
નખત્રાણાની કે.ડી..સી.સી. બેન્કના કર્મચારીઓ દ્વારા કરાયેલી 84 લાખની ઉચાપતના કિસ્સામાં 11 વર્ષ બાદ નખત્રાણાની ચીફકોર્ટ દ્વારા ધાક બેસાડતો ચુકાદો અપાયો છે.
2008 ના વર્ષમાં એટલે કે 11 વર્ષ અગાઉ પ્રકાશમાં આવેલા આ કિસ્સામાં નખત્રાણા શાખાના તત્કાલીન બ્રાન્ચ મેનેજર પૂર્વેશ એચ.ગોર, કેશિયર પ્રતીક એન.જોશી, એકાઉંટન્ટ નરેશ પી.જોશી, પટ્ટાવાળા હિરેન એસ.ઠક્કર સહિત અન્ય બે વ્યક્તિઓ ચન્દ્રસિંહ એચ. સોઢા અને શક્તિસિંહ બી. રાણા દ્વારા બનાવટી કાગળો અને યુક્તિ પૂર્વક મિલીભગતથી 84 લાખની રકમની ઉચાપત કરાઈ હતી ત્યારબાદ બેન્ક દ્વારા કરાયેલી ફરિયાદ બાદ ચાલેલી કોર્ટ કાર્યવાહીને અંતે નખત્રાણા અધિક ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ શ્રી પંડિત દ્વારા અપાયેલા ચુકાદામાં ઉચાપત કેસના છ એ આરોપીઓને પાંચ વર્ષની કેદ અને ચાર હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ કેસની સુનાવણી દરમ્યાન 62 જેટલા સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને કે.ડી.સી.સી.બેન્કના ધારાશાસ્ત્રી દેવરાજભાઇ ગઢવીની સાથે વાય.વી.વોરા, સી.સી.ગુજરાતી, એ.એન. મહેતાએ ધારદાર દલીલો કરી હતી દરમ્યાન ન્યાયાધીશ શ્રી પંડિતે ચુકાદા સમયે ટકોર કરી હતી કે બેન્ક સ્ટાફ દ્વારા જ ઉચાપત કે વિશ્વાસઘાત જેવા અંજામ અપાશે તો લોકોને બેન્ક પરથી વિશ્વાસ અને ભરોસો ઉઠી જશે એટલે આ પ્રકારના કિસ્સાને જરાપણ હળવાશથી લેવાય નહીં.