ભગવાન પ્રત્યે ભક્તોની આસ્થાના કિસ્સાઓમાં ઘણીવાર આપણે તિરુપતિ બાલાજી, શીરડીના સાંઈબાબા, સિદ્ધિ વિનાયક મંદિર, અંબાજી મંદિર વિશે ટીવી મીડીયા અને અખબારોમાં વાંચતા હોઈએ છીએ જેમાં ભક્તો ભગવાનના ચરણોમાં પોતાની સંપત્તિનું છૂટે હાથે દાન કરે છે કચ્છમાં પણ હરિભકતો અને ભગવાન વચ્ચે આસ્થાનું દર્શન કરાવતા અનેક કિસ્સાઓ બની ચુક્યા છે પણ, આ વખતે કદાચ એક નવોજ ઇતિહાસ આલેખાયો છે કચ્છના ધાર્મિક ઇતિહાસમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પણ પ્રથમજ વખત સુવર્ણ અક્ષરે લખાય એવો ભગવાનના સોને મઢેલા વાઘા (સુવર્ણ જડિત વસ્ત્રો)નો ઇતિહાસ રચાયો છે.
૯ કારીગરોએ સતત ૧૨ મહીના કામ કરી ભગવાન માટે બનાવ્યા સોનાના વસ્ત્રો
ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા ઘનશ્યામ મહારાજના ૧૯૬માં વર્ષના પાટોત્સવની ઉજવણી થઈ રહી છે આ પ્રસંગે એનઆરઆઈ એવા બે કચ્છના હરિભક્તોએ ઘનશ્યામ મહારાજના ચરણોમાં ૧૪ કિલો સોનામાંથી બનાવાયેલ સુવર્ણ જડિત વસ્ત્રો અને દોઢ કિલો સોનામાંથી બનાવાયેલ મુગુટ અર્પણ કર્યા હતા મૂળ નારાણપર (ભુજ) અને રામપર-વેકરા (માંડવી)ના અને હાલે વિદેશમાં ઓસ્ટ્રેલિયા રહેતા બે હરિભક્તોએ ભગવાન ઘનશ્યામ મહારાજ માટે ૧૪ કિલો સોનામાંથી વસ્ત્રો બનાવડાવ્યા હતા તેમજ દોઢ કિલો સોનામાંથી ખાસ મુગટ બનાવડાવ્યો હતો બન્નેમાં મળીને અંદાજીત પાંચ કરોડ રૂપિયાનું ૧૫.૫ કિલો સોનુ વપરાયું છે સોનાના વસ્ત્રો ભુજના પ્રતાપભાઈ સોની અને તેમની સાથે ૯ જેટલા કારીગરોએ મળીને સતત ૧૨ મહીના સુધી મહેનત કરીને તૈયાર કર્યા છે હાલે પાટોત્સવ પ્રસંગે આયોજિત મહોત્સવ દરમ્યાન મહંત પૂ.ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગત અને અન્ય વડીલ સંતો, દાતા પરિવારો અને આગેવાનોની ઉપસ્થિતમાં સુવર્ણ જડિત વસ્ત્રો અને મુગુટ પૂ. ઘનશ્યામ મહારાજના ચરણોમાં અર્પણ કરાયા હતા બન્ને દાતાઓએ નિસ્વાર્થભાવે પોતાની સંપત્તિનું દાન કર્યું હોવાનું સ્વામીશ્રી નારાણમુનિદાસજીએ જણાવ્યું હતું પાંચ કરોડના સુવર્ણ વસ્ત્રો અને મુગુટના શણગાર સાથે સજ્જ પૂ. ઘનશ્યામ મહારાજના દર્શન ૯/૫/૧૯ ગુરુવારે થઈ શકશે આ સિવાય દર મહીને અગિયારસના પવિત્ર દિવસે પણ સુવર્ણ વસ્ત્રો અને મુગુટ ધારણ કરેલા ભગવાન પૂ. ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકાશે દેશના અન્ય રાજ્યોના ‘કરોડપતિ’ ભગવાનો સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂ. ઘનશ્યામ મહારાજ પણ હવે દેશભરમાં પ્રખ્યાત છે.