી વધુ હોય સ્વાભાવિક છે. વિદ્યાર્થુઓના સંપર્કમાં આવવા શિક્ષિકા હોવું જરૂરી. બે વર્ષ પછી ભુજના ઈન્દિરાબાઈ હાઈસ્કૂલમાં જોડાયા. ૧૬ વર્ષ ત્યાં ફરજ બજાવી. ડૉ. દર્શનાબેન ધોળકિયા, મંજરીબેન અંજારિયા, સુમનબેન ક્ષત્રિય વી એમના વિધાર્થીની. એ દરમ્યાન એમની બિદડા બદલીનો ઓર્ડર આવ્યો., જેવો ઓર્ડર આવ્યોકે ઈન્દિરાબાઈ હાઇસ્કૂલની વિધાર્થિનીઓ એ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સામે ધારણા કર્યા.. વિદ્યાર્થીનીઓને કેટલો પ્રેમ નલિનીબેન તરફથી મળ્યો હશે એની સાબિતી થાય છે. ભુજમાં આકાશવાણી, ‘કચ્છમિત્ર’ સહિતની પ્રવૃતિઓ બિદડાથી કરવી શક્ય ના હતી માટે બેને શિક્ષિકા પદેથી રાજીનામુ આપ્યું. અને તે સમયે જ એટલેકે ૧૯૭માં જૈન એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ રચાયું. અને નલીનીબેનને ટ્રસ્ટમાં જોડાવા આમંત્રણ અપાયું. પ્રવુંતીઓતો ગમે એમણે જોડાવવા સ્વીકાર્યું.
    નલિનીબેન મીઠું વ્યક્તિત્વ છે. ૧૯૯૧માં એમને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાળ શર્માના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. ગુજરાતભરની ઝાઝરમાન પ્રતિભાઓ એ માતૃછાયાની મુલાકાત લીધી છે. ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ એ મંત્રને ફોલોઅપ કરે છે. માતૃછાયા દ્વારા ફકત શિક્ષણ જ આપવામાં નથી આવતું સાથે સાથે સામાજિક પ્રવ્રુતિઓ પણ કરવામાં આવી રહી હતી.. જેમાં નલિનીબેનના સંભારણામાં દુષ્કાળગ્રસ્ત ગામડાઓમાં રૂબરૂ જઈ સિમેન્ટની કોઠીઓ મુકવામાં આવી હતી. પુસ્તકની સાથે વર્તન, વાણી અને મૂલ્યોનું સિંચન માતૃછાયા દ્વારા કરાય છે. આજેય પણ સેવાકીય કર્યો અવિરત છે. એમના માતા પિતાશ્રીની યાદમાં ‘વિદ્યા સૌરભ એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવે છે. એમના પિતાશ્રી પ્રેમચંદ જગજી શાહ અને માતૃશ્રી ઈન્દુમતીબેનની યાદમાં વિવિધ એવોર્ડ પણ જાહેર કરવામાં આવે છે. સર્જનાત્મક, રચનાત્મક, ઉદ્ઘોષક,સાંસ્કૃતિક ક્ષેત્રે આ એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે. સંતોષ – સાદગી અને કરકસર એમના માતાજી ઈન્દુમતીબેન પાસેથી શીખ્યા. પૂજ્ય નલિનીબેન જેવા સેવા અને શિક્ષણના ભેખધારી શિક્ષિકા નિયામકના આશીર્વાદ થકી શાળા કાયમ ધબકતી રહે છે. ખરેખર પૂજ્ય નલિનીબેન સાક્ષાત સરસ્વતી દેવી છે. પ્રણામ!!..