Home Social કચ્છની દિકરીઓને પોલીસ બેડા માટે તૈયાર કરશે “મિશન ખાખી” પોલિસ-મહિલા વિભાગનુ જાણો...

કચ્છની દિકરીઓને પોલીસ બેડા માટે તૈયાર કરશે “મિશન ખાખી” પોલિસ-મહિલા વિભાગનુ જાણો શુ છે આયોજન?

1345
SHARE
આંખોમાં જુસ્સો ને હૈયામાં હામ હોય અને હોય ખાખીનો પોશાક તો કોઇપણ મહિલા એક આગવી પ્રતિભાથી દીપી ઉઠતી હોય છે. ખાખી પહેરીને દેશ અને સમાજ સેવા કરવા ઈચ્છતી કચ્છની દરેક દિકરીઓ માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને પશ્ચિમ કચ્છ પોલીસ પીઠબળ બનશે. ગુજરાત પોલીસ દળમાં ભરતીની તૈયારી કરનાર કચ્છની દિકરીઓને પોલીસ બેડા માટે તૈયાર કરશે મિશન ખાખી !! જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક નવતર અભિગમથી પશ્ચિમ કચ્છ પોલીસના સહયોગથી મિશન ખાખી તૈયાર કરાશે જે ભવિષ્યની મહિલા પોલીસ વીંગને. તૈયાર કરશે!!ગુજરાત પોલીસ દળ દ્વારા પોલીસ સબ ઈન્સપેકટર, ઈંટેલીજન્સ ઓફિસર, મદદનીશ સબ ઇન્સ્પેક્ટરની (હથિયારી-બિન હથિયારી) જાહેરાત હાલમાં પ્રસિદ્ધ થયેલ છે. ઉક્ત જાહેરાતમાં ૪૩૧ જેટલી મહિલાઓની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જાહેરાત અન્વયે તૈયારી કરતી કચ્છ જિલ્લાની દીકરીઓ માટે બેટી બચાઓ બેટી પઢાઓ અન્વયે માન. પોલીસ અધિક્ષકશ્રી-સૌરભસિંઘ (IPS), પશ્ચિમ-કચ્છની અધ્યક્ષતાએ Mission Khakhee કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉક્ત જાહેરાત સંદર્ભે તૈયારી કરી રહેલ અને સ્નાતક થયેલ દીકરીઓને શારીરિક કસોટી તેમજ લેખિત કસોટી અર્થે સચોટ માર્ગદર્શન પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવશે.બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનએ સમાજમાં પ્રસરતા મહિલાઓ પ્રત્યેના ભેદભાવોને દુર કરવા અર્થેનો એક જાગૃતીકરણનો અભિયાન છે. મહિલાઓ / દીકરીઓ પગભર થાય તેમજ દરેક ક્ષેત્રમાં નામના મેળવે અને દેશના વિકાસમાં તેમનો સમાંતર યોગદાન મળી રહે તે અર્થે સરકાર દ્વારા પણ તેમને વિવિધ તકો પૂરી પાડવામાં આવી રહી છે. મિશન ખાખી કાર્યક્રમનુ Covid-19 ની પરિસ્થિતિને અનુલક્ષીને આયોજન કરવામાં આવશે અને વહેલા તે પહેલાના ધોરણે પ્રથમ-૫૦ અરજદાર દીકરીઓને કાર્યક્રમમાં બોલાવવામાં આવશે તથા અન્ય લોકો “Mahila Shakti Kendra Kutch” ના ફેશબુક એકાઉન્ટના માધ્યમથી જોડાઈ શકશે. જે માટે તમામ અરજી કરનારને તે અંગેની લિંક “whatsapp” માં શેર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક દીકરીઓએ http://bit.ly/missionkhakhee લિંક પરથી ગુગલ ફોર્મ ભરી તેમની અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી રૂમ નં. ૨૦૭-૨૦૯, પ્રથમ માળ, સેવા સદન, લેઉવા પટેલ હોસ્પીટલની બાજુમાં મુન્દ્રા રોડ, ભુજ પર રૂબરૂ અથવા ૦૨૮૩૨-૨૩૦૦૧૦ પર ટેલીફોનીક અથવા વોટ્સએપ નં. ૯૦૬૭૫૮૭૮૯૭ પર વોટ્સએપના માધ્યમથી કચેરી સમય દરમ્યાન માહિતી મેળવી શકાશે એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે દ્વારા જણાવાયું છે.
સૌ-માહિતી વિભાગ,ભુજ