ભુજ:તબીબી વિજ્ઞાન માટે પડકારરૂપ અને કુદરતનો કરિશ્મા જેવો એક કિસ્સો ભુજમાં બહાર આવ્યો છે, જેમાં 35 વર્ષીય યુવાનનું હૃદય ડાબી નહીં પણ જમણી બાજુએ છે. 8 વર્ષ પહેલાં તબીબી પરીક્ષણ માટે ગયેલા આ યુવકને તેની જાણ થઇ હતી. જોકે, હાલે તે સ્વસ્થ જીવન વિતાવી રહ્યો છે. ભુજમાં ભીડગેટ બહાર રહેતા જુણસ જુમા હિંગોરજાનું હૃદય જમણી બાજુએ છે. 8 વર્ષ પહેલાં પેટના દુ:ખાવા માટે એક ડોક્ટર પાસે બતાવવા ગયા, ત્યારે સ્ટેથોસ્કોપમાં ડાબી બાજુએ કોઇ ધબકારા ન સંભળાતાં ખુદ તબીબ પણ અચંબામાં મુકાઇ ગયા હતા અને જમણી બાજુ હૃદય હોવાની જાણ તેને તે વખતે થઇ હતી. 4 ભાઇ અને 7 બહેન સાથેનો બહોળો પરિવાર ધરાવતા આ યુવાનની 2 તંદુરસ્ત પુત્રી છે.આ અંગે યુવક સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ જે-તે સમયે ડો. હેમેન શાહ પાસે ગયા હતા, ત્યારે ડોક્ટર પણ અચરજ પામ્યા હતા અને કહ્યું હતું કે, ભવિષ્યમાં નિદાન માટે જાઓ ત્યારે સૌપ્રથમ વાત એ કહી દેવાની કે મારૂ હૃદય જમણી બાજુએ છે,
વર્ષમાં 4થી 5 આવા મિરર ઇફેકટ વાળા કેસ જોવા મળે છે
અમદાવાદના કાર્ડિયોલોજીસ્ટ ડો. અમૂલ અગ્રવાલે ભુજના આ યુવાન નિદાન માટે આવ્યા હોવાનું કહેતાં તેમની પાસે વર્ષમાં 4થી 5 આ પ્રકારના કેસ આવે છે, તેમ જણાવીને સામાન્ય રીતે આવી વ્યક્તિને કોઇ ખાસ તકલીફ રહેતી નથી તવું કહ્યું હતું. આવા લોકોમાં મિરર ઇફેકટ એટલે કે જમણી બાજુનો ભાગ ડાબે અને ડાબો ભાગ જમણે હાવનું તેમણે ઉમેર્યું હતું..