ચૂંટણી દરમ્યાન રોપાતા વેરઝેરના બીજ ઘણીવાર લોહિયાળ બની જાય છે ભુજ તાલુકાના કાળીતળાવડી ગામે સરપંચ અને ગ્રામપંચાયતની ચૂંટણીએ બે રાજકીય આગેવાનો વચ્ચે સર્જેલ વેરઝેરની આગે એકનો ભોગ લીધો હતો તો ગુનો આચરનાર એકજ પરિવારના ચાર ચાર સભ્યો આજીવન જેલની કાળ કોટડી પાછળ ધકેલાઈ ગયા છે કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય વેરઝેરની વધતી જતી ઘટનાઓ સંદર્ભે રાજકીય આગેવાનોને લાલબત્તી ધરતા આ કેસના ચુકાદા વિશેની માહિતી આ પ્રમાણે છે.
જાણો આખીયે ઘટના
કાળીતળાવડીના પૂર્વ સરપંચ રણધીર બેચુભાઈ બરાડીયા (આહીર)ની ૨૮ જૂન ૨૦૧૫ના સાંજે ૭ વાગ્યાના અરસામાં તેમની વાડીએ ખૂન થયું હતું આ સંદર્ભે તેમના ભત્રીજા અરવિંદ રવજી બરાડીયાએ ગામના રાધુ ગોવિંદ ડાંગર, તેમના ભાઈ રમેશ ગોવિંદ ડાંગર, રાધુભાઈના બે પુત્રો પ્રકાશ અને પ્રવિણ રાધુભાઈ ડાંગર એ ચાર ઉપરાંત અન્ય ચાર એમ કુલ મળીને ૮ શખ્સો વિરુદ્ધ પોતાના કાકા રણધીર બેચુભાઈ બરાડીયાની તલવાર, છરી, ધોકા વડે હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી દરમ્યાન પોલીસ કાર્યવાહીમાં આ ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી, જયારે અન્ય ૪ શખ્સોની સંડોવણી ખુલી નહોતી કાયદાકીય કાર્યવાહી દરમ્યાન આ ચારેય આરોપીઓને હાઇકોર્ટે જામીન આપ્યા હતા આ કેસ ભુજના ચોથા અધિક સેશન્સ જજ મમતાબેન એમ. પટેલની કોર્ટમાં ચાલી જતા ૨૩ સાક્ષી, ૪૫ દસ્તાવેજી પુરાવા તપાસીને IPC ૩૦૨, ૧૨૦ બી હેઠળ ૧૨૦ પાના નો ચુકાદો આપતા ચારેય આરોપીઓને જન્મટીપની સજા સાથે પાંચ પાંચ હજારના દંડ નો હુકમ કર્યો હતો આ કેસમાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ધારદાર દલીલો કરી હતી જોકે, આ કેસ સંદર્ભે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હત્યાનો ભોગ બનનારના પરિવારને આર્થિક વળતર આપવાની તેમની માંગણીને કોર્ટે માન્ય રાખીને ચારેય આરોપીઓને ૨૫/૨૫ હજાર રૂપિયા કુલ ૧ લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો હતો જો દંડ ના ભરે તો વધુ ૩ મહિનાની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો નામદાર કોર્ટના ચુકાદા બાદ ચારેય આરોપીઓ રાધુ ગોવિંદ ડાંગર, રમેશ ગોવિંદ ડાંગર, પ્રકાશ રાધુ ડાંગર, પ્રવિણ રાધુ ડાંગર ને પોલીસે કસ્ટડીમાં લઈને પાલારા જેલ હવાલે કરી દીધા હતા.