Home Current ગીર ફાઉન્ડેશન દ્વારા બન્ની ઘાસીયા મેદાનોને નવસર્જન દ્વારા નવપલ્લવીત કરવાના ભગીરથ પ્રયત્નોના...

ગીર ફાઉન્ડેશન દ્વારા બન્ની ઘાસીયા મેદાનોને નવસર્જન દ્વારા નવપલ્લવીત કરવાના ભગીરથ પ્રયત્નોના કરાયેલા શ્રીગણેશ

242
SHARE
જળવાયુ અને પર્યાવરણમાં પરિવર્તનની વૈશ્વીક અસરોને કારણે અનેક દેશોમાં પર્યાવરણીય મુશ્કેલીઓ સર્જાઇ છે અને જનજીવન તેમજ વન્યજીવન પર વિપરીત અસરો જોવા મળી રહી છે. ભારત અને ગુજરાતમાં પણ આ વૈશ્વીક પર્યાવરણીય અસંતુલનની અસરો જોવા મળી રહી છે.ભારત સરકાર દ્વારા ‘નેશનલ અડેપ્ટેશન ફંડ ફોર ક્લાયમેટ ચેન્જ’ (NAFCC) અંતર્ગત જળવાયુ પરીવર્તનની અસરો સામે અનુકુલન અને સુસજ્જતા કેળવવાના અભિયાન અન્વયે કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારમાં ચાલી રહેલા ભગીરથ પ્રયાસોના અન્વયે લાભાર્થી હિતધારાકોની વાર્ષિક બેઠક ગોરેવાલી રીસોર્ટ ખાતે યોજાઇ હતી.
વિશ્વભરના દેશો આજે પર્યાવરણના અસંતુલનની અસરોને અટકાવવા અને તેની સામે ટકી રહેવાના પ્રયાસો કરી રહ્યા છે તેમ જણાવતાં ગીર ફાઉન્ડેશનના ડાયરેકટરશ્રી આર.ડી. કમ્બોજે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર પર્યાવરણીય અસંતુલનને અટકાવવાના પ્રયાસોમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહી છે. ‘નેશનલ અડેપ્ટેશન ફંડ ફોર ક્લાયમેટ ચેન્જ’ (NAFCC) અંતર્ગત ગુજરાતમાં ગીર ફાઉન્ડેશન દ્વારા કચ્છ વિસ્તારમાં કરાયેલા વિવિધ કામોની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે એક સમયે માથા ઉંચા બર્નિયા ઘાસથી ભર્યા રહેતા મેદાનો હાલ વેરાન બની રહ્યા છે. પશુઓને ચારાની અછત ભોગવવી ન પડે તે માટે બન્ની વિસતારમાં આવેલા ૯ જેટલા ગામોમાં ૬૦૦ હેકટર જમીનમાં ઘાસીયા પ્લોટો ગીર ફાઉન્ડેશનના સહયોગથી વિકસાવાયા છે તથા ઘાસબીજના ઉત્પાદન અને સંગ્રહ માટે બેન્ક પણ શરૂ કરાઇ છે જેને કારણે આ વર્ષે ૨ લાખ કિલો કરતાં વધુ ઘાસનો સંગ્રહ શકય બન્યો છે આ ઉપરાંત ૧૮ જેટલા નવા તળાવોનું નિર્માણ કરાયું છે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થતાં મળી રહેલા સકારમાત્મક પરિણામોને વર્ણવીને તેઓએ આ તકે વધુમાં વધુ લોકો તથા પશુઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી છે તેઓએ આ તકે લોકોને પણ આ અભિયાનમાં સહયોગી બનવા તથા બન્ની વિસ્તારને નવપલ્લવીત બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ તકે ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામકશ્રી બારડે ઉપસ્થિત લાભાર્થીઓને પાણીના બચાવ અને પર્યાવરણની જાળવણીનું મહત્વ વિસ્તૃત સમજાવી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર તથા જળસંચય અને પાણીના બગાડને અટકાવવા સુચનો કર્યા હતા.
પર્યાવરણની સુરક્ષા અને જનજીવન અને વન્યજીવનની સલામતી માટે વૃક્ષો અને પર્યાવરણના સંરક્ષણનું મહત્વ સમજાવતાં વન વિભાગના ડી.એફ.ઓ શ્રી વિહોલે વન અને પરર્યાવરણના જતન અને સવર્ધન માટે સઘન પ્રયાસો હાથ ધરવા માર્ગદર્શક સુચનો કર્યા હતા આ તકે કાઝરી સંસ્થાના પ્રતિનિધી શ્રી પ્રકાશભાઇએ પર્યાવરણની અસમતુલાને કારણે ઉદભવતી વિપરીત અસરોથી ઉપસ્થીત સૌ લાભાર્થીઓને અવગત કરી પર્યાવરણ સંતુલન અંગે જાગૃત કર્યા હતા આ તકે ગુર્જરી સંસ્થાના હીનાબેન ગોસ્વામીએ સ્વસહાય જુથોની રચના થકી મહિલાઓને આર્થિક પ્રવૃતિ માટે પ્રોત્સાહિત કરતાં બન્ની વિસ્તારની વિશ્વ પ્રસિધ્ધ હસ્તકલાના ઉત્પાદન થકી આર્થિક પગભર બનવા કરેલા કામોની માહિતી આપી હતી બેઠક દરમીયાન લાભાર્થીઓ સાથે સંવાદ કરી ઉપયોગી સુચનો મેળવાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગીર ફાઉન્ડેશનના પ્રોજેકટ ડાયરેકટર ડો. મેઘલ શાહ દ્વારા કરાયું હતું
આ વિસ્તારમાં ગીર ફાઉન્ડેશન દ્વારા ઘાસીયા મેદાનોના નવસર્જન માટે ભગીરથ પ્રયાસો હાથ ધરાયા છે. જેના પરીણામે બન્નીમાં ફરી ઘાસીયા મેદાનો થતાં હવે આ વિસ્તાર નવપલ્લવીત બનવા તરફ જઇ રહયો છે આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી હઠુભા સોઢા અને અગ્રણીશ્રી પી.સી. ગઢવી, તાલુકા પંયાચતના સભ્યશ્રી હાજી મામદભાઇ, ગોરેવાલીના સરપંચશ્રી મુસ્તાકભાઇ સહિત આસપાસના ગામોના સરપંચશ્રીઓ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં માલધારીઓ ઉપસ્થીત રહયા હતા.