લોકસભાની ચૂંટણીના વાગતા પડઘમ વચ્ચે સતાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ સાથે સફળતા,નિષ્ફ્ળતાનો જંગ જામી રહ્યો છે તે વચ્ચે સોશ્યિલ માધ્યમ અને વ્હોટ્સએપ દ્વારા પાયા અને પાયા વિનાના સમાચારો લોકમાનસને પલટાવવામાં પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે અહીં એ વાત ચોક્કસ કરવી રહી કે દેશ અને રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ સોશિયલ માધ્યમે એ દબદબો જાળવી રાખ્યો છે હકારાત્મક પાસા જોતા ઘણા કામો કે ઉપયોગી માહિતી પણ લોકો સુધી પહોંચતી રહી છે જયારે નકારાત્મક પાસા પણ આ જિલ્લામાં જોવા મળ્યા છે જેમાં ક્રાઈમથી માંડીને ઉપજાવી કાઢેલા સમાચારો પણ હોઈ શકે હવે મૂળ વાત એ કે વિપક્ષના વિરોધ અને સત્તાધારીઓના વિકાસના વાયદા વચ્ચે કચ્છમાં કોના અચ્છે દિન?
ક્યાંક મોંઘવારીની મોકાણ છે તો ક્યાંક બેકારીનો બકવાસ છે તો ક્યાંક મંદીની ચર્ચા છે આ બધીય રાજકીય રમતો વચ્ચે સામાન્ય માણસ બન્ને પ્રવાહોના વેગમાં તણાઈ રહ્યો છે ત્યારે મોંઘવારી, બેકારી,મંદી વચ્ચે પણ ક્યાંક લોકો સુધી ન પહોંચી હોય એવી વાત પણ અહીં કરી લઈએ જિલ્લા મથક ભુજથી શરૂઆત કરીએ તો ભુજ શહેરમાં પ્રવાસનના વેગ બાદ અત્યારે જમીન વ્યવસાયમાં ભલે મંદીની ચર્ચા હોય પણ અંદરની વાત એ છે કે ભુજીયાના બ્યુટીફીકેશન પહેલા રાજકીય અસ્તિત્વ ધરાવતા પહોંચેલા પામેલા લોકોએ પોતાના અચ્છે દિનના સપનાને અત્યારથી જ સાકાર કરી લીધા છે સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ માધાપરથી RTO સાઈટના રસ્તે આવતી કેટલીક જમીનો પોતાના કે પોતાના સ્નેહીઓના નામે કરી અને અને અત્યારથી જ આવાસો કે સુવિધા સભર હોટલો કે પછી શોપિંગ મોલ જેવા આયોજન સાથે પ્લાન બનાવવાના પણ શરૂ કરી દીધા છે સતાના હોદ્દા પર બેઠેલા રાજકીય આગેવાનોએ સતાના જોરે ભલે નિયમ જાળવીને પ્લાનીંગ કર્યું હોય પણ એ લોકો પાસે આવતા કેટલાક અરજદારો કે મતદારો હજુ પણ પોતાની માંગણીઓ થી વંચિત રહ્યા છે આ લખવાનો ઉદેશ્ય કોઈ પાર્ટી કે નેતાને બદનામ કરવાનો નથી પણ અજાણ પ્રજા સુધી વાસ્તવિકતા પહોંચે એનો છે જેથી લોકો પણ પોતાના હક્કો અંગે સભાન બને અને જેના પર વિશ્વાસ મુક્યો છે એમની સામે સવાલ ઉઠાવી શકે, તો બીજી તરફ જ્યુબિલી ગ્રાઉન્ડથી શાકમાર્કેટ તરફ આવતા રસ્તે પણ રહેલી જમીનો પર રાજકીય વગ ધરાવતા લોકોએ આવાજ પ્લાન સાથે જમીન મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે અહીં વાત જમીન લેનારા કે આયોજન કરનારા વ્યક્તિઓના વિરોધની નથી પરંતુ સામાન્ય માણસ સરકારી નિયમોને આધીન રહીને પોતાના હક્ક માટે કે સામાન્ય વહીવટી કામ માટે સરકારી કચેરીના ચક્કર કાપતો હોય એનું સામાન્ય કામ પણ ન થાય અને કિંમતી જમીનો કે જેમાં ખરેખર સમય લાગે એવા કામ તરત થઈ જતા હોય તો અચ્છે દિન કોના કહેવાય? વિપક્ષના વાંઝિયા વિરોધ વચ્ચે સામાન્ય પ્રજા શું ઝંખે છે?પ્રજાને જોઈએ છે માળખાગત સુવિધા થી માંડીને સરકારે આપેલા હક્કોનું નિયમન સરકારની નીતિઓ કે યોજનાઓ ખરાબ નથી પણ એના અમલીકરણમાં રહેલી ત્રુટીઓ અને રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ સામાન્ય માણસને અનેક સવાલો વચ્ચે પીસી રહ્યો છે આવા માહોલમાં મૂળભૂત હક્કો વિસરાઈ જાય છે અને જાતિવાદથી લઈને મૂડીવાદની માયાજાળમાં પ્રજા પીલાય છે વધતા જતા ટેક્નોલોજીના આધુનિક યુગમાં યુવા વર્ગ પણ પોતાના હક્કો વિશે સભાન બને અને સાક્ષર સમાજ અને બુદ્ધિજીવીઓ પણ મૂક – બધીરની મુદ્રામાંથી બહાર આવેતો ચોક્કસ અચ્છે દિન અનુભવી શકે અહીંતો માત્ર જિલ્લા મથક ભુજની વાત થઈ છે અન્ય તાલુકાઓ અને જિલ્લામાં પણ આવું ઘણું હોઈ શકે આપને શું લાગે છે? આપના સૂચનો કે અભિપ્રાયો કે ફરિયાદ ચોક્કસ આવકાર્ય છે….મળીશું નવા વિષય, નવી ચર્ચા અને નવી માહિતી સાથે।…. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય કચ્છ.