Home Social કથાઓમાં મનોરંજન કે મનોમંથન? – ભુજમાં જ્ઞાનયજ્ઞ પૂર્વે શ્રી કિરીટભાઈજીની આકરી ટકોર

કથાઓમાં મનોરંજન કે મનોમંથન? – ભુજમાં જ્ઞાનયજ્ઞ પૂર્વે શ્રી કિરીટભાઈજીની આકરી ટકોર

927
SHARE
શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંતર્ગત ભુજ આવેલા જાણીતા કથાકાર પણ વ્યકિગત રીતે પોતાને વિચારક ગણાવતા શ્રી કિરીટભાઈજીએ પત્રકારો સાથે વર્તમાન કથાકારો, વૈષ્ણવ સંપ્રદાય, આજની નવી ભારતીય યુવા પેઢી અને શ્રીમદ્દ ભાગવત વિશે મુક્તમને ચર્ચા કરી હતી. જોકે, વર્તમાન કથાકારો વિશે તેમણે આકરી ટકોર પણ કરી હતી. પત્રકાર પરિષદમાં પોતાના વિચારો સ્પષ્ટ આકરા શબ્દોમાં રજૂ કર્યા બાદ મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા શ્રી કિરીટભાઈજીએ પોતાના શબ્દો જરૂર થોડા હળવા કર્યા હતા, પણ તેમનો સૂર તો ટકોરભર્યો આકરો જ રહ્યો હતો.
સાંભળો શ્રી કિરીટભાઈજીનો ઇન્ટરવ્યૂ તેમના જ શબ્દોમાં
આજની નવી પેઢીને ધાર્મિક કથાઓ અને માન્યતામાં શ્રદ્ધા ઓછી અને કુતૂહળતા, જિજ્ઞાસા, તર્ક વધુ હોવાનું કહેતા શ્રી કિરીટભાઈજીએ કહ્યું હતું કે, આ સારી વાત છે, કે તેઓ સાંભળ્યા પછી તેમના જીવનમાં ઉતારે છે. આ સારી વાત છે, તેને નકારાત્મકતા સાથે નહીં પણ હકારાત્મકતા સાથે લેવાની જરૂરત છે. વિદેશમાં રહેતા ભારતીય યુવાનોએ એ સમજવાની જરૂરત છે કે, આપણી પરંપરા સાથે સંકળાયેલી દરેક જૂની વસ્તુઓ નિંદનીય નથી, તો સ્માર્ટ ટેકનોલોજીના આ યુગમાં આવેલી દરેક નવી વસ્તુઓ વંદનીય નથી, બ્રાન્ડેડ ચીજવસ્તુઓના આ સમયની અસર આપણા ખોરાક અને ખાનપાન પર પડી છે, પણ આપણે એ સમજવું પડશે કે અંતે તો આપણો ધાર્મિક વારસો જ મૂલ્યવાન છે. આપણી સંસ્કૃતિ બહુ સરસ છે, જેના આધારે યુવાનોને જીવનમાં સફળતા મળી શકશે.

કથાકાર અને વિચારક, માર્ગદર્શક વિશે શ્રી કિરીટભાઈજીએ શું કહ્યું?

કથાકારો મોટેભાગે કોઈ ગ્રંથને લઈને પરમાત્માની લીલાઓ સમજાવશે, કોઈ દ્રષ્ટાંતો આપશે એમાંથી શ્રોતાઓ પોતાની રીતે પ્રેરણા લઈને પોતાના જીવનને બદલાવશે, અથવા તો એમને એમ ચાલતું રહેશે, જયારે વિચારકો અને માર્ગદર્શકો જે છે, એ શાસ્ત્રોને લઈને જીવનને કેમ સમૃદ્ધ બનાવવું, કેમ સફળ બનાવવું છે, ઇહલોક અને પરલોક એ બન્નેની વિચારધારાઓ વિચારકો આપણને આપે છે. જે મારી વ્યાસગાદી કોશિશ કરી રહી છે. કથાઓમાં મનોરંજન થઈ રહ્યું છે, તેવી પત્રકાર પરિષદમાં વાત કર્યા બાદ શ્રી કિરીટભાઈએ એ મુદ્દે કરેલા પ્રશ્નનો શું જવાબ આપ્યો? આ મનોરંજન પણ ખોટું નથી અને આ મનોરંજન આધ્યાત્મિક એટલે કે ઈશ્વરના સબંધમાં થઈ રહ્યું છે, એમા ભજન કીર્તન ઇત્યાદિ આવે છે, તો શાસ્ત્રોમાં તો એમ બતાવ્યું છે કે, કીર્તનમ પણ તમારો ઉદ્ધાર કરી શકે છે, પણ એ જો આપણે સાચા દિલ થી કરતા હોઈએ તો, એમાં કંઈ ખોટું છે જ નહીં!! પણ, એમાં ક્યાંક એવું ન થઈ જાય કે, મનોરંજન જ રહી જાય અને મનોમંથન જે થવાનું છે, એ ક્યાંક પાછલી સીટમાં રહી જ જાય, એ આજના વક્તાઓ ખ્યાલ રાખે. એવી આકરી ટકોર તેમણે કરી હતી. પુષ્ટિમાર્ગીય સંપ્રદાય સાથે મારો સબંધ છે જ, અને મતભેદ હોઈ શકે પણ મારો મનભેદ નથી. મત અલગ અલગ થઈ શકે, આખરે પુષ્ટિમાર્ગની અંદર શ્રીમદ્દ વલ્લભાચાર્યજી ની જે વિચારધારા છે, એ વૈશ્વિક કેવી રીતે થાય અને અધિકારીક વિશ્વ સુધી તે કેવી રીતે પહોંચે અને કેમ એનો ઉદ્ધાર થાય એ હેતુ છે, એ તો ખોટું છે જ નહીં.!!!

ભુજમાં ૮ મી એપ્રિલ થી ૧૪ મી એપ્રિલ સુધી ચાલશે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ

અમદાવાદના તુલસી સેવા સંસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આચાર્ય બ્રહ્મર્ષિ શ્રી કિરીટભાઈજી શ્રીઋષિવરજીના વ્યાસાસ સ્થાને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભુજના સંસ્કાર નગર મધ્યે ઓપન ગ્રાઉન્ડમાં મંગલમ ચાર રસ્તા પાસે આયોજન કરાયું છે. ૮/૪ થી ૧૪/૪ સુધી ચાલનાર આ જ્ઞાનયજ્ઞમાં ૮ મીએ પોથી યાત્રા, ૧૦ મીએ કૃષ્ણ જન્મ, ૧૧ મીએ યમુના લોટી મનોરથ, ૧૨ મીએ મહારાસ, ૧૩ મીએ રુક્ષમણી વિવાહ અને ૧૪ મીએ આ જ્ઞાનયજ્ઞ વિરામ લેશે. આ જ્ઞાનયજ્ઞ વિશે વધુ માહિતી મેળવવા માટે આયોજક સંસ્થાની પત્રિકા ઉપર મોબાઈલ નંબર ૯૭૨૫૨૦૪૯૬૫ અપાયા છે. શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ દરમ્યાન કચ્છના જાણીતા સંતો, રાજકીય અને સામાજિક આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહેશે. આ આયોજનને સફળ બનાવવા માટે રવિ અગ્રવાલ, પ્રફુલ અગ્રવાલ સહિત ૨૩ જેટલા આગેવાન વ્યક્તિઓની કમિટી જહેમત ઉઠાવી રહી છે.